વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિવાળીની ઉજવણી કરવા માટે કારગિલમાં આવેલ દ્રાસ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતીય સેનાના જવાનો સાથે મુલાકાત કરી તેમને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. અહીં પીએમ મોદીએ જવાનો સાથે ‘વંદે માતરમ’ પણ ગાયું હતું તો જવાનોને સંબોધન પણ કર્યું હતું.
#WATCH | PM Narendra Modi distributes sweets among army soldiers and interacts with them in Kargil on #Diwali
— ANI (@ANI) October 24, 2022
(Source: DD) pic.twitter.com/LOuW1jU1Jc
પીએમ મોદીએ કહ્યું કે, પરાક્રમ અને શૌર્યથી સિંચિત કારગિલની માટીને નમન કરવાનો ભાવ આ વીર દીકરા-દીકરીઓ સુધી ખેંચી લાવે છે. તેમણે જવાનોને કહ્યું કે, મારા માટે વર્ષોથી તમે બધા જ મારો પરિવાર રહ્યા છો અને મારું સૌભાગ્ય છે કે વર્ષોથી તમારી વચ્ચે દિવાળી મનાવવાનો અવસર મળે છે.
પીએમ મોદી આગળ કહે છે કે, દિવાળીનો અર્થ થાય છે કે આતંકના અંતનો ઉત્સવ. આ જ કારગિલે કર્યું હતું. કારગિલમાં આપણી સેનાએ આતંકની ફેણ કચડી નાંખી હતી અને એ દિવાળી પર જે ઉજવણી થઇ હતી તેને આજે પણ લોકો યાદ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, કારગિલ યુદ્ધ દરમિયાન તેમને પણ જવાનો વચ્ચે આવવાની તક મળી હતી, જે આજે પણ તેમને યાદ છે.
વડાપ્રધાને કહ્યું કે, ભારત એક ભૌગિલિક ભૂખંડ માત્ર નથી પરંતુ એક જીવંત વિભૂતિ, ચિરંતર ચેતના અને અમર અસ્તિત્વ છે. તેમણે કહ્યું કે, કારગિલનું કુરુક્ષેત્ર સેનાના પરાક્રમનું સાક્ષી રહ્યું છે. આ દ્રાસ, બટાલિક અને ટાઇગર હિલ એ બાબતના સાક્ષી છે કે પહાડોની ઊંચાઈએ બેઠેલો દુશમન પણ ભારતીય સેનાના ગગનચુંબી સાહસ અને શૌર્ય આગળ વામણો પડી જાય છે. તેમણે કહ્યું કે, જે દેશના સૈનિકોનું શૌર્ય આટલું અનંત હોય તે રાષ્ટ્રનું અસ્તિત્વ અમર અને અટલ જ રહે છે.
પીએમ મોદીએ જવાનો વચ્ચે કહ્યું કે, આજે દેશ ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં વર્ષો સુધી ‘રાજપથ’ ગુલામીનું પ્રતીક બની રહ્યો, પરંતુ હવે તે ‘કર્તવ્ય પથ’ તરીકે નવા ભારતના નવા વિશ્વાસને આગળ વધારી રહ્યો છે. તો ઇન્ડિયા ગેટની સામે ગુલામીના પ્રતીકને હટાવીને ત્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય અને વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે આપણું માર્ગદર્શન કરતી રહેશે. તેમણે નેશનલ વૉર મેમોરિયલ, રાષ્ટ્રીય પોલીસ માર્ગ અને આ તીર્થો નવા ભારતની ઓળખ બની ચૂક્યાં છે.
તેમણે કહ્યું કે, થોડા સમય પહેલાં ભારતે ગુલામીના પ્રતીકમાંથી નૌસેનાને પણ મુક્ત કરી છે. હવે નૌસેનાના ધ્વજ સાથે વીર શિવાજીના શૌર્યની પ્રેરણા જોડાઈ ગઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે સમગ્ર વિશ્વની નજર ભારતના વધતા સામર્થ્ય ઉપર છે. કારણ કે ભારતની શક્તિ વધે તો શાંતિ સ્થપાય છે, ભારતની સમૃદ્ધિથી સંભાવનાઓ વધે છે અને સમગ્ર વિશ્વમાં સંતુલન આવે છે.