બિહારના પૂર્વ મુખ્યમંત્રી, UPA સરકારના પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. સીબીઆઈએ (CBI) શુક્રવારે (20 મે 2022) લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સાથે સંકળાયેલા 17 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા છે. જાણવા મળ્યા અનુસાર આ દરોડાઓ દિલ્હીથી માંડીને બિહારના અલગ અલગ સ્થાનોએ પાડવામાં આવ્યા છે. આ મામલો જમીન લઈને રેલવેમાં નોકરી આપવા સાથે સંકળાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એ ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહના નેતૃત્વ વાળી યુપીએ-1ની સરકારમાં લાલુ યાદવ રેલવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હતા.
સીબીઆઈની ટીમે લાલુ યાદવ, તેમની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને દીકરી મીસા ભારતીના નિવાસ્થાનો સહીત બિહાર અને દિલ્હીના અસંખ્ય ઠેકાણાંઓ એક સાથે કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન સીબીઆઈની એક ટીમ રાબડી દેવીના સરકારી નિવાસ 10 સર્ક્યુલર રોડ પર પણ પહોંચી હતી.
Central Bureau of Investigation registers a fresh case of corruption against RJD Chief Lalu Yadav and his daughter. Raids are underway at 17 locations in Delhi and Bihar related to Lalu Yadav: Sources
— ANI (@ANI) May 20, 2022
(Visuals from Patna, Bihar) pic.twitter.com/qiil99Lpau
સીબીઆઈના સુત્રોએ ઇન્ડિયા ટુડેને કહ્યું હતું કે આ ગોટાળો એ સમયે થયો હતો જ્યારે લાલુપ્રસાદ યાદવ રેલમંત્રી હતા. તેમણે કહ્યું કે, “જ્યારે લાલુ રેલમંત્રી હતા, ત્યારે કેટલાક લોકો પાસેથી નોકરીના બદલામાં તેમની જમીન લઇ લેવામાં આવી હતી. રિપોર્ટ્સ એવા પણ છે કે રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચેલી સીબીઆઈની ટીમમાં કુલ 10 લોકો છે, જેમાં મહિલા અને પુરુષ અધિકારીઓ બંને છે. આ તમામ રાબડી દેવીના નિવાસસ્થાનની તપાસ કરી રહ્યા છે. આ દરમ્યાન અહીં કોઈને પણ પ્રવેશવા પર બંધી ફરમાવવામાં આવી છે. રાબડી દેવીના પટના નિવાસસ્થાન પર પણ પોલીસ જોવા મળી છે.
જાણકારી અનુસાર સીબીઆઈની ટીમ લાલુ યાદવ, તેમની દીકરી મીસા સિવાય તેમના અન્ય સંબંધીઓને ત્યાં પણ તપાસ કરી રહી છે. ચારા કૌભાંડમાં રાજદના સુપ્રિમોને જામીન મળ્યાના એક અઠવાડિયા બાદ જ આ મામલો સામે આવ્યો છે. નોંધનીય એ પણ છે કે એપ્રિલ 2022માં ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવને 10 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા હતા. લાલુ તરફથી ડોરંડા કોષાગારમાં સીબીઆઈની વિશેષ અદાલતના ચુકાદાને પડકારતી એક જામીન અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. વધતી ઉંમર અને 17 પ્રકારની બીમારી ઉપરાંત અડધી સજા કાપી નાખી હોવાનો હવાલો આપતા લાલુએ જામીન માંગ્યા હતા. જ્યારે સીબીઆઈએ તેનો વિરોધ કરતા કહ્યું હતું કે ડોરંડા કોષાગારથી ગેરકાનૂની ઉપાડ સાથે જોડાયેલા મામલામાં લાલુની અડધી સજા હજી સુધી પૂરી નથી થઇ આથી એમને જામીન મળવા ન જોઈએ.