ગઈ કાલે ડીસા પાટણ હાઇવે પર ખરડોસણ રોડ પર એક અકસ્માતમાં પિકઅપ વાહન પલટી મારતા તેમાં ઘેટાં બકરા ભરેલા હોવાનું રાહદારીઓએ નોંધ્યું. આ પશુ તસ્કરી વિષે પોલીસને જાણ કરાતાં વાહનચાલકની ધરપકડ કરાઇ હતી તથા પશુઓને નજીકના પાંજરાપોળમાં ખસેડાયા હતાં.
સમગ્ર ગુજરાતમાં મૂંગા પશુઓની તસ્કરીની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. તસ્કરોને કોઈ પણ કાયદાઓનો ભય રહ્યો ન હોય એમ માલૂમ પડે છે. આવી જ એક પશુ તસ્કરી કરવાની ઘટના ગઈ કાલે ડીસામાં સામે આવી હતી.
ડીસા પાટણ હાઇવે પર ખરડોસણ પર ઘેટાં બકરા ભરેલ એક પિકઅપ વાહન ચાલકે એક રાહદારી મહિલાને અડફેટે લેતા વાહન પલટી ખાઈ ગયું. જેથી ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોકલાઈ હતી. જેમનું ધ્યાન વાહનમાં રખાયેલ ઘેટાં બકરાઓ પર પડતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરાતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પિકઅપ જીપમાં ભરેલા ઘેટા બકરા કતલખાને લઇ જવાનું સામે આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં ડીસાના જીવદયા પ્રેમી મકસીભાઈ રબારી સહિતના લોકો ત્યાં પહોચી ગયા હતા અને પશુ તસ્કરી માટે લઈ જવાતા 21 ઘેટાં બકરાઓને નજીકની ડીસા કાન્ટ પાંજરાપોળમાં ખસેવામાં આવ્યા હતા જ્યાં ઘેટા બકરાને સારવાર આપી તેમને માટે ખોરાકની વ્યવસ્થા કરી હતી.
ડીસા પોલીસ દ્વારા આરોપી વાહન ચાલકને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શક્યતા છે કે તપાસમાં પશુ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાના વિષયમાં કોઈ મોટી જાણકારી હાથે લાગી શકે છે.
નોંધનીય છે કે ડીસામાં આ રીતની પશુ તસ્કરી જેવી ઘટના પહેલો વાર નથી બની. આ પહેલા બે વર્ષ પહેલા પણ ડીસાના ગવાડીથી નંદાસણ ખાતે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 227 ઘેટાં બકરાઓ ભરેલી ટ્રકને ડીસા શહેર દક્ષિણ પોલીસે જડપી પાડી હતી અને અજરુદ્દીન, ફકિરમહંદ અને ઇમરાન નામના ત્રણ તસ્કરોની ધરપકડ કરાઇ હતી.
23 જાન્યુઆરી 2021ના દિવસે પણ ડીસા માર્કેટયાર્ડ ત્રણ રસ્તા પાસેથી પશુ તસ્કરી કરી રહેલ એક ટ્રક પકડીને એમાથી 258 ઘેટાં બકરાઓને મુક્ત કરાવાયા હતા. જેમાં સાત લોકો સામે ગુનો નોંધાયો હતો.