ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાં આપ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. મતદાન પહેલાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની મુશ્કેલી વધી ગઈ છે. અંકલેશ્વરના AAP ઉમેદવાર અંકુર પટેલ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ખોટા ચેક બનાવવીને છેતરપીંડી કરવાનાં આરોપમાં અંકલેશ્વર કોર્ટે તેમને આ સજા ફટકારી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
અહેવાલો અનુસાર 2 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અંકલેશ્વર કોર્ટના એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટે અંકલેશ્વરના AAP ઉમેદવાર અંકુર પટેલ જેલના સળિયા પાછળ ધકેલીને 6 માસની સાદી કેદની સજા ફટકારી છે. અંકુર પટેલને 30 દિવસમાં ફરિયાદીને રકમ ચૂકવી ન આપે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કરાતાની સાથે જ આમ આદમી પાર્ટીના આ ઉમેદવારની મુશ્કેલીઓ વધી શકે તેવા અણસાર છે. ભરૂચની પાંચ વિધાનસભા બેઠક માટે મતદાન શરૂ થાય તેપ હેલાં આજે બુધવારે અંકલેશ્વર આપના ઉમેદવારને કોર્ટે 6 મહિનાની જેલની સજાનો હુકમ કર્યો હતો.
શું છે આખો મામલો?
અંકલેશ્વર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંકુર પટેલનો કોસમડી ગામે માતંગી કોર્પોરેશન નામનો પેટ્રોલ પંપ આવેલો છે. જ્યાં તેમની મુલાકાત વર્ષ 2020માં ગામના જ મોહમદ સલીમ ઇસ્માઇલ વડીઆ સાથે થઈ હતી. જેઓ ગાડીઓ લે વેચનો ધંધો કરતો હોવાથી તે પણ પેટ્રોલ પુરાવા આવતા હતા. જે બાદ અંકુર પટેલ તેમની પાસે જરૂર હોય ત્યારે નાણાકીય લેવડ કરતા હતા.
ગત 31 માર્ચ 2020 ના રોજ અંકુર પટેલે જરૂર હોવાથી 2 લાખ માંગતા સલીમ વાડિઆએ ચેક આપ્યો હતો. સમય જતાં નાણાં પરત માંગતા આપના ઉમેદવારે સામે ચેક આપ્યો હતો. જે ચેક 8 જાન્યુઆરી 2021ના રોજ બેંકમાં નાખતા ઈંશફિશયન્ટ ફંડના શેરા સાથે પરત ફર્યો હતો. ફરિયાદીએ પોતાના નાણાંની માંગણી કરતા નહિ આપતા અંતે 26 ફેબ્રુઆરીના રોજ સલીમે તેમના વકીલ મારફતે નોટિસ બજાવી હતી. જેનો પણ કોઈ ઉત્તર નહિ મળતા આખરે કોર્ટમાં 25 માર્ચ 2021ના રોજ ફરિયાદ નોંધવાઈ હતી.
ફરિયાદના આધારે કોર્ટે સુનાવણી હાથ ધરી આજે સજા ફટકારી હતી. અંકલેશ્વર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ અંકુર પટેલને ટિકિટ આપી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે વિજય પટેલને ઉતાર્યા છે. આ બેઠક પર આજે મતદાન યોજાયું હતું.