હાલ પ્રધામંત્રી મોદી પોતાના ચૂંટણી પ્રવાસે ગુજરાત આવેલા છે. તેમણે રવિવારે એક પછી એક રેલીઓ અને સભાઓ સંબોધીને ગુજરાતમાં પોતાના પ્રચારનું રણશિંગુ ફૂંક્યું હતું. જે બાદ તેઓ સાંજે ગાંધીનગરના કોબા સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદી બોટાદમાં પોતાની રવિવારના દિવસની છેલ્લી જનસભા સંબોધીને હેલિકૉપ્ટરથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી વડાપ્રધાન મોદી કારમાં ગાંધીનગર સ્થિત રાજભવનમાં જવાના હતા, જો કે અચાનક તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતુ.
After a long day of campaigning, being among fellow Karyakartas at Kamalam is very energising! pic.twitter.com/Yqf4ikaLIn
— Narendra Modi (@narendramodi) November 20, 2022
કમલમ ખાતે પહોંચીને તેમણે કોઈ નેતાઓ સાથે બંધબારણે બેઠકો લેવાને બદલે ખુલ્લામાં જ બાંકડા પર બેસીને દરેક નાના મોટા કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ નેતા અનિલ પટેલે જણાવ્યું કે, “PM મોદી સીધા કમલમ ખાતે આવ્યા હતા અને કાર્યાલયની અંદરની ખાલી જગ્યામાં મુકવામાં આવેલ બાંકડા પર બેઠા હતા. ત્યાર બાદ કમલમમાં હાજર તમામ કાર્યકર્તાઓને એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ સાથે વાત કરી હતી.”
PM મોદી જયારે ગુજરાતના CM હતા અને ત્યારે તેમની સાથે જે લોકો કાર્યાલયમાં કામ કરતા હતા તેમાંથી ઘણા હજુ પણ ત્યાં હતા. મોદીએ તેમના ખબર અંતર પૂછ્યા અને તેમના પરિવારની ચિંતા પણ કરી. આ સિવાય તેમણે જયારે પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં હતું તે વખતના સંસ્મરણો પણ વાગોળ્યા અને તે કાર્યાલયના સાથીઓને પણ યાદ કર્યા હતા.
અનિલ પટેલે મીડિયાને આગળ જણાવ્યું કે, “કાર્યકરોએ ચૂંટણી કાર્યમાં થાક ન લાગતો હોવાનું જણાવ્યું હતું. સાહિત્ય અંગે પણ વાત કરી હતી. જુના કાર્યકરોને નામ સાથે બોલાવી તેમની વર્તમાન સ્થિતિ અંગે પૂછ્યું હતું. કાર્યાલયના સ્ટાફને ભેગો કરી વડાપ્રધાને વાત કરી હતી. કાર્યકર્તાઓના કામને લઈને અને ભોજનને લઈને પૃચ્છા કરી હતી.”
લગભગ 40 મિનિટ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર રોકાયા બાદ PM મોદી પોતાનું રાત્રી રોકાણ જ્યાં હતું તે રાજભવન તરફ જવા નીકળ્યા હતા.