મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક હિંદુ મહિલાએ સોહેલ ખાન નામના ઈસમ સામે નિકાહ અને ધર્માંતરણ કરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. સોહેલ મહિલાને ઇસ્લામ અપનાવવા માટે અવારનવાર દબાણ કરતો હતો. ત્યારબાદ મહિલા પોલીસના શરણે પહોંચતાં, પોલીસે FIR દાખલ કરીને આરોપીને ઝડપી લીધો હતો.
ફરિયાદમાં છત્તીસગઢની રહેવાસી સુનિતા જાદવે સોહેલ પર ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરવાનો અને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. આ તેનાં બીજાં લગ્ન છે. પહેલાં લગ્નથી તેને એક 10 વર્ષીય પુત્રી અને 8 વર્ષીય પુત્ર છે.
FIR અનુસાર, સુનિતા નાની હતી ત્યારે જ તેનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં અને તેનો ઉછેર તેના સગાએ કર્યો હતો. જોકે, તે માત્ર 12 વર્ષની હતી ત્યારે જ તેનાં લગ્ન કરી દેવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ તેણે એક પુત્રી અને પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, તેનો પતિ શારીરિક ત્રાસ આપતો હોવાના કારણે તેણે તેને 9 વર્ષ પહેલાં છોડી દીધો હતો અને ગ્વાલિયર આવી ગઈ હતી. જ્યાં તે એક ભાડાના મકાનમાં રહીને ફેક્ટરીમાં નોકરી કરતી હતી.
જણાવવામાં આવ્યા અનુસાર, ગ્વાલિયર આવ્યા બાદ ફેક્ટરીમાં તેની મુલાકાત સોહેલ ખાન સાથે થઇ હતી. તે તેના ઘરે પણ આવતો રહેતો હતો. ત્યારબાદ બંને વચ્ચે સબંધો વધુ ગાઢ થયા અને બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા મંડ્યા હતાં.
પીડિતાએ કહ્યું કે, 4-5 વર્ષ રહ્યા બાદ સોહેલ બદલાઈ ગયો અને તેને ત્રાસ આપવા માંડ્યો હતો અને તેનું યૌન શોષણ પણ કરતો હતો. તેમજ તે મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. એટલું જ નહીં, તે હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરતી ત્યારે તેની સાથે મારપીટ પણ કરતો હતો.
2020માં લોકડાઉન દરમિયાન સોહેલે બળજબરીથી સુનિતાનું ઇસ્લામમાં ધર્માંતરણ કરાવી દીધું હતું અને નિકાહ કરી લીધા હતા. આરોપ અનુસાર, સોહેલે સુનિતાને ધમકી આપતાં કહ્યું હતું કે તે ધર્માંતરણ અને નિકાહ નહીં કરે તો સોહેલ તેના પુત્રને મારી નાંખશે. નિકાહ બાદ સોહેલે તેને હિંદુ પરંપરાનું પાલન કરતાં પણ રોકી હતી અને તેનું નામ પણ સુલતાના બાનો કરી નાંખ્યું હતું.
પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આઇપીસીની કલમ 376(2)(N), 506 તથા મધ્ય પ્રદેશ ધર્મ સ્વાતંત્ર્ય 20અધિનિયમ 21ની યોગ્ય કલમો હેઠળ કેસ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.