વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવે જાહેરમાં ગોળી મારવાની વાત કરવાનો વિડીયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે અને આચારસંહિતા ભંગ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
મધુ શ્રીવાસ્તવનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ સમર્થકોને સંબોધન કરીને જણાવ્યું હતું કે કોઈ તમારો કોલર પણ પકડશે તો તેને તેઓ ઘરમાં ઘૂસીને ગોળી મારી દેશે. આ વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા નોંધ લઇ ચૂંટણી અધિકારીને રિપોર્ટ સોંપવા માટે જણાવવામાં આવ્યું હતું.
આ મામલે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કરેલા નિવેદન મામલે રિપોર્ટ માંગ્યો છે, જે અમે જમા કરાવીશું. ચૂંટણી પંચે આચારસંહિતાનો ભંગ થયો છે કે કેમ તે જાણવા માટે આ રિપોર્ટ મંગાવ્યો છે. જે મળ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
હાલ રાજ્યમાં ચૂંટણી જાહેર થઇ હોવાના કારણે આદર્શ આચારસંહિતા લાગુ છે. ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે અને પરિણામો 8 ડિસેમ્બરના રોજ જાહેર થશે.
મધુ શ્રીવાસ્તવે શું કહ્યું હતું?
પોતાના સમર્થકોને સંબોધતાં મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, “તમે કોઈનાથી ડરતા નહીં. આ બાહુબલી હજુ જીવે છે. તમારો કોલર પણ પકડે તો તેના ઘરે જઈને ગોળીઓ ન મારું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. જેને લડવું હોય એ મેદાનમાં આવી જાય. હિંદુસ્તાન આઝાદ છે. કોઈ ધમકી આપતું હોય કે આ કરીશ, તે કરીશ, તો તમારે ડરવાની કોઈ જરૂર નથી.
આ ઉપરાંત, તેમણે એવું પણ વચન આપ્યું હતું કે વાઘોડિયા તાલુકા અને વાઘોડિયામાં જેટલાં ગેરકાયદેસર મકાનો છે તેને તેઓ કાયદેસર કરશે. મધુ શ્રીવાસ્તવનો આ વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.