દિલ્હીના ચર્ચિત શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાની હાલ પૂછપરછ ચાલી રહી છે. તેનો પોલીગ્રાફ અને ત્યારબાદ નાર્કો ટેસ્ટ પણ થઇ ચૂક્યો છે. જોકે, આવા જઘન્ય કૃત્યને અંજામ આપ્યા બાદ પણ આફતાબના ચહેરા પર કોઈ જાતનો અફસોસ દેખાઈ ન રહ્યો હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, તે બહુ શાતિર બનીને પૂછપરછમાં ભાગ લઇ રહ્યો હોવાનું પણ કહેવાયું છે. બીજી તરફ, તે જેલમાં ચેસ પણ રમતો હોવાનું જાણવા મળ્યું છે.
આજતકના એક રિપોર્ટ અનુસાર, તિહાડ જેલમાં બંધ આફતાબ ટાઈમ પાસ કરવા માટે કલાકો સુધી ચેસ રમતો રહે છે. તે પોતાની બેરેકમાં એકલો જ ચેસ રમતો હોવાનું જેલ સૂત્રોને હવાલે જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ, ગઈકાલે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસને ખાસ કંઈ જાણકારી મળી ન હતી. તેમાં પણ તેણે નવું કશું જણાવ્યું નથી. તેણે અત્યાર સુધી પોલીસને જે જણાવ્યું હતું તે જ નાર્કો ટેસ્ટમાં પણ જણાવતો રહ્યો હતો. આજે તેનો ‘પોસ્ટ નાર્કો ટેસ્ટ ઇન્ટરવ્યૂ’ કરવામાં આવશે, જે દિલ્હીની તિહાડ જેલમાં જ કરવામાં આવશે. આમાં કોઈ નવી બાબત જાણવા મળશે તેવું પોલીસનું માનવું છે.
નાર્કો ટેસ્ટને લઈને પોલીસે હજુ સુધી પુષ્ટિ કરી નથી પરંતુ મીડિયા અહેવાલો સૂત્રોને ટાંકીને જણાવી રહ્યા છે કે આ દરમિયાન આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી હતી. લગભગ બે કલાક ચાલેલા નાર્કો ટેસ્ટમાં આફતાબને 50થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં શ્રદ્ધાની હત્યા અને ત્યારબાદ મૃતદેહના ટુકડા વગેરે બાબતને લઈને સવાલો કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, આફતાબે નાર્કો ટેસ્ટમાં હત્યાની વાત કબૂલી લીધી હતી. જ્યારે તેને શ્રદ્ધાના ફોન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે ફોન તેણે ક્યાંક ફેંકી દીધો હતો. તેને પૂછવામાં આવ્યું કે કોઈ બીજું પણ આ હત્યાકાંડમાં સામેલ છે કે કેમ, તો તેણે તે એકલો જ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત, તેણે નાર્કો ટેસ્ટમાં ટુકડાઓને જંગલમાં ફેંકવાની વાત પણ કબૂલી લીધી હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આફતાબ અમીન પૂનાવાલાએ તેની હિંદુ લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વલકરની ગત મેમાં હત્યા કરી નાંખી હતી અને મૃતદેહના 35 ટુકડા કરીને જંગલમાં ફેંકી આવ્યો હતો. આખરે છ મહિના બાદ ગત નવેમ્બરમાં પોલીસ આફતાબ સુધી પહોંચી શકી હતી. હાલ તે જેલમાં છે અને પૂછપરછ ચાલી રહી છે.