આતંકવાદી યાસીન મલિક ટેરર ફંડિંગ માં દોષિત સાબિત થયો છે. જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી હિંદુઓના નરસંહારના આરોપીઓમાંથી એક આતંકવાદી યાસીન મલિકને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં દોષિત જાહેર કર્યો છે. હવે તેને કેટલી સજા થવી જોઈએ તેના પર કોર્ટ 25 મેથી સુનાવણી કરશે. કોર્ટે તપાસ એજન્સીને મલિકના નાણાકીય લેવડ-દેવડનો રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે.
ગુરુવારે (19 મે 2022) કેસની સુનાવણી દરમિયાન, દિલ્હીની એક અદાલતે યાસીન મલિકને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતા હેઠળ ષડયંત્ર અને રાજદ્રોહ માટે દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે મલિકને આગામી સુનાવણીની તારીખ સુધીમાં કોર્ટ સમક્ષ તેની નાણાકીય સંપત્તિના સંદર્ભમાં સોગંદનામું રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
આપને જણાવી દઈએ કે ટેરર ફંડિંગના મામલામાં આતંકવાદી યાસીન મલિકવિરુદ્ધ કોર્ટે માર્ચમાં આરોપો નોંધ્યા હતા. તે સમય દરમિયાન જાણવા મળ્યું હતું કે મલિક, શબ્બીર શાહ, રશીદ એન્જિનિયર, અલ્તાફ ફંટુશ, મસરત અને હુર્રિયત/જોઈન્ટ રેઝિસ્ટન્સ લીડરશીપ (JRL) સીધા ટેરર ફંડ મેળવતા હતા. આ સિવાય મલિકે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી અને અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓ કરવા માટે ભંડોળ એકત્ર કરવા માટે વિશ્વવ્યાપી મિકેનિઝમ તૈયાર કર્યું હતું.
યાસીનનું આતંકવાદનું કબૂલનામું
નોંધનીય છે કે આ જ મહિનામાં 2022માં યાસીન મલિકે કોર્ટમાં આતંકવાદના આરોપો કબૂલ કર્યા હતા. તેણે પટિયાલા હાઉસ કોર્ટની NIA કોર્ટમાં પોતાના આરોપો સ્વીકારી, કાયદા મુજબ કોર્ટ પાસે સજાની માંગ કરી હતી.
કોણ છે યાસીન મલિક
યાસીન મલિક એ એવો આતંકવાદી છે જે કાશ્મીર ઘાટીમાં હિન્દુઓના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો. જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ હોવા ઉપરાંત તે પાકિસ્તાનનો કટ્ટર સમર્થક પણ છે, તેના પર કાશ્મીરમાં આતંકવાદને સમર્થન આપવાનો આરોપ છે. આ ઉપરાંત આતંકવાદી યાસીન મલિક પર જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તત્કાલીન કેન્દ્રીય ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબૈયા સઈદનું અપહરણ કરવાનો પણ આરોપ છે.
એટલું જ નહીં યાસીન મલિક પર 1990માં એરફોર્સના ચાર અધિકારીઓની નિર્દયતાથી હત્યા કરવાનો પણ આરોપ છે. જાન્યુઆરી 1990માં એરફોર્સના 4 અધિકારીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ યાસીન મલિક પર છે. યાસીન મલિકે JKLF આતંકવાદીઓ સાથે મળીને સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાની હત્યા કરી હતી, જે ભારતીય વાયુસેનાના ચાર કર્મચારીઓમાંથી એક છે. યાસીન મલિક ખીણમાં કાશ્મીરી પંડિતોના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો અને આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે તે જાણીને, અગાઉની સરકારો અને મીડિયાએ હંમેશા તેને કાશ્મીરીઓના તારણહાર તરીકે રજૂ કર્યો છે. લોકોએ ટ્વિટર પર ભૂતકાળની સરકારો અને ત્યારના નેતાઓ સાથે આતંકવાદી યાસીન મલિકના સંબંધો વિષે પણ ચર્ચા છેડી છે.