ગુજરાત ATS અને યુપી પોલીસે શનિવારે (26 નવેમ્બર 2022) પીએમ મોદીને ધમકી આપતો ઈ-મેઈલ કરવા બદલ એક ઈસમની ધરપકડ કરી લીધી હતી. 25 વર્ષીય આરોપી ઉત્તર પ્રદેશના બદાયુંથી પકડાયો હતો. તેણે સોમવારની જામનગરની રેલીમાં પીએમ મોદીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો ઈ-મેઈલ મોકલ્યો હતો.
આરોપીની ઓળખ અમન સક્સેના તરીકે થઇ છે. જે ઉત્તર પ્રદેશના બદાયુંમાં રહે છે. તેણે આઈઆઈટી મુંબઈથી બી.ટેકની ડિગ્રી મેળવી હતી. પોલીસની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તે એક યુવતીને પ્રેમ કરતો હતો અને તેના પ્રેમીને ફસાવવા માટે આ કાવતરું રચ્યું હતું.
પીએમ મોદીને ધમકી આપતો ઈ-મેઈલ મળ્યા બાદ ગૃહમંત્રાલયે મામલાની તપાસ ગુજરાત એટીએસને સોંપી હતી. ત્યારબાદ એટીએસે ઈ-મેઈલ મોકલનારને ટ્રેસ કરતાં તે યુપીના બદાયુંના આદર્શનગર ખાતેથી મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બે ATS અધિકારીઓ બદાયું પહોંચ્યા હતા અને યુપી પોલીસ સાથે મળીને આરોપીની ધરપકડ કરી લીધી હતી અને સ્થાનિક પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
અમન સક્સેના થોડા દિવસ પહેલાં જ ઘરે આવ્યો હતો. બીજી તરફ, ગુજરાત એટીએસ પાસે તેનો નંબર તો હતો, પરંતુ તેનું લોકેશન ટ્રેસ નહતું થઇ રહ્યું. પરંતુ ઘરે આવીને તેણે પિતાના મોબાઈલમાં સિમ કાર્ડ નાંખતાં જ લોકેશન મળી ગયું હતું. ત્યારબાદ ટીમે તેના ઘરે પહોંચી જઈને પકડી પાડ્યો હતો.
એટીએસ અનુસાર, પૂછપરછમાં સક્સેનાએ ખુલાસો કર્યો હતો કે તે જે યુવતીને પ્રેમ કરતો હતો તેની નજીકના એક વ્યક્તિને ફસાવવા માટે તેણે તેના નામે આ ઈ-મેઈલ મોકલ્યો હતો. તે તેને ખોટા કેસમાં ફસાવવા માંગતો હતો.
બીજી તરફ, આરોપીના પિતાનું કહેવું છે કે તેમનો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ છે અને એવો પણ દાવો કર્યો હતો કે તેની સાથે ઈ-મેઈલ મોકલવામાં એક યુવતી પણ સામેલ છે. તેમણે એમ પણ કહ્યું કે, તે અમનની મિત્ર છે અને અમનનો મોબાઈલ પણ તેની પાસે જ છે.
જોકે, પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઈ-મેઈલ અમને જ મોકલ્યો હતો, પરંતુ અમે તમામ એન્ગલ ધ્યાનમાં રાખીને તપાસ કરીશું. જો આ મામલે કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી ધ્યાને આવશે તો તેમની પણ પૂછપરછ કરવામાં આવશે તેમ પણ પોલીસે ઉમેર્યું હતું.
હાલ, પોલીસે આરોપી સામે ધમકી આપવા બદલ આઈપીસી અને આઇટી એક્ટની કલમ હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.