અમદાવાદની દાણીલીમડા વિધાનસભા જે અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે અને જ્યાં ઘણા સમયથી કોંગ્રેસ MLA શૈલેષ પરમાર ચૂંટાઈને આવે છે, તેમનો ગોમતીપુર વિસ્તારમાં પાર્ટીના જ મુસ્લિમ કાર્યકર્તાઓએ તથા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.
ગુરુવાર, 10 નવેમ્બરના રોજ દાણીલીમડા વિધાનસભાનો એક કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ ગોમતીપુર વિસ્તારમાં યોજાયો હતો. કાર્યક્રમમાં વિસ્તારના કોંગ્રેસ MLA શૈલેષ પરમાર, કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ઉપરાંત દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર અને મ્યુનિસિપાલિટીમાં વિરોધપક્ષના નેતા શહેઝાદ પઠાણ હાજર હતા. જ્યાં ચાલુ કાર્યક્રમમાં એક સ્થાનિક મુસ્લિમ આગેવાન અને કોંગ્રેસના જ કાર્યકર્તા સ્ટેજ પર ચડ્યા અને શૈલેષ પરમારને ખભે હાથ મૂકીને માઈકમાં બોલવા લાગ્યા હતા.
સ્થાનિકોનો આરોપ કે 5 વર્ષમાં ક્યારેય તેમની મુલાકાત નથી લીધી કે નથી કોઈ કામ કર્યું
સ્ટેજ પરથી રિઝવાન નામના કોંગ્રેસ કાર્યકર્તાએ ધારાસભ્ય પર આરોપ લગાવતા કહ્યું કે તેઓએ છેલ્લા 5 વર્ષમાં એક પણ વાર ગોમતીપુર વિસ્તારની મુલાકાત નથી લીધી. આગળ તેણે કહ્યું કે તેમણે વિસ્તારમાં કોઈ પણ કામ પણ નથી કર્યું.
ગતરાતે દાણીલીમડા વિધાનસભાના ગોમતીપુર વિસ્તારમાં કોંગ્રેસનું એક કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.
— लिंकन सोखडिया (@journolinc) November 11, 2022
જેમાં સ્થાનિક લોકોએ સ્ટેજ પર ચડીને માઈકમાં ચાલુ ધારાસભ્ય શૈલેષ પરમારને પ્રશ્ન કર્યા હતા કે "આટલા વર્ષોમાં તેમને શું કામ કર્યું?"
જેનો જવાબ તેઓ ના આપી શક્યા.#danilimda
1/2 pic.twitter.com/ZRS6SGxCW6
રિઝવાને આગળ કહ્યું કે ગત ચૂંટણીમાં પણ તે લોકોએ શૈલેષ પરમારનો વિરોધ કર્યો હતો. પરંતુ ત્યારે શૈલેષ પરમારે જુદા જુદા વાયદા કરીને તેમને માનવી લીધા હતા. પરંતુ આ 5 વર્ષમાં એમાંથી એકપણ વાયદા પણ તેમના દ્વારા પુરા કરવામાં નથી આવ્યા.
આ ઘટના વિષે કનફર્મેશન મેળવવા અમે ગોમતીપુર એક સ્થાનિક સૂત્ર સાથે OpIndiaએ વાત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ વિડીયો સાચા જ છે અને ખરેખર ગોમતીપુર સ્થાનિક લોકોએ કોંગ્રેસ MLA શૈલેષ પરમારનો વિરોધ કર્યો હતો.
નાના કાર્યકર્તાઓને મળતા નથી, ઓફિસ પર હમેશા રહે છે તાળું
સ્ટેજ પરથી આવા તીક્ષ્ણ પ્રશ્નો પુછાતા તેના જવાબ આપવાની જગ્યાએ ધારાસભ્ય શૈલેષ પરમાર ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરવા માંડ્યા તો સ્ટેજ નીચે જ લોકોએ તેમને ઘેરી લીધા હતા. જ્યાં તેમના નામનો હુરિયો પણ બોલાવવામાં આવ્યો હતો. ત્યાં મીડિયાના કેમેરા સમક્ષ જ સ્થાનિક લોકોએ પરમાર પર આરોપ લગાવ્યો કે તેઓ કોઈ દિવસ ગોમતીપુર આવતા નથી અને કોઈ નાના કાર્યકરને તેમને મળવું એ અસંભવ સમાન જ હોય છે.
સ્થાનિકોએ આગળ આરોપ લગાવતા કહ્યું કે ધારાસભ્ય શૈલેષ પરમારના કાર્યાલય પર હંમેશા તાળું જ હોય છે. તેઓ પ્રજાના કોઈ પ્રશ્નો સાંભળતા નથી અને ગોમતીપુર વિસ્તારમાં કોઈ કામ કરતા નથી. અન્ય એક સ્થાનિકે આરોપ લગાવ્યો કે પરમારે હમણાં સુધી ગોમતીપુરની જનતાને માત્ર હથેળીમાં ચાંદ જ બતાવ્યો છે.
મુસ્લિમ વસ્તીમાં પણ ધારાસભ્યના મુસ્લિમ સાથીદારોએ ન કર્યો બચાવ
નોંધનીય છે કે ગોમતીપુર 60% થી 70% મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે અને આ કાર્યક્રમમાં પણ મોટાભાગે મુસ્લિમ કાર્યકર્તાઓ જ હાજર હતા. ધારાસભ્ય શૈલેષ પરમાર સાથે સ્ટેજ પર દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેઝાદ પઠાણ પણ હાજર હતા જેમની મુસ્લિમ વિસ્તારોમાં સારી એવી પકડ છે.
પરંતુ એ વાત ધ્યાન ખેંચનારી છે કે જયારે એક વ્યક્તિ સ્ટેજ પર ધારાસભ્ય અને કોર્પોરેટર હાજર હતા ત્યારે સતત 5 મિનિટ માઈકમાં તેમનો વિરોધ કરતો રહ્યો અને કોઈએ તેને રોક્યો પણ નહીં. ત્યાં સુધી કે શહેઝાદ પઠાણે પણ તેને રોકવાનો કે બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો ન હતો.
જયારે કોંગ્રેસ MLA શૈલેષ પરમારને સ્ટેજ નીચે ઘેરી લેવામાં આવ્યા હતા ત્યારે શહેઝાદ પઠાણ ત્યાંથી નીકળી ગયેલા માલુમ પડ્યા હતા. આમ ઘણા લોકો એવી પણ શંકા દર્શાવી વ્યક્ત કરી રહ્યા છે કે આ આખો વિરોધ કોંગ્રેસના જ અમુક લોકોએ પ્રીપ્લાન કરીને કરાવ્યો હતો. આ પહેલા પણ શૈલેષ પરમાર સામે આંતરિક વિરોધના અહેવાલો આવતા રહેતા હતા. 2021માં આ જ વિસ્તારમાં તેમને જૂતાંનો હાર પણ પહેરાવવામાં આવ્યો હતો.
સ્થાનિક આગેવાન અને પૂર્વ કોંગ્રેસ શહેર ઉપપ્રમુખે કહ્યું કે ‘આ વખતે શૈલેષનો ગરબો ઘરે આવશે’
આ વિષયમાં સ્થાનિક આગેવાન અને કોંગ્રેસના પૂર્વ અમદાવાદ શહેર ઉપ પ્રમુખ ખુર્શીદ અહેમદ શેખે OpIndia સાથે ખાસ વાતચીત કરી હતી. શેખે પણ ગોમતીપુરમાં ધારાસભ્ય શૈલેષ પરમાર સામે વિરોધ થયો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે સ્થાનિકો કહે છે એ વાત તદ્દન સાચી છે પરમારે આ વિસ્તાર માટે કોઈ જ કામ કરેલા નથી તથા ક્યારેય વિસ્તારમાં રાઉન્ડ લેવા પણ આવ્યા નથી.
તેમણે આગળ જણાવ્યું કે ધારાસભ્ય તેમની ગ્રાન્ટમાંથી નાની રકમ પણ ગોમતીપૂર વિસ્તાર માટે વાપરતા નથી અને જ ગ્રાન્ટ શાહઆલમ બાજુના એક જ વિસ્તારમાં વાપરતા હોય છે. OpIndiaએ જયારે શેખને આવું થવા માટેનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, “એ વિસ્તારમાં બાહુબલીઓ રહે છે જેમના હાથ નીચે મોટી સંખ્યામાં મુસ્લિમ વોટ છે. આ માટે શૈલેષ પરમાર પોતાની બધી ગ્રાન્ટ ત્યાં જ આપી દે છે.”
અંતેમાં શેખે ભારે વિશ્વાસ સાથે કહ્યું કે આ વખતે દાણીલીમડા અને ગોમતીપુરની જનતા શૈલેષભાઈની વાતોમાં નહિ આવે અને તેમનો ગરબો ઘરે આવશે. આનો ફાયદો ભાજપને મળશે તેવું પણ શેખે જણાવ્યું હતું.