ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની કુલ 89 બેઠકો ઉપર મતદાન યોજવામાં આવ્યું હતું. પહેલા તબક્કામાં સરેરાશ 60.20 ટકા મતદાન થયું હોવાનું કહેવાય છે. જેમાંથી વધુ મતદાન દક્ષિણ ગુજરાતમાં થયું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સવારે 8 વાગ્યે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થયા બાદ અંદાજિત 60 ટકા મતદાન થયું હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 58.33 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 66.34 ટકા જેટલું મતદાન થયું હતું.
આખા રાજ્યમાં સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં થયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં નોંધાયું છે. તાપીમાં આશરે 72.32% જ્યારે અમરેલીમાં આશરે 52.73 ટકા મતદાન નોંધવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ 61.96 ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2012 અને 2017 કરતાં આ વર્ષે પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયું છે. 2012માં આ 19 જિલ્લાઓમાં 72.02% મતદાન થયું હતું, જ્યારે 2017માં 69.01% મતદાન નોંધાયું હતું.
જોકે, આજે અમુક ગામો એવાં પણ હતાં જ્યાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અમુક જગ્યાએ એક પણ મત ન પડ્યા હોય તેવી પણ ઘટના બની હતી.
આજે 89 બેઠકો પર કુલ 788 જેટલા ઉમેદવારોનું ભાવિ નક્કી થયું હતું. જ્યારે કુલ મતદાન મથકોની સંખ્યા 14,382 જેટલી હતી.
પહેલા તબક્કામાં અનેક હાઈપ્રોફાઈલ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હતી. જેમાં અમુક મંત્રીઓની બેઠકોનો પણ સમાવેશ થાય છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની બેઠકો સહિત અનેક મંત્રીઓની બેઠક પર આજે મતદાન યોજાયું હતું. આ સિવાય ચર્ચિત ચહેરાઓમાં રિવાબા જાડેજા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, લલિત વસોયા વગેરે નેતાઓનો સમાવેશ થાય છે.
હવે, આગામી તબક્કાનું મતદાન આગામી પાંચમી ડિસેમ્બર (સોમવાર)ના રોજ યોજવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બાકીની 93 બેઠકો ઉપર મતદાન થશે. તમામ બેઠકોનાં પરિણામો એકસાથે આગામી 8મી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.