એક તરફ નવી ગુજરાત સરકારની શપથવિધિની તૈયારીઓ ચાલી રહી છે ત્યાં બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં માંડ 5 બેઠકો જીતેલી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિસાવદરના AAPના જીતેલા ધારાસભ્ય ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેઓ આજે બપોરે કમલમ્ ખાતે કેસરિયો ધારણ કરશે.
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર : વીસાવદરના આપના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે#AAP #BJP #Election2022 #ZEE24Kalak pic.twitter.com/XcXn3MAL2f
— Zee 24 Kalak (@Zee24Kalak) December 11, 2022
મીડિયા અહેવાલો અનુસાર, વિસાવદરના AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા, પરંતુ બે વર્ષ પહેલાં ભાજપ છોડીને AAPમાં જોડાયા હતા. હવે તેમની ઘરવાપસી થઇ રહી છે.
ભૂપત ભાયાણી આગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જ હતા અને 1 વખત જિલ્લા પંચાયત અને 2 વખત તાલુકા પંચાયતમાં ભાજપમાંથી વિજેતા પણ બન્યા હતા. ઉપરાંત, તેમને જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, બે વર્ષ પહેલાં તેઓ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. પરંતુ હવે ફરી ભાજપમાં આવી રહ્યા છે.
બીજી તરફ, મીડિયા અહેવાલો એવું પણ જણાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના બાકીના ચાર વિજેતા ઉમેદવારો પણ ભાજપમાં સંપર્કમાં છે. જોકે, આ અંગે હજુ અધિકારીક પુષ્ટિ થઇ શકી નથી.
AAP victorious candidate in #GujaratElections from Visavadar seat to join BJP ; all AAP winning candidates in touch with BJP: Sources#Gujarat #TV9News pic.twitter.com/LhN54zBdMj
— Tv9 Gujarati (@tv9gujarati) December 11, 2022
વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાને ટિકિટ આપી હતી. કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઇ હતી.
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર 7,063 મતોથી જીત્યા હતા. તેમને 45.18 ટકા મતો જ્યારે ભાજપ ઉમેદવારને 40.36 ટકા મતો મળ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારને માત્ર 11 ટકા મતો મળી શક્યા હતા.
આવતીકાલે મનોનિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે તે પહેલાં જ ભાજપે મોટો ખેલ પાડી દીધો છે. એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજે જોડાવા જઈ રહ્યા છે તો બીજી તરફ બાકીના ચાર MLA પણ પાર્ટીના સંપર્કમાં હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, જીતેલા ત્રણ અપક્ષ MLA પણ ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે. આ તમામ અપક્ષ ધારાસભ્યો એવા છે જેઓ ભાજપમાંથી ટિકિટ ન મળતાં અપક્ષ લડ્યા હતા અને જીત્યા હતા.
વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતેલી ભારતીય જનતા પાર્ટી જો આ ત્રણ અપક્ષ ઉમેદવારોને પણ સામેલ કરે અને આમ આદમી પાર્ટીના પણ પાંચેય ઉમેદવારો પાર્ટીમાં જોડાઈ જાય, તો તેમના ધારાસભ્યોનો કુલ આંકડો 164 પર પહોંચશે.