Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં AAPની પરિવર્તન યાત્રા ફ્લોપ: ગુજરાતીઓનો સપોર્ટ ન મળતા પંજાબથી ગાડીઓ અને...

    ગુજરાતમાં AAPની પરિવર્તન યાત્રા ફ્લોપ: ગુજરાતીઓનો સપોર્ટ ન મળતા પંજાબથી ગાડીઓ અને માણસો બોલાવવા પડ્યા, વિડીયો વાઇરલ

    આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાના પુરાવાઓ મળ્યા છે.

    - Advertisement -

    ગુજરાતમાં ચૂંટણી પહેલા 182 બેઠકોના મતદાતાઓના સંપર્ક માટે 15 તારીખથી આમ આદમી પાર્ટીએ પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી. પરિવર્તન યાત્રા દરમિયાન રેલીઓ પણ ખાલીખમ દેખાઈ અને સભાસ્થળો પણ સૂના રહ્યા હતા. રેલીઓમાં મોટા ભાગના વાહનો અને માણસો પંજાબના માલૂમ પડ્યા હતા. લોકોએ સોશિયલ મીડિયામાં વિવિધ વિડીયો શેર કરીને આ પરિવર્તન યાત્રા ફ્લોપ છે એમ જણાવ્યુ હતું.

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યની તમામ 182 વિધાનસભામાં મતદાતાઓનો સંપર્ક કરવા પરિવર્તન યાત્રા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 15 તારીખે સોમનાથ મંદિરથી ગોપાલ ઇટલીયાએ પરિવર્તન યાત્રા શરુ કરી દ્વારકાથી ઇસુદાન ગઢવીએ પરિવર્તન યાત્રાનો આરંભ કર્યો હતો. એ ઉપરાંત રાજ્યના અલગ અલગ 6 સ્થાનેથી યાત્રા શરૂ થઈ હતી.

    પરંતુ જોવા જેવુ એ રહ્યું કે આમ આદમી પાર્ટની આ પરિવર્તન યાત્રાઓને ગુજરાતીઓ દ્વારા જોઈએ એવો પ્રતીભાવ મળ્યો નહોતો. આમ આદમી પાર્ટી આ અગાઉથી જ જાણી ગઈ હોય એમ એમણે પહેલાથી જ યાત્રા માટે મોટી સંખ્યામાં પંજાબથી ગાડીઓ અને માણસોને બોલાવી રાખ્યા હતા. યાત્રામાં ક્યાક રેલીમાં માણસો ન જોવા મળ્યા તો ક્યાક સભાસ્થળ સૂમસામ દેખાયું હતું. આમ આદમી પાર્ટીના નેતા તથા પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી રેલીમાં હાથ બતાવી બતાવીને થાકી ગયા પણ સામે કોઈ હાથ બતાવવાવાળું ભાસ્યું નહોતું.

    - Advertisement -

    AAPની આ પરીવર્તન યાત્રા માત્ર એક ફિયાસ્કો સાબિત થતાં લોકોએ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી તથા AAP નેતાઓને અરીસો બતાવવાનું કામ કર્યું હતું. ટ્વિટર પર આ વિષયમાં અઢળક પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

    AAPની પરિવર્તન યાત્રા પર નેટિઝન્સની પ્રતિક્રિયાઓ

    આમ આદમી પાર્ટીની આ પરિવર્તન યાત્રા ફિયાસ્કો સાબિત થયા બાદ ટ્વિટર આ વિષેની પ્રતિક્રિયાઓથી ઉભરાઇ ગયું હતું. ગુજરાતનાં એક જાણીતા ઇન્વેસ્ટિગેસન જર્નલિસ્ટ વિજય પટેલ (@vijaygajera)એ પોરબંદરની યાત્રાના એક પછી એક ઘણા વિડીયો અને ફોટો શેર કર્યા હતા જેમાં યાત્રામાં બોલાવાયેલ ગુજરાત બહારના વાહનો અને લોકો નજરે પડી રહ્યા હતા તથા સભાસ્થળો ખાલીખમ જોવા મળ્યા હતા. તેમના આ ફોટો એને વિડીયો ટ્વિટર પર ખૂબ વાઇરલ થયા હતા.

    @vijaygajera પરિવર્તન યાત્રાના ફોટો સાથે એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘AAP ગુજરાતને ગુજરાતીઓનું સમર્થન નથી મળી રહ્યું તેથી AAPએ પંજાબમાંથી લોકોને તેમની રેલીઓમાં ગોઠવ્યા છે! પંજાબથી AAPના સીએમ ઉમેદવાર માટે મુખ્ય વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.’ અહી તેમણે કથિત રીતે ઇસુદાન ગઢવીને આપના ગુજરાતનાં મુખ્યમંત્રીના ઉમેદવાર પણ કહ્યા હતા. તથા ટ્વિટમાં જોડેલ ફોટાઓમાં પંજાબ પાસિંગવાળી ઘણી ગાડીઓ પણ જોઈ શકાય છે.

    અન્ય એક ટ્વિટર યુઝર @SortedEagle એ ઇસુદાન ગઢવીની પરિવર્તન યાત્રાનો અન્ય એક વિડીયો શેર કરી મજાક ઉડાવતા લખ્યું કે, ‘આ ગુજરાતની AAP રેલી હતી જ્યાં ઉમેદવાર એક ટ્રક પર છે જે રસ્તા પરના ઝાડને હાથ હલાવતા હતા, જ્યારે રસ્તાઓ પર કોઈ ભીડ નથી😂😂😂’. વિડિયોમાં ઇસીદન ગઢવી એમના ટ્રક પરથી સામેની બાજુ હાથ ઊંચો કરીને હલાવતા જોવા મળી રહ્યા છે પરંતુ સામેની બાજુ કોઈ ભીડ કે લોકો જોવા નથી મળી રહ્યા.

    આ જ વિડીયો પર ટિપ્પણી કરતાં અન્ય એક ટ્વિટર યુઝરે @himani411 એ લખ્યું કે, ‘આના કરતા તો વધારે ભીડ અમારે ત્યાં સોસાયટીના ગણેશ વિસર્જનમાં હોય છે.’

    ટ્વિટર યુઝર @iamdixitajoshi એ પણ આ વિડીયો શેર કરતા આમ આદમી પાર્ટી પર મજા લેતા લખ્યું કે, ‘પરિવર્તન યાત્રાની ફૂટેજ છે. સાચું કહેજો કે જનતાનો રિસ્પોન્સ કેટલો છે? આપ નેતા બિચારા હાથ હલાવી-હલાવી થાકી ગયા, પણ જનતાને AAP માં કોઈ રસ નથી. આપ નેતાની બોડીલેંગ્વેજ નોટિસ કરો કે અંદરખાને તે પણ નિરાશ છે,પણ કહે કોને. AAP મોટી-મોટી ફેંકવામાં નંબર વન છે, મરી જશે પણ સત્ય સ્વીકાર નહિ કરે.’

    @vijaygajera એ અન્ય એક વિડીયો શેર કર્યો જેમાં રેલી બાદ ઇસુદાન ગઢવી એક સભા કરવા સભામંડપ તરફ જતાં જોવા મળે છે, પરંતુ ત્યાં તેમને સાંભળવા કોઈ આવ્યું નહોતું. આમ આદમી પાર્ટીના ગણ્યા ગાઠયાં લોકો જ ત્યાં નજરે પડે છે. વિજય પટેલે ટ્વિટમાં લખ્યું કે, ‘ગુજરાતમાં AAPના સમર્થનમાં ભારે ભીડ! એક સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવીનું વિશાળ જનમેદની દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બની શકે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ!’

    @vijaygajera એ અન્ય એક વિડીયો શેર કર્યો જેમાં રેલીના રૂટમાં વચ્ચે વીજળીના વાયરો આવતા ઇસુદાન ગઢવી પહેલાથી જ સાવચેતીના ભાગરૂપે નીચે બેસી જાય છે. જેના પર ટિપ્પણી કરતાં પટેલ લખે છે કે, ‘ઇસુદાન નેય ખબર છે ગુજરાતમાં 24 કલાક વીજળી હોય છે! Even AAP politicians of Gujarat knows that Gujarat has 24×7 electricity!’

    આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીની એ સભામાં ભાષણ વખતનો એક વિડીયો શેર કરતાં પટેલે લખ્યું કે, ‘આ હાસ્યાસ્પદ છે. AAP ગુજરાતના સીએમ ઉમેદવાર (બિનસત્તાવાર રીતે) દાવો કરી રહ્યા છે કે પંજાબના લોકો પાસે હવે સીએમ જેટલી જ શક્તિ છે! તેઓ કોઈપણ અધિકારીઓને સીધા સસ્પેન્ડ કરી શકે છે! તે ભગવંત માનને જોરદાર ટક્કર આપી રહેલ છે! દેખીતી રીતે આ એક જોક છે.’

    આમ આ સમગ્ર પરિવર્તન યાત્રા આમ આદમી પાર્ટી માટે એક શીખ સાબિત થઈ રહી છે કે હજુ તેમણે ગુજરાતીઓએ એટલા સ્વીકાર્યા નથી. અને આ વાત અંદરખાને આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પણ જાણે જ છે માટે જ તેઓ દ્વારા પંજાબમાંથી માણસો બોલાવવાની જરૂર પડી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં