શુક્રવાર, 18 નવેમ્બરના રોજ દેશનું પ્રથમ ખાનગી રોકેટ ‘વિક્રમ-એસ’ને ત્રણ ઉપગ્રહો સાથે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે ભારતે પ્રાઈવેટ સ્પેસ સેક્ટરમાં ઈતિહાસ રચ્યો છે. ઈસરો અને હૈદરાબાદ સ્થિત કંપની સ્કાયરૂટ એરોસ્પેસના આ મિશનને ‘પ્રારંભ’ નામ આપવામાં આવ્યું છે. મિશનમાં ત્રણ પેલોડ હતા અને તે સબ-ઓર્બિટલ મિશન હતું.
પૃથ્વીની સપાટીથી 101 કિલોમીટરના અંતરે પહોંચીને ‘વિક્રમ-એસ’ સમુદ્ર (બંગાળની ખાડી)માં પડ્યું હતું. ભારતે 300 સેકન્ડના ‘મિશન પ્રારંભ’ સાથે ખાનગી અવકાશ ક્ષેત્રમાં મજબૂત એન્ટ્રી કરી છે. ઈસરોએ અગાઉ આ મિશનના પ્રક્ષેપણ માટે સ્કાયરૂટ એરોસ્પેસને 12 નવેમ્બરથી 16 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. પરંતુ ખરાબ હવામાનના કારણે 18 નવેમ્બરે સવારે 11.30 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે.
A historic moment for India as the rocket Vikram-S, developed by Skyroot Aerospace, took off from Sriharikota today! It is an important milestone in the journey of India’s private space industry. Congrats to @isro & @INSPACeIND for enabling this feat. pic.twitter.com/IqQ8D5Ydh4
— Narendra Modi (@narendramodi) November 18, 2022
વિક્રમ-એસ 2 ભારતીય અને 1 વિદેશી પેલોડ સાથે ઉડ્યું
વિક્રમ-એસને હૈદરાબાદ સ્થિત કંપની ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેનું નામ અંતરિક્ષ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. દેશ માટે એક નવી શરૂઆતના પ્રતીક તરીકે આ મિશનને ‘પ્રારંભ’ નામ આપવામાં આવ્યું છે.
દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ 2 ભારતીય અને 1 વિદેશી પેલોડ સાથે ઉડ્યું હતું. તેમાં ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપ સ્પેસ કિડ્ઝ, આંધ્રપ્રદેશ સ્થિત સ્ટાર્ટઅપ એન-સ્પેસ ટેક અને આર્મેનિયન સ્ટાર્ટઅપ બાઝુમક્યુ સ્પેસ રિસર્ચ લેબના ઉપગ્રહોનો સમાવેશ થાય છે.
આ પ્રક્ષેપણ પછી, ISRO એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા મિશન ‘પ્રારંભ’ ની સફળતા વિશે માહિતી આપી અને સ્કાયરૂટ એરોસ્પેસ અને દેશના લોકોને અભિનંદન આપ્યા હતા.
Mission Prarambh is successfully accomplished.
— ISRO (@isro) November 18, 2022
Congratulations @SkyrootA
Congratulations India! @INSPACeIND pic.twitter.com/PhRF9n5Mh4
શ્રી હરિકોટા ખાતે વિક્રમ-એસના લોન્ચિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પણ હાજર હતા. ટ્વિટર પર જિતેન્દ્ર સિંહે સ્કાયરૂટ એરોસ્પેસની ટીમના સભ્યો સાથે એક ફોટો શેર કર્યો છે. જિતેન્દ્ર સિંહ વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય મંત્રી તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)નો હવાલો ધરાવે છે.
With #StartUp Team "Skyroot Aerospace" at #Sriharikota, minutes before the launch of the first ever private Rocket, Vikram-S, named after Vikram Sarabhai, the founding father of India's Space program.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) November 18, 2022
Countdown begins! pic.twitter.com/QUZpYSdsjS
વિક્રમ-એસને તૈયાર કરવામાં 2 વર્ષ લાગ્યા
સ્કાયરૂટ એરોસ્પેસના જણાવ્યા અનુસાર, આ મિશન પર કામ વર્ષ 2020માં શરૂ થયું હતું. વિક્રમ-એસને બનાવવામાં માત્ર બે વર્ષ લાગ્યાં હતા. વિક્રમ-એસ ઘન ઇંધણયુક્ત પ્રોપલ્શન, અત્યાધુનિક એવિઓનિક્સ અને કાર્બન ફાઇબર કોર સ્ટ્રક્ચરથી સજ્જ છે. સ્કાયરૂટ એરોસ્પેસે માહિતી આપી છે કે તેનું બોડી માસ (વજન) 545 કિગ્રા, લંબાઈ 6 મીટર અને વ્યાસ 0.375 મીટર છે.
અત્યાર સુધી ISRO પોતાના રોકેટ લોન્ચ કરતું હતું પરંતુ આ પહેલીવાર હતું જ્યારે ISRO એ પોતાના લોન્ચિંગ પેડ પરથી કોઈ ખાનગી કંપનીનું મિશન લોન્ચ કર્યું હતું. નિષ્ણાતોના મતે, સરકાર ઇચ્છે છે કે નાના મિશનનો બોજ જે ISRO પર હતો, તે હવે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને આપવામાં આવે. આ એટલા માટે છે કે ISRO તરફથી નાના મિશનનો ભાર ઓછો થાય અને ભારતની સ્પેસ એજન્સી ISRO મોટા મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.