ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)માં પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા વચ્ચે વિખવાદ હોય તેવી ચર્ચાઓ વચ્ચે હવે છોટુ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી કરવાનું એલાન કરી દીધું છે. મહત્વની વાત એ છે કે આ જ બેઠક પરથી તેમના પુત્ર અને BTP અધ્યક્ષ મહેશ વસાવા પણ પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
છોટુ વસાવાએ ટ્વિટ કરીને પોતે ઝઘડિયા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી કરશે તેવી જાણકારી આપી હતી. તેમણે આવતીકાલે (14 નવેમ્બર 2022) 152 ઝઘડિયા વિધાનસભા બેઠક પર ઉમેદવારી નોંધાવવા જવાના હોવાનું કહીને કાર્યકર્તાઓને હાજર રહેવા માટે અપીલ કરી હતી.
આવતી કાલે હું 14.11.2022 ના રોજ 152 ઝગડીયા વિધાનસભા ની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનો છું. મારા તમામ કાર્યકરો એ ઝગડીયા ખાતે હાજર રહેવુ.@abpasmitatv @VtvGujarati @bbcnewsgujarati @tv9gujarati @News18Guj @Zee24Kalak @GSTV_NEWS @Gujaratmitr @gujratsamachar @IndianExpress pic.twitter.com/5GTng9YCRG
— Chhotubhai Vasava (@Chhotu_Vasava) November 13, 2022
છોટુ વસાવાએ એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કઈ પાર્ટીમાંથી ઉમેદવારી કરવા જઈ રહ્યા છે કે અપક્ષ ઉમેદવારી કરશે. કારણ કે BTP તરફથી અધિકારીક યાદી જાહેર કરીને ઝઘડિયા બેઠક પરથી ઉમેદવાર તરીકે પાર્ટી અધ્યક્ષ મહેશ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. જેથી માનવામાં આવી રહ્યું છે કે છોટુ વસાવા અપક્ષ ઉમેદવારી કરી શકે છે અથવા જેડીયુ જેવી પાર્ટી પણ પકડી શકે.
હાલ ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવા ધારાસભ્ય છે, જ્યારે તેમના મોટા પુત્ર મહેશ વસાવા ડેડિયાપાડા બેઠક પરથી MLA છે. પરંતુ ડેડિયાપાડા પર આ વખતે સમીકરણો બદલાયાં છે. અહીં એક સમયના મહેશ વસાવાના સાથીદાર અને BTP નેતા ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેના કારણે મહેશ વસાવા સુરક્ષિત બેઠકની શોધમાં હતા.
વિધાનસભા ચૂંટણી પહેલાં મહેશ વસાવાએ ડેડિયાપાડાને બદલે પિતાની ઝઘડિયા બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પિતાએ આનાકાની કર્યા બાદ પણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની રૂએ મહેશ વસાવાએ પોતાનું નામ ઝઘડિયા બેઠક પરથી જાહેર કરી દીધું હતું.
ત્યારબાદ છોટુ વસાવા સમર્થકોમાં નારાજગી પણ જોવા મળી રહી હતી અને સોશિયલ મીડિયા ઉપર સતત ઝઘડિયા બેઠક પર છોટુભાઈના સમર્થનમાં કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું હતું. બીજી તરફ, છોટુભાઈના નાના પુત્ર દિલીપ વસાવાએ ગઈકાલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
દિલીપ વસાવાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી BTP અધ્યક્ષ મહેશ વસાવા પર છોટુ વસાવાની અવગણના કરવાનો આક્ષેપ કરી તેના કારણે લડાઈમાં ભારે નુકસાન થઇ રહ્યું હોવાનું જણાવી પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું.
હવે છોટુ વસાવા પણ ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી કરવાના હોઈ જો મહેશ વસાવા પણ ચૂંટણી લડે તો એક જ બેઠક પર પિતા-પુત્ર વચ્ચે યુદ્ધ જામશે અને પાર્ટીમાં પણ બે ભાગ પડવાની શક્યતા છે.