આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને સોમનાથ બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર જગમાલ વાળાના વધુ એક વિડીયોએ વિવાદ સર્જ્યો છે. વિડીયોમાં જગમાલ વાળા ટોલ પ્લાઝા પરના કર્મચારીને માર મારતા જોવા મળે છે. વિડીયોના કારણે સામી ચૂંટણીએ ફરી એક વખત આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં મૂકાઈ છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા ઝુબીન આશરાએ આ વિડીયો ટ્વિટ કરીને આમ આદમી પાર્ટી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, કેજરીવાલના નજીકના સાથીદાર, AAP ગુજરાતના ઉપાધ્યક્ષ અને સોમનાથ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર જગમાલ વાળા ટોલ પ્લાઝા પર ધમાલ કરતા જોવા મળ્યા. ગુજરાતમાં આ પ્રકારના અર્બન નક્સલો માટે કોઈ સ્થાન નથી.
Close aid of Kejriwal and AAP Gujarat’s VP and candidate from Somnath assembly constituency, Jagmal Vala creating ruckus at toll booth. There is NO space for such #UrbanNaxals in #Gujarat 👇 pic.twitter.com/CDXFRy4j1Q
— Zubin Ashara (@zubinashara) November 16, 2022
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, આ ઘટના 15 નવેમ્બરના રોજ ઘટી હતી. જોકે, તેમના પીએએ અખબારને જણાવ્યું હતું કે બાદમાં બંને પક્ષે સમાધાન થઇ ગયું હતું. જેથી એક અર્થ એવો પણ થાય છે કે આ ઘટના અને વિડીયો બંને સાચાં છે.
આમ આદમી પાર્ટીએ હજુ સુધી આ અંગે કોઈ અધિકારીક નિવેદન આપ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.
આમ આદમી પાર્ટી નેતા જગમાલ વાળા આ પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યા છે. થોડા સમય પહેલાં તેમણે એક સભા સંબોધતાં દારૂ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, દારૂ આપણને પી જાય તે પહેલાં આપણે દારૂને પીવાનો છે. તેમના આ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
આપ નેતા જગમાલ વાળાએ કહ્યું હતું કે, “આખી દુનિયામાં 800 કરોડની વસ્તી છે. કુલ 196 દેશો છે. આખી દુનિયામાં દારૂ પીવાની છૂટ છે. ભારતમાં 130 કરોડની વસ્તી છે. તેમાં પણ આખા દેશમાં દારૂ પીવાની છૂટ છે. માત્ર ગુજરાતમાં સાડા છ કરોડની વસ્તીમાં જ દારૂબંધી છે. એટલે સાબિત થઇ જાય છે કે દારૂ ખરાબ નથી.”
સભા સંબોધતા તેઓ આગળ કહે છે કે, “દારૂ ખરાબ નથી, પણ દારૂ આપણને પી જાય છે, એ વાંધો છે. પણ હવે આપણે દારૂને પીવાનો છે. આપણે પીએ તો દારૂ ખરાબ નથી. બાકી તાકાત હોય તો દારૂ પીઓ. મોટા-મોટા ડોકટરો, આઈએએસ પણ દારૂ પીએ છે.”