મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે વધુ એક બળજબરીથી ધર્માંતરણ કરાવવાનો મામલો સામે આવ્યો છે. અહીં ખલીલ નામના એક શખ્સ સામે હિંદુ મહિલાએ 9 વર્ષ સુધી લગ્નની લાલચ આપીને શારીરિક સબંધ બાંધવાનો અને ગૌમાંસ ખવડાવીને ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત, હવે તેનો પુત્ર પણ તેને બ્લેકમેલ કરી રહ્યો હોવાનો આરોપ છે.
પીડિત મહિલાનો આરોપ છે કે ખલીલે તેને લગ્નની લાલચ આપીને શારીરિક સબંધો બાંધ્યા હતા અને તેના વિડીયો પણ ઉતારી લીધા હતા. ત્યારબાદ તેને ગૌમાંસ ખવડાવીને ધર્મપરિવર્તન કરાવી લીધું હતું તેમજ નામ પણ બદલી નાંખ્યું હતું. ત્યારબાદ તેને ઘરેથી ભગાવી મૂકી હતી. હવે પીડિતાએ સ્થાનિક પોલીસ અને ભોપાલ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, પીડિતા સિંગરોલીની રહેવાસી છે અને વર્ષ 2012માં 17 વર્ષની ઉંમરે પોલીસ અધિકારીની પરીક્ષાની તૈયારી માટે ભોપાલ રહેવા આવી હતી. પૈસાની અછતના કારણે તે ભણતર સાથે એક બાઈકના શૉરૂમમાં પણ કામ કરતી હતી. જ્યાં તેની મુલાકાત ખલીલ સાથે થઇ હતી.
ખલીલે ધીમેધીમે યુવતીને જાળમાં ફસાવીને લગ્ન કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને ત્યારબાદ તેના માટે એક ફ્લેટ ભાડે લઈને તેને ત્યાં રહેવા મોકલી દીધો હતી. ત્યાં જ તેણે તેની સાથે પહેલી વખત શારીરિક સબંધ બાંધ્યા હતા અને તેનો વિડીયો પણ બનાવી લીધો હતો.
અહેવાલ અનુસાર, પીડિતા ગર્ભવતી થતાં ખલીલે તેને લગ્ન કરવાનું આશ્વાસન આપીને તેના પરિવારને મળવા માટે લઇ ગયો હતો અને ત્યાં તેને માંસ ખવડાવ્યું હતું. ત્યારબાદ તેણે ખુલાસો કર્યો હતો કે તે માંસ ગાયનું હતું અને હવે તેનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું છે. ત્યારબાદ તેનું નામ પણ બદલી નાંખવામાં આવ્યું હતું. ત્યાંથી પરત ફર્યા બાદ તેણે યુવતીને ગોળી ખવડાવીને ગર્ભપાત કરાવી દીધો હતો. પીડિતાએ કહ્યું કે, તેનાં થોડાં વર્ષો બાદ ખલીલે તેને મારપીટ કરીને ઘરેથી ભગાવી દીધી હતી.
યુવતીએ હવે ખલીલનો પુત્ર પણ તેને બ્લેકમેલ કરી રહ્યો હોવાનું જણાવ્યું છે. તેની પાસે તેના રેપના વિડીયો છે, જેના જોરે તે પીડિતા પર શારીરિક સબંધ બાંધવાનું દબાણ કરી રહ્યો હોવાનો આરોપ છે. તેણે તેને ધમકી પણ આપી હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવી છે.
રેપ અને ધર્માંતરણ મામલે ફરિયાદ નોંધાયા બાદ ભોપાલ પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, આ કેસ 10 વર્ષ જૂનો છે, જેના કારણે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.