Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘નર્મદાવિરોધીઓના ખભે હાથ મૂકીને યાત્રા કરનારાઓ મત માંગવા આવે ત્યારે પૂછજો’: પીએમ...

    ‘નર્મદાવિરોધીઓના ખભે હાથ મૂકીને યાત્રા કરનારાઓ મત માંગવા આવે ત્યારે પૂછજો’: પીએમ મોદીએ રાહુલ ગાંધી અને મેધા પાટકર પર સાધ્યું નિશાન

    કોંગ્રેસીઓ મત માંગવા આવે ત્યારે તેમને પૂછજો કે જે નર્મદાવિરોધીઓના ખભે હાથ મૂકીને તમે દોડો છો એ નર્મદા ન હોત તો અમારા કચ્છ-કાઠિયાવાડનું શું થયું હોત? : પીએમ મોદી

    - Advertisement -

    બે દિવસ પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં ગુજરાતમાં ‘નર્મદા બચાવો આંદોલન’થી કુખ્યાત બનેલાં મેધા પાટકર જોવા મળ્યાં હતાં. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા. હવે સ્વયં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસવાળા મત માંગવા આવે ત્યારે પૂછજો કે નર્મદાવિરોધીઓના ખભે હાથ મૂકીને કેમ યાત્રા કરો છો? 

    પીએમ મોદી ધોરાજીમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું કે, “નર્મદાને માટે થઈને કેટલા ડખા થયા. પંડિર નહેરુએ સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કર્યો હતો અને આ નરેન્દ્ર મોદીએ આવીને ઉદ્ઘાટન કર્યું. તમે વિચાર કરો કેટલા રૂપિયા અને કેટલો સમય બરબાદ થયો.” 

    અનેક લોકો નર્મદા યોજનાને આડે આવ્યા હોવાનું ઉમેરીને પીએમ મોદીએ કહ્યું કે, “તમે જોયું હશે કે ગઈકાલે છાપામાં એક કોંગ્રેસ પાર્ટીના એક ફોટો છપાયો હતો. અમારા કચ્છ-કાઠિયાવાડના લોકોના એકમાત્ર સ્ત્રોત નર્મદાનું પાણી 3-3 દાયકા સુધી રોકી રાખ્યું, કોર્ટ-કચેરીઓમાં ઢસડી ગયા, મુસીબતો કરી, પાણી ન પહોંચે તે માટે આંદોલનો કર્યા, ગુજરાતને બદનામ કર્યું, દુનિયાભરમાંથી કોઈ પૈસા ન આપે, વર્લ્ડ બેન્ક પૈસા ન આપે- આવું બધું કર્યું; એ બેન જે આંદોલનો કરતાં હતાં તેમના ખભે હાથ મૂકીને ગઈકાલે કોંગ્રેસના એક નેતા પદયાત્રા કરી રહ્યા હતા.” 

    - Advertisement -

    પીએમ મોદીએ હાજર લોકોને સંબોધીને કહ્યું કે, “કોંગ્રેસીઓ મત માંગવા આવે ત્યારે તેમને પૂછજો કે જે નર્મદાવિરોધીઓના ખભે હાથ મૂકીને તમે દોડો છો એ નર્મદા ન હોત તો અમારા કચ્છ-કાઠિયાવાડનું શું થયું હોત? તેમના ખભે હાથ મૂકનારા લોકો તમે કયા મોઢે મત માંગવા આવ્યા છો? આ સવાલ પૂછજો. તેમણે એમ પણ કહ્યું કે, આવા લોકો આવનાર દિવસોમાં ગુજરાતને કેટલું બદનામ કરશે તેનું આ ઉદાહરણ છે.” 

    ત્યારે મારી મજાક ઉડાવાઈ હતી, પણ આજે આપણે કરી બતાવ્યું છે: વડાપ્રધાન 

    આગળ વડાપ્રધાને જણાવ્યું હતું કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે 20 માળ જેટલે ઊંચે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ યોજના હેઠળ આપણે 17 લાખ હેક્ટર જમીનમાં પાણી પહોંચાડી શક્યા છીએ અને એટલે આજે ખેડૂતો ત્રણ-ત્રણ પાક લેતા થયા છે. તેમણે કહ્યું કે, સુજલામ સુફલામ યોજના દ્વારા પોણા બે લાખ હેક્ટર જમીનમાં જે પાણી દરિયામાં વહી જતું હતું તેને ખેતરમાં પહોંચાડવામાં આવ્યું. 

    પીએમ મોદીની આવી જ એક મહત્વકાંક્ષી યોજના ‘સૌની યોજના’ને લઈને તેમણે કહ્યું કે, જ્યારે રાજકોટમાં આવીને તેમણે પત્રકાર પરિષદ યોજીને પ્રેઝન્ટેશન આપીને કચ્છ-કાઠિયાવાડમાં પાણી પહોંચાડવાની વાત કરી હતી ત્યારે લોકોએ તેમની મજાક ઉડાવી હતી. પીએમ મોદીએ કહ્યું, “ત્યારે મારી મજાક ઉડાવાઈ હતી પણ આજે એક મારૂતિ કાર લઈને જઈ શકાય એટલા મોટા પાઇપ નાંખીને આખા કચ્છ-કાઠિયાવાડમાં પાણી પહોંચાડીને આપણે કરી બતાવ્યું છે.” 

    અહીં એ ઉલ્લેખ પણ જરૂરી છે કે બે દિવસ પહેલાં મેધા પાટકર રાહુલ ગાંધી સાથે તેમની ‘ભારત જોડો યાત્રા’માં જોવા મળ્યાં હતાં. ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલ પરથી આ તસ્વીર ટ્વિટ કરીને લખવામાં આવ્યું હતું કે, ‘જ્યારે તમે સમાજ માટે કંઈ કરો છો તો સમાજ કલ્યાણ સાથે જોડાયેલા લોકો આપોઆપ તમારી સાથે જોડાઈ જાય છે. ‘ભારત જોડો યાત્રા’માં સામાજિક કાર્યકર મેધા પાટકર પણ સહભાગી થયાં.’ આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી તો કોંગ્રેસને સવાલ કરી જ રહી હતી પરંતુ હવે પીએમ મોદીએ પણ જાહેરમંચ પરથી આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં