કર્ણાટકમાં સુપરહિટ ફિલ્મ કાંતારા જોવા ગયેલા એક મુસ્લિમ યુગલને તેમના જ સમુદાયના કેટલાક લોકોએ ફિલ્મ જોતા અટકાવ્યું હતું. જ્યારે યુવકે વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ પણ કરવામાં આવી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કાંતારા જોવા ગયેલા મુસ્લિમ યુગલને માર મારવાની આ ઘટના કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના સુલિયા શહેરની છે. પીડિત યુવક મોહમ્મદ ઇમ્તિયાઝ બુધવારે (7 ડિસેમ્બર 2022) પુત્તુરના સંતોષ સિનેમા હોલમાં રિષભ શેટ્ટીની સુપરહિટ ફિલ્મ કાંતારા જોવા ગયો હતો. તેની સાથે એક યુવતી પણ હતી. આ દરમિયાન મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ તેને ફિલ્મ જોતા રોક્યો અને પછી મારપીટ પણ કરી હતી.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં કટ્ટરપંથીઓનું એક ટોળું ઈમ્તિયાઝ સાથે દલીલ કરતું જોવા મળે છે. તો બીજી તરફ તેની સાથે આવેલી યુવતી સાથે પણ કેટલાક લોકો ઝઘડો કરતા જોવા મળ્યા હતા. આ મામલો વધુ ઉગ્ર બનતા સંતોષ સિનેમા હોલના માલિકે પોલીસમાં ફરિયાદ કરી હતી. તદુપરાંત, વીડિયો વાયરલ થયા પછી પોલીસે પણ ઘટનાનું સંજ્ઞાન લઈને કપલને ફરિયાદ દાખલ કરવા માટે સમજાવ્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પીડિત યુવક અને યુવતી વિદ્યાર્થીઓ છે અને કેરળની કોલેજ KVG સંસ્થામાં અભ્યાસ કરે છે. બંને સંતોષ થિયેટરમાં એક સાથે ફિલ્મ જોવા આવ્યાં હતાં. યુવતીને હિજાબમાં જોઈને નજીકના દુકાનદારે મુસ્લિમ યુવકને રોક્યો હતો. ત્યારબાદ અન્ય બીજા અનેક લોકો આવ્યા અને બંનેને ફિલ્મ જોવા બદલ ધમકાવવા લાગ્યા હતા.
પોલીસને આપેલી ફરિયાદ મુજબ કટ્ટરપંથી હુમલાખોરોએ કહ્યું કે, તેઓ (યુગલ) ફિલ્મ જોઈને હિંદુ સંસ્કૃતિનું સમર્થન કરી રહ્યા છે. આ વિવાદ બાદ બંને જણા ફિલ્મ જોયા વગર જ થિયેટરમાંથી પરત ફર્યા હતા.
સુલિયા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટરે આ મામલે જણાવ્યું હતું કે, “અમને આ ઘટના અંગે સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ હતી. આ કપલે ફરિયાદ નથી નોંધાવી, પરંતુ અમે તેમને શોધી કાઢ્યા અને ફરિયાદ નોંધાવવા સલાહ આપી હતી. તેમની ફરિયાદના આધારે અમે FIR નોંધી છે અને હાલ અમે શંકાસ્પદ વ્યક્તિઓની શોધમાં છીએ.”
હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 341, 323 (હુમલો), 504 (ઇરાદાપૂર્વક અપમાન) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધ્યો છે.