દિલ્હીનો એક ધૃણાસ્પદ કિસ્સો ચર્ચામાં છે. અહીં પોલીસે આફતાબ નામના એક ઈસમની તેની હિંદુ લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે. આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને મારી નાંખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડા કરીને દિલ્હીમાં જુદાં-જુદાં ઠેકાણે ફેંકી દીધા હતા. આ મામલો છ મહિના પહેલાંનો છે. પોલીસે કેસનો ઉકેલ લાવી હાલ આરોપીને ઝડપી લીધો છે.
Gruesome murder of a girl named Shraddha has been solved by @DelhiPolice. According to police, her BF Aftab dismembered her body into 35 pieces and disposed of it in Mehrauli jungle, reports @AlokReporter @TheNewIndian_in #news #NewsUpdate #delhicrime pic.twitter.com/uN8S3Z9gvU
— The New Indian (@TheNewIndian_in) November 14, 2022
આરોપીનું આખું નામ આફતાબ આમીન પૂનાવાલા છે. ગત 18 મેના રોજ તેણે શ્રદ્ધાની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ તેણે મૃતદેહના 35 જેટલા ટુકડા કર્યા અને તેનો સંગ્રહ કરવા માટે નવું ફ્રિજ પણ લાવ્યો હતો. ત્યારબાદ 18 દિવસ સુધી આ ટુકડાઓ દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં ફેંકતો રહ્યો હતો. કોઈને જોઈ ન જાય તે માટે તે રાત્રે 2 વાગ્યે નીકળતો હતો.
શ્રદ્ધાએ લગ્ન માટે દબાણ કરતાં બંનેનો રાત્રે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આફતાબે તેને ગળું દબાવીને મારી નાંખી હતી, તેમ મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
મીડિયા અહેવાલો આ અંગે જણાવે છે કે, શ્રદ્ધા અને આફતાબ દક્ષિણ દિલ્હીના મોહાલી વિસ્તારમાં રહેતા હતા. શ્રદ્ધા મુંબઈની એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી, જ્યાં તેની મુલાકાત આફતાબ સાથે થઇ હતી અને ત્યારબાદ બંનેએ ડેટિંગ શરૂ કર્યું હતું. જોકે, શ્રદ્ધાના પરિવારને આ સબંધો મંજૂર ન હતા પરંતુ તેમ છતાં બંને દિલ્હી આવી ગયાં હતાં.
જોકે, ઘણા સમયથી શ્રદ્ધાએ તેના માતા-પિતા સાથે કોઈ વાતચીત ન કરતાં તેમણે તેની તપાસ કરવાની શરૂ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ ચેક કર્યાં, પરંતુ ત્યાં પણ કોઈ અપડેટ ન દેખાતાં યુવતીના પિતા પુત્રીની તપાસ કરવા માટે પાલઘરથી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ જ્યારે ફ્લેટ પર પહોંચ્યા ત્યારે ત્યાં તાળું જોવા મળ્યું હતું.
ત્યારબાદ તેઓ પોલીસ પાસે પહોંચ્યા અને તેમની પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે શ્રદ્ધાના આફતાબ સાથેના સબંધો અંગે પણ પોલીસને જણાવ્યું અને તેની પર જ આશંકા પણ વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે તેની પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. આખરે પોલીસે તેને તેના ઘરેથી ઉઠાવી લીધો હતો.
પોલીસે આરોપી સામે હત્યા સહિત આઇપીસીની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસે એક અધિકારીક નિવેદનમાં જાણકારી આપતાં કહ્યું છે કે, ‘મેહરૌલી પોલીસે છ મહિના જૂનો કેસ ઉકેલીને શ્રદ્ધાની હત્યા કરી તેના ટુકડા કરી દફનાવી દેવા બદલ આફતાબની ધરપકડ કરી લીધી છે. તેઓ મુંબઈમાં કામ કરતી વખતે પ્રેમમાં પડ્યાં હતાં અને પરિવારના વિરોધ બાદ અહીં (દિલ્હી) આવી ગયાં હતાં. યુવતીએ લગ્ન માટે દબાણ કરતાં આફતાબે તેની હત્યા કરી નાંખી હતી.’