તિહાડ જેલમાં બંધ કેજરીવાલ સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મસાજ અને ઘરના ભોજન સાથે વીઆઈપી સગવડો મેળવતા હોવાનો ઇડીએ ખુલાસો કર્યા બાદ હવે જેલની બહાર ‘કેજરીવાલ મસાજ સેન્ટર’નાં પોસ્ટરો લાગ્યાં છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ છે.
thankyou @ArvindKejriwal ji pic.twitter.com/cID8pfS9m2
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) November 2, 2022
તસ્વીરમાં જોવા મળે છે કે તિહાડ જેલના ગેટ નંબર 1 ની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. જેમાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ એક વ્યક્તિને મસાજ કરી આપતા નજરે પડે છે. પોસ્ટરના એક ખૂણામાં મોટા અક્ષરે ‘કેજરીવાલ મસાજ સેન્ટર’ લખવામાં આવ્યું છે.
‘કેજરીવાલ મસાજ સેન્ટર’નાં પોસ્ટરો શૅર કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા તેજિન્દર પાલ સિંઘ બગ્ગાએ દિલ્હી સીએમ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, “દિલ્હીના સીએમ બહુ સારા માણસ છે. તેમણે નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને તિહાડ જેલની અંદર મસાજ સેન્ટર ખોલી દીધું છે. તેઓ વીઆઈપી કલ્ચરની વિરુદ્ધમાં છે, તેથી સામાન્ય માણસને પણ મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ? તેથી અમે તિહાડ જેલની બહાર પોસ્ટર લગાવી દીધાં છે, જેથી સામાન્ય માણસ પણ મસાજ લઇ શકે.”
ઉલ્લેખનીય છે કે ઇડીએ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે, જેલના સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે સત્યેન્દ્ર જૈનને જેલમાં તમામ વીઆઈપી સુવિધાઓ મળે છે તેમજ જેલ સુપ્રિટેન્ડેન્ટ રોજ તેમની મુલાકાત પણ લે છે. એટલું જ નહીં, પરંતુ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી આપ નેતા રોજ ઘરથી ભોજન પણ મંગાવતા હોવાનું જણાવ્યું હતું.
એજન્સી અનુસાર, સત્યેન્દ્ર જૈનના પત્ની પૂનમ જૈન પણ અનેક વખત જેલમાં જઈને તેમની મુલાકાત લેતાં રહે છે. જે જેલના નિયમોની વિરુદ્ધ છે. ઉપરાંત, તેઓ કેસના અન્ય આરોપીઓ અંકુશ જૈન અને વૈભવ જૈનને પણ જેલમાં મળતા હોવાનો આરોપ ઇડીએ લગાવ્યો હતો.
આ ઉપરાંત, સત્યેન્દ્ર જૈન અન્ય એક કેસમાં પણ ચર્ચામાં આવ્યા છે. તિહાડ જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ખુલાસો કર્યો છે કે જેલમાં હતો તે દરમિયાન તેણે પ્રોટેક્શન મની તરીકે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમજ તેણે પાર્ટીને પણ 50 કરોડ રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું કે, આપ નેતા સત્યેન્દ્ર જૈને તેને દક્ષિણ ભારતમાં પાર્ટીનો મોટો નેતા બનાવવાનો વાયદો કર્યો હતો. આ મામલે ઉપરાજ્યપાલને પત્ર લખવામાં આવ્યો છે.