સુરત શહેરના ખંડેરાવપુરા વિસ્તારમાં મંગળવારે રાત્રે હિંદુ યુવકો અને મુસ્લિમ ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોળાએ પથ્થરમારો કરી કાચની બોટલો ફેંકતા કેટલાક યુવકોને ઇજા પહોંચી હતી. જે બાદ પોલીસ કમિશનર સહિતનો કાફલો સ્થળ પર પહોંચી જતા ટોળું વિખેરાયું હતું અને મામલો શાંત પડ્યો હતો. આ મામલે સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે બાદ પોલીસે FIR નોંધી આગળની તપાસ કાર્યવાહી ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મંગળવારે (17 મે 2022) રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાના અરસામાં સુરત ખાતેના રૂદરપુરા લાપસીવાળાની ચાલ નજીક આવેલ ખાન બેકરી નજીક ફરિયાદી યુવક નિકિલ અને તેના મિત્રો ઉભા રહી તેમના અન્ય મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. ફરિયાદમાં યુવકે જણાવ્યું કે, આ દરમ્યાન ત્યાંથી કારમાં પસાર થતી મહિલા જિયાએ ‘મને જોઈને કેમ હસે છે’ તેમ કહીને ગાળો ભાંડી હતી અને ત્યારબાદ કારમાં સવાર અકરમ નામનો યુવક નીચે ઉતરી આવતા બોલાચાલી ઉગ્ર બની હતી. જે બાદ હિંદુ યુવકો અને મુસ્લિમ ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું.
બોલાચાલી બાદ નજીકમાંથી ત્રીસેક જેટલાં સ્ત્રી-પુરુષોનું ટોળું ધસી આવ્યું હતું અને હિંદુ યુવકને માર મારી પથ્થરમારો કર્યો હતો અને કાચની બાટલીઓ ફેંકવામાં આવી હતી. જેના કારણે યુવકના જમણા હાથના પંજા પર અને જમણા પગની એડી ઉપર મૂઢ ઇજા થઇ હતી. મામલે યુવક નિકિલ કહારે અઠવાલાઇન્સ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી છે.
ફરિયાદમાં યુવકે જણાવ્યું છે કે, તેના ઘણા મિત્રો રૂદરપુરા લાપસીવાળાની ચાલ ખાતે રહે છે અને જ્યાં તે રજાના દિવસોમાં તેમજ વાર-તહેવારે મિત્રોને મળવા પણ જાય છે. દરમિયાન, ગઈકાલે તેનો જન્મદિવસ હોઈ તે તેના મિત્રોને મળવા ગયો હતો અને તેમણે રાત્રે કેક પણ કાપી હતી. જે બાદ સોડા પીવા જવા માટે મહોલ્લાની બહાર ખાન બેકરી પાસે ઉભા રહીને તેમના મિત્રોની રાહ જોઈ રહ્યા હતા.
દરમ્યાન, રાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ એક કાર લઈને આવતી જીયા નામની મહિલાએ કાર નજીક ઉભી રાખીને યુવકોને ગાળો ભાંડી ‘મને જોઈને કેમ હસે છે’ તેમ કહીને બોલાચાલી કરી હતી. જે બાદ કારમાં પાછળ બેઠેલો શખ્સ અકરમ ‘તુમ લોગો કો આજ દિખાના પડેગા’ કહીને ગાળાગાળી કરવા માંડ્યો હતો. આ દરમિયાન નજીકમાં ત્રીસેક લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને તેઓ પણ ગાળાગાળી કરવા માંડ્યા હતા.
ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, ઘણા માણસો ભેગા થઇ ગયા બાદ ટોળામાંના કેટલાક લોકો તેને નજીકમાં લઇ જઈને માર મારવા માંડ્યા હતા. દરમ્યાન, યુવકના મિત્રો છોડાવવા આવતા અકરમે તેને તમાચો મારી દીધો હતો અને તેની સાથેના ઈસમો પણ ઢીકામૂકીનો માર મારવા લાગ્યા હતા. જે બાદ ફરિયાદી યુવકે પણ બચાવ માટે માર મારતા ટોળામાંથી પથ્થરો અને કાચની બાટલી ફેંકાયા હતા. જેથી યુવકને મૂઢ ઇજા થઇ હતી. જોકે, તે બાદ પોલીસ પહોંચી જતા ટોળું વિખેરાઈ ગયું હતું.
આ મામલે જીયા, અકરમ, આદિલ, અનસ, ફૈઝલ, રશીદ, ટારઝન, ફયાઝ અને કેઝર સહિતના વીસ-પચ્ચીસ લોકોના ટોળા સામે રાયોટીંગના ગુના હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો બીજી તરફ જીયાએ પણ નીકીલ અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને તેમની વિરુદ્ધ ગાળાગાળી કરવાનો અને અકરમને માર મારવાનો આરોપ લગાવ્યો હતો. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ જે રીતે કાચની બોટલોનો ઢગલો કરવામાં આવ્યો હતો તેને જોતા પહેલેથી જ આયોજન હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.