છેલ્લા થોડા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ શ્રીલંકામાં મહિન્દા રાજપક્ષાના રાજીનામાં બાદ રાનિલ વિક્રમસિંઘેને નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. સોમવારે (16 મે 2022) શ્રીલંકાના નવા વડાપ્રધાને તેમનું પહેલું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને જેમાં તેમણે દેશને શ્રીલંકાના આર્થિક સંકટ અને તેમાંથી દેશને બચાવવા માટે તેમની શું યોજનાઓ છે તે અંગે જણાવ્યું હતું તો સાથે એમ પણ કહ્યું હતું કે, આગામી બે મહિના શ્રીલંકાના નાગરિકો માટે ઘણા કપરા છે.
શ્રીલંકન વડાપ્રધાને તેમના વક્તવ્યના કેટલાક હિસ્સાઓ ટ્વિટર પર ટ્વિટના સ્વરૂપમાં પણ શેર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, હવે દેશ પાસે માત્ર એક દિવસ ચાલે તેટલું જ પેટ્રોલ વધ્યું છે. તેમણે કહ્યું કે, નવેમ્બર 2019 માં વિદેશી ભંડાર 7.5 બિલિયન અમેરિકી ડોલર હતું, પરંતુ હમણાં ટ્રેઝરી પાસે 1 મિલિયન અમેરિકન ડૉલર પણ ઉપલબ્ધ નથી.
4. Fuel Stocks:
— Ranil Wickremesinghe (@RW_UNP) May 16, 2022
• Problem: In order ease the queues, we need approx. USD 75 million. We only have petrol stocks for a single day. #SriLankaEconomicCrisis
જોકે, તે બાદ અન્ય એક ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, રવિવારે ડિઝલનું એક શિપમેન્ટ મંગાવવામાં આવ્યું હતું અને ભારતીય ક્રેડિટ લાઈન હેઠળ બીજાં બે શિપમેન્ટ અનુક્રમે 18 મે અને 1 જૂનના રોજ પહોંચશે. 18 મે અને 29 મેના રોજ એક-એક પેટ્રોલ શિપમેન્ટ પણ શ્રીલંકા પહોંચશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ઉર્જા સુરક્ષાને લઈને તેમણે કહ્યું કે, દેશની ચોથા ભાગની વીજળી તેલમાંથી ઉત્પન્ન થતી હોવાના કારણે દિવસના 15 કલાક સુધી વીજકાપ રહી શકે છે. જેના સમાધાનરૂપે ક્રૂડ ઓઇલ અને ફર્નેસ ઓઇલ લઇ જતા ત્રણ જહાજોને 40 કરતાં વધુ દિવસોથી શ્રીલંકાના સમુદ્રી ક્ષેત્રમાં તૈયાર રાખવામાં આવ્યા છે. તેમજ ઉર્જા સુરક્ષા સંકટને પહોંચી વળવા માટે રાજકોષમાંથી પૂરતું ભંડોળ પણ સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે.
6. Electricity:
— Ranil Wickremesinghe (@RW_UNP) May 16, 2022
• Problem: As quarter of electricity is generated through oil, there is a possibility that the power outages will increase to 15 hours a day. #EconomicCrisisLK
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2022માં ફુગાવો 17.5 ટકાની વિક્રમી સપાટીએ પહોંચી ગયા બાદ શ્રીલંકા આજ સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશના લોકોને ખોરાક અને રાંધણ ગેસ પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી તો કેટલાક લોકો પ્રાથમિક સુવિધાઓ માટે પણ ઝઝૂમી રહ્યા છે.
મફત ચીજવસ્તુઓ અને સેવાઓનું રાજકારણ કઈ રીતે લાંબા ગાળે દેશને સંકટમાં નાંખી દે છે તે સમજવા માટે શ્રીલંકાની હાલની સ્થિતિ એકદમ સચોટ ઉદાહરણ છે. સામાજિક સેવાઓ કે ભૌતિક ચીજવસ્તુઓની મફત લ્હાણી કરતા અને વાયદા કરતા નેતાઓ અને રાજકીય પાર્ટીઓએ આ ઉદાહરણ અવગણવું ન જોઈએ અને ખાસ ધ્યાને લેવું જોઈએ.
નીતિ વિશ્લેષક ડૉન વિમાંગા અનુસાર, શ્રીલંકાના વર્તમાન સંકટનું મુખ્ય કારણ 1977 નું વ્યાપાર ઉદારીકરણ છે. તેમણે કહ્યું કે, શ્રીલંકા પર બજેટમાં ઘટાડો, ટેક્સમાં ઘટાડો અને મેક્રોઇકોનોમિક જેવા અનેક કારણોથી અસર થઇ છે. તેમજ વિશ્લેષકોના મત અનુસાર, વર્ષ 2005 થી 2015 દરમિયાન રાજપક્ષે સરકારની નીતિગત ભૂલોના કારણે પણ દેશ સંકટનો સામનો કરી રહ્યો છે.
આ દસ વર્ષના સમયગાળા દરમિયાન દેશને સિંગાપોર જેવો બનાવી દેવાની લ્હાયમાં શ્રીલંકાની સરકારે માથા પર દેવાનો બોજ ખૂબ વધારી દીધો હતો. સરકારે મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટ પર પૈસા લગાવ્યા હતા. પરંતુ તેમાંથી મોટાભાગના પ્રોજેક્ટ ખાનગી રોકાણ ન મળવાના કારણે બંધ પડી ગયા હતા. જેમાં હંબનટોટા પોર્ટ અને સિલોન ઈલેક્ટ્રીસીટી કંપનીનો સમાવેશ થાય છે.
વર્ષ 2020 માં ચૂંટણી પહેલાં જનતાને રાહત આપવા માટે ત્યાંની સરકારે ટેક્સ ઘટાડાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે બાદ શ્રીલંકામાં રજીસ્ટર કરદાતાઓની સંખ્યા 35 ટકાથી ઓછી થઇ ગઈ હતી. જેના કારણે સરકારની આવક અને GDPમાં બહુ મોટો ફટકો પડ્યો હતો.
જોકે, આર્થિક સંકટ સામે ઝઝૂમતા શ્રીલંકાને મદદ કરવા માટે ભારતે હાથ લંબાવ્યો છે. ભારતે 40 હજાર ટન ડીઝલની ખરીદી માટે 1.5 અબજ ડોલરની ક્રેડિટ લાઈન પૂરી પાડી છે. જોકે, તેમ છતાં શ્રીલંકાએ વધુ 1 બિલિયન ડોલરની ક્રેડિટ લાઈનની માંગ કરી છે. શ્રીલંકામાં આર્થિક સંકટને લઈને વધુ વિગતો અહીં ક્લિક કરીને મેળવી શકશો.