રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખરા અર્થમાં રાષ્ટ્રભક્ત ગણાવ્યા છે. તેમના કહેવા અનુસાર ભારતે જે રીતે પોતાની સ્વતંત્ર વિદેશનીતિ અપનાવી છે અને તેનું ખરેખર પાલન કરી રહ્યું છે તેની પ્રશંસા થાય તેટલી ઓછી છે. વ્લાદિમીર પુતિન મોસ્કોમાં વાલ્દાઈ ક્લબ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યાં હતાં.
પુતિને ભારતને એક બ્રિટીશ કોલોનીમાંથી હાલ સુધીના કરેલા વિકાસની પણ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ભારતે આ માટે એક લાંબી મજલ કાપી છે. અમારા સબંધો અત્યંત મજબૂત છે અને ગમે તેટલી મુશ્કેલભરી સ્થિતિ આવી છે પરંતુ અમે એકબીજાને સતત સમર્થન આપ્યું છે. ભારત અને રશિયા વચ્ચે હાલમાં કોઈજ વિવાદિત મુદ્દાઓ નથી તેમ પણ તેમણે કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં પુતિને આગળ કહ્યું હતું કે “મોદી ખરા અર્થમાં રાષ્ટ્રભક્ત છે, ભારતે તેમના નેતૃત્વમાં ખૂબ પ્રગતી કરી છે. તેમનો મેઇક ઇન ઇન્ડિયાનો પ્રયાસ એ અત્યંત નોંધપાત્ર પ્રયાસ છે.” મેઇક ઇન ઇન્ડિયા હેઠળ ભારતે ઘણું કાર્ય કર્યું છે અને તેને કારણે દેશનો વિકાસ થયો છે તેમ વ્લાદિમીર પુતિને આગળ જણાવ્યું હતું.
#Putin: We have special ties with #India that are build on the foundation of the really close allied relations lasted for decades#Russia’n President at the Valdai International Discussion Club meeting ➡️ https://t.co/WV47FL0cpH https://t.co/IYbM1iLpza pic.twitter.com/BBHrdZKEjQ
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) October 27, 2022
અમેરિકા અને અન્ય પશ્ચિમી રાષ્ટ્રોની આકરી ટીકા કરતાં વ્લાદિમીર પુતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “તેઓ એક ગંદી, ખતરનાક અને લોહિયાળ રમત રમી રહ્યાં છે, કારણકે તેમની ઈચ્છા આખા વિશ્વ પર કાબુ મેળવવાની છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો ભારત માટે અર્થસંગત અને નીતીસંગત એમ બંને હોવાનું કહેતા પુતિને ઉમેર્યું હતું કે દુનિયાનું ભવિષ્ય ભારત પર નભે છે. ભારતે આ અંગે તેમજ વિશ્વનાં સહુથી વિશાળ લોકતંત્ર તરીકે ગર્વ અનુભવવો જોઈએ.
વ્લાદિમીર પુતિને નરેન્દ્ર મોદી ખરા અર્થમાં રાષ્ટ્રભક્ત હોવાનું એટલા માટે કહી રહ્યાં છે કારણકે રશિયા અને યુક્રેન યુદ્ધ બાબતે ભારતે હંમેશા તટસ્થ વલણ દર્શાવ્યું છે અને UNમાં તેણે કાયમ આ યુદ્ધ બાબતે આવેલા મતદાનથી દૂર રહેવાનાં નિર્ણયો લીધા છે. આ ઉપરાંત ભારતે પશ્ચિમી રાષ્ટ્રોના દબાણ હેઠળ ન આવી જઈને રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ખરીદવાનું નક્કી પણ કર્યું અને તેનો અમલ પણ કરી દીધો હતો.
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ SCO બેઠકમાં પણ વ્લાદિમીર પુતિનને જાહેરમાં સમજાવ્યા હતાં કે યુદ્ધથી કોઈનું ભલું નથી થતું જેની પ્રશંસા પશ્ચિમના આગેવાનો તેમજ મીડીયાએ પણ કરી હતી.