વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને છોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) વચ્ચે ગઠબંધન થાય તેવી ચર્ચાઓ ચાલતી હતી પરંતુ હવે તેની ઉપર પૂર્ણવિરામ મૂકાયું છે. કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી તેમાં ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે.
કોંગ્રેસે ડેડિયાપાડા બેઠક પરથી જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે, જ્યારે ઝઘડિયા બેઠક પરથી ફતેસિંહ વસાવાને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે.
વિધાસભાના કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી મેળવો તેવી શુભેચ્છાઓ.#કોંગ્રેસ_આવે_છે pic.twitter.com/EBH2dyGcRR
— Gujarat Congress (@INCGujarat) November 10, 2022
આ પહેલાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીટીપી (BTP) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું. ત્રણ બેઠકો પર બીટીપી પોતાના ચિહ્ન પર લડી હતી, જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસના ચિહ્ન પર તેમના ઉમેદવારો લડ્યા હતા. ડેડિયાપાડા, ઝઘડિયા અને માંડવી બેઠક પર બીટીપી લડી હતી, જ્યારે મોરવા હડફ, વાઘોડિયા અને અંકલેશ્વર પર કોંગ્રેસના ચિહ્ન પર બીટીપી ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા. જેમાંથી બીટીપી બે બેઠકો જીતી હતી.
જોકે, ત્યારબાદ 2019માં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં બીટીપીના બંને ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારબાદ 2020ની રાજ્યસભા ચૂંટણીમાં પણ પાર્ટી મતદાનથી દૂર રહી હતી. હવે આ વખતે બંને પાર્ટીઓએ પોતપોતાની રીતે લડવાનો નિર્ણય લીધો છે.
જોકે, આ ચૂંટણી પહેલાં બીટીપી કોઈને કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરવા ઉતાવળી હોય તેમ લાગી રહ્યું છે. પહેલાં તેમના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે એક મંચ પર જોવા મળ્યા હતા અને બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થવાની વાતો પણ મીડિયામાં ચાલી રહી હતી. પરંતુ એક મહિના પહેલાં બીટીપીએ હાથ ખેંચી લીધો હતો અને આમ આદમી પાર્ટી સાથેના સબંધો આગળ વધે એ પહેલાં જ પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
ત્યારબાદ થોડા દિવસ પહેલાં બીટીપી સ્થાપક છોટુ વસાવાએ નીતીશ કુમારની જનતા દળ યુનાઇટેડ સાથે ગઠબંધન કરવાનું એલાન કર્યું હતું. જોકે, ત્યારબાદ બીજા જ દિવસે પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ તેમના પિતાની જાહેરાતને વ્યક્તિગત ગણાવી કાઢી હતી અને ગઠબંધન પણ નકારી કાઢ્યું હતું.
બીજી તરફ, નીતીશ કુમારની પાર્ટી જેડીયુએ પણ આ મામલે કહ્યું હતું કે હજુ સુધી તેમણે કોઈ નિર્ણય લીધો નથી. પાર્ટી પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે, બીટીપી તરફથી છોટુ વસાવાએ સીએમ નીતીશ કુમાર અને પાર્ટી અધ્યક્ષ લલન સિંહનો સંપર્ક કર્યો હતો, પરંતુ ગઠબંધન વિશે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.