સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના (AAP) IT સેલે એક વિડીયો ફેરવીને ભાજપની મજાક ઉડાવી હતી અને મોરબીમાં પાર્ટીના કાર્યકરો પ્રચાર કરવા જતાં સ્થાનિકોએ માર માર્યો હોવાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં ‘આપ’ આઇટી સેલના પ્રતીક ઇનામદારે આ ખોટો વિડીયો શૅર કરીને મોરબીનો હોવાનો દાવો કર્યો હતો.
પ્રતીક ઇનામદારે શનિવારે (12 નવેમ્બર 2022) 7:40 વાગ્યે આ વિડીયો ટ્વિટ કરીને લખ્યું, ‘મોરબીમાં ભાજપનો પ્રચાર કરવા આવેલા કાર્યકર્તાઓને મારવામાં આવ્યા. જનતા જાગી ગઈ છે.’ સાથે વિડીયોના સોર્સ તરીકે ‘વાયરલ વિડીયો’ હોવાનું જણાવ્યું હતું.
આ વિડીયોમાં કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવેલી એક રિક્ષા પર હુમલો કરતા જોવા મળે છે અને તેમાં બેઠેલા લોકોને લાકડી-દંડા વડે મારતા પણ જોવા મળે છે. વિડીયોમાં એક ખૂણામાં ભાંગેલી-તૂટેલી ગુજરાતીમાં લખવામાં આવ્યું હતું કે, ‘હવે ક્યાંય ભાજપનો પ્રચાર સંભળાય તોપણ લોકો મારવા દોડે છે.’
પ્રતીક ઇનામદાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આઇટી સેલ ટીમમાં કામ કરે છે. અગાઉ તેણે પોતાના ટ્વિટર પર આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથેની તસ્વીરો પણ પોસ્ટ કરી હતી.
Gujarat Social Media Team with @ArvindKejriwal @anilkpatell @NiraliMaheriya @GunjanAAP pic.twitter.com/xzxtVSvufF
— Praatik innamdar (@Praatik_3300) September 13, 2022
જોકે, આ વિડીયો ટ્વિટર પર ફરતો થયો ત્યારથી જ શંકાના દાયરામાં આવી ગયો હતો, કારણ કે તેમાં લોકો જે ભાષા બોલે છે એ ગુજરાતી નથી. આખરે, તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વિડીયો ગુજરાતનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળનો છે અને તેને મોરબીની દુર્ઘટના સાથે કંઈ લાગતું-વળગતું નથી.
આ ઘટનાનો સાચો વિડીયો પશ્ચિમ બંગાળ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ 6 ઓગસ્ટ 2022ના રોજ શૅર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે હૂગલીના TMC ધારાસભ્ય આસિત મજમુદાર અને તેમના સમર્થકોએ પ્રચાર કરતા ભાજપના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી હતી. તેમણે આ વિડીયો ટ્વિટ કરીને મમતા બેનર્જીના શાસન સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
Yesterday Asit Mazumdar; TMC MLA from Chinsurah; Hooghly, thrashed a BJP Karyakarta for campaigning democratically.
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) August 6, 2022
Those who questioned @India_NHRC's post poll violence report, citing 'Law of ruler, not Rule of law' in WB haven't seen @MamataOfficial's GOONDA Raaj.@narendramodi pic.twitter.com/MI0iElQWdO
આ વિડીયો જોઈને સ્પષ્ટપણે જણાઈ આવે છે કે AAP IT સેલે જે વિડીયો ફરતો કર્યો એ ગુજરાતના મોરબીનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળનો છે અને એ પણ બે મહિના જૂનો! ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી આ પ્રકારના વિડીયો શૅર કરીને મોરબી સાથે જોડીને મોરબીની દુર્ઘટનાનો ફાયદો મેળવવા માંગતી હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં ગત 30 ઓક્ટોબરના રોજ મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં મોત થઇ ગયાં હતાં.