ધર્માંતરણ બાદ પણ જાતિગત લાભ લેવા અંગે મદ્રાસ હાઈકોર્ટ તરફથી મહત્વનો નિર્ણય આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી રાજ્ય સરકારની સ્પષ્ટ પરવાનગી ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ધર્મ પરિવર્તન પછી તેની જાતિનો લાભ લઈ શકે નહીં. જાતિગત લાભ પર મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો તે સમયે જ બીજી તરફ, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે જાતિના નામે યોજાતી રેલીઓ અંગે નોટિસ જારી કરીને શા માટે તેના પર કાયમી પ્રતિબંધ ન લગાવવો જોઈએ તેમ પૂછ્યું છે.
અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલે ઉત્તર પ્રદેશના 4 મોટા રાજકીય પક્ષોને નોટિસ પાઠવી છે. આ પક્ષોના નામ છે- ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપા. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે જાતિના નામે યોજાતી રેલીઓ પર કાયમ માટે પ્રતિબંધ કેમ ન લગાવવો જોઈએ? આ સાથે જ નિયમ તોડનારાઓ સામે ચૂંટણી પંચે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ એ પણ પૂછવામાં આવ્યું છે.
ચીફ જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ જસપ્રીત સિંહની ખંડપીઠે પીઆઈએલની સુનાવણી દરમિયાન આ નોટિસ જારી કરી હતી. પિટિશનર એડવોકેટ મોતીલાલ યાદવે જાતિ આધારિત રેલીઓને બિન-લોકતાંત્રિક ગણાવીને પ્રતિબંધની માંગ કરી છે. 11 જુલાઇ 2013ના આદેશમાં હાઇકોર્ટે આવી રેલીઓ પર વચગાળાનો સ્ટે મુક્યો હતો. પરંતુ આટલા વર્ષો પછી પણ કોઈપણ રાજકીય પક્ષ કે ચૂંટણી પંચે તે સમયે આપવામાં આવેલી નોટિસનો જવાબ આપ્યો નથી.
ધર્માંતરણ પછી જ્ઞાતિનો લાભ નહીં
તો બીજી તરફ મદ્રાસ હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન સ્પષ્ટતા કરી છે કે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ તેની જૂની જાતિના આધારે લાભનો દાવો કરી શકે નહીં. આ આદેશ 2008માં ઈસ્લામ સ્વીકારનાર વ્યક્તિની અરજી પર આપવામાં આવ્યો હતો. ધર્મ પરિવર્તન પહેલા તેઓ ખૂબ જ પછાત જાતિના હતા, જેથી તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશને તેમને તેમની અગાઉની જાતિનો લાભ આપવાનો ઇનકાર કર્યો હતો. જેની સામે તેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
લાઈવ લો અનુસાર, તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશનના નિર્ણયને યુ અકબર અલીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ જીઆર સ્વામીનાથને તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશનના નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેમણે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પિટિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તમિલનાડુ સરકારના આદેશને પણ ટાંક્યો હતો જે મુજબ ઇસ્લામ સ્વીકારનાર વ્યક્તિને ‘અન્ય શ્રેણી’માં ગણવામાં આવશે.