હત્યા, લૂંટ, ચોરી સહિતના જુદા-જુદા 7 ગુનામાં સામેલ નામી ચોર ગુનેગાર અને હિસ્ટ્રીશીટર ગફુર બાવળા જુનેજા આખરે એલસીબીના હાથે પકડાયો છે. જામનગર એલસીબીએ તેની ધરપકડ કરી હતી.
ગફુર જુનેજા વિરુદ્ધ વર્ષ 2014 થી લઇ 2019 દરમિયાનના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ભચાઉ, ગાંધીધામ એ અને બી ડિવિઝન તેમજ વાયોર પોલીસ મથકે કુલ સાત ગુના નોંધાયા હતા. આ ગુનાઓ મારામારી, હુમલો, લૂંટફાટ, ઘરફોડ ચોરી તેમજ હથિયારની અણીએ લૂંટ આચરવી વગેરેનો સમાવેશ થાય છે.
એલસીબીની ટીમે ગફુરની ધરપકડ કરીને તેની પાસેથી એક મોબાઈલ ફોન કબજે કરી લીધો હતો. ઉપરાંત પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તાજેતરમાં ગાંધીધામ નજીક એક મોટરસાઇકલ સવારને લૂંટી લેવાના કેસમાં પણ ગફુર અને તેના સાગરીતો જ સામેલ હતા.
ગત 19 ફેબ્રુઆરીની રાત્રે ગાંધીધામના પડાણા નજીક હાઈ-વે ઉપરથી મોટરસાઇકલ પર પસાર થતા એક ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારી કુલદીપસિંહ જાડેજા ઉપર ધારિયા વડે હુમલો કરીને તેમની પાસેથી મોબાઈલ ફોન અને 17 હજારની રોકડ રકમ લૂંટી લેવામાં આવી હતી. આ ગુનામાં પણ ગફુર જુનેજા અને તેના બે સાગરીતો સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
આ ઉપરાંત, જામનગરના બાલંભા ગમે ગત વર્ષે રેતીના લીઝધારક પર થયેલ હુમલામાં પણ ગફુર મદદગારીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત વર્ષે પહેલી મેના રોજ જામનગરના જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતીના લીઝધારક કાંતિલાલ માલવિયાની ઑફિસમાં ચાર શખ્સો ઘૂસી ગયા હતા અને તેમણે કાંતિલાલ પર બંદૂક, ધારિયા અને તલવારો વડે હુમલો કરીને તેમની હત્યા કરી નાંખી હતી.
કુખ્યાત શખ્સો અયુબ જુસબ જસરાયા અને અસગ઼ર હુસૈન કામોરા સહિતનઓએ કાંતિલાલને રેતીની લીઝ ચલાવવી હોય તો હપ્તા આપવા પડશે તેમ કહીને તેમની ઉપર હુમલો કર્યો હતો. આ ગુનામાં ગફુર જુનેજા પણ સામેલ હોવાનું ખુલ્યું હતું. જે મામલે તે પોલીસના હાથે પકડાયો તે બાદ તેને જામનગર જેલમાં બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઇ ગયો હતો.
હિસ્ટ્રીશીટર ગફુરને પકડી પાડવા માટેનું સમગ્ર ઓપરેશન પીઆઈ એમએન રાણા અને પીએસઆઈ કેએન સોલંકી તેમજ તેમના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.