પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલના ભગવદ ગીતા વિશેના વિવાદાસ્પદ નિવેદનનો દેશભરમાંથી વિરોધ થઇ રહ્યો છે. પાટીલે એક કાર્યક્રમમાં બોલતી વખતે કહ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીતામાં જેહાદ કરવાનું કહ્યું હતું. હવે આ અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, આ કોઈ એક નિવેદન નથી, પરંતુ તેમની વિચારધારા છે. આ વિચારધારાને ઓળખી લેવાનો સમય આવી ગયો છે.
એક લોકાર્પણ કાર્યક્રમમાં બોલતી વખતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ક્યારેક આમ આદમી પાર્ટીના નેતા તો ક્યારેક કોંગ્રેસના નેતા, ક્યારેક મંદિરે ન જવું, કથામાં ન જવું, ક્યારેક મહાભરત પર ટિપ્પણી કરીને, અલગ-અલગ રીતે આસ્થાને ઠેસ પહોંચાડવાનું કારણ બને છે. પહેલાં ભગવાન રામના ભક્તોને અને હવે ભગવદ ગીતા અને મહાભારતને અલગ-અલગ વિષયો સાથે જોડવું યોગ્ય નથી. કોઈ પણ નેતાએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.
તેમણે કહ્યું કે, જે રીતે આજે ભગવાન કૃષ્ણના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન થયો છે, તેને વખોડી કાઢવું જોઈએ અને અને હું તેને વખોડી કાઢું છું.
તેમણે કહ્યું કે, જ્યારે-જયારે ગુજરાતની ચૂંટણી આવે ત્યારે દેશની તમામ તાકાતો ગુજરાતીઓની આસ્થાને ઠેસ પહોંચાડવામાં લાગી પડે છે. એક વડીલ વ્યક્તિ આ પ્રકારનું નિવેદન કરે તો એ અતિ નિંદનીય બાબત છે. દેશમાં વિકાસની રાજનીતિ થઇ રહી હોય, કેન્દ્ર સરકાર અને નાગરિકો દેશને અલગ દિશામાં લઇ જવા માટે એક થઈને પ્રયાસો કરતા હોય ત્યારે આ પ્રકારના નિવેદનો આપવામાં કેમ આવે એ વિચારવા જેવી બાબત છે.
તેમણે કહ્યું કે, તમામ નાગરિકોએ આવા લોકોને ઓળખવા જોઈએ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, આ તેમની વિચારધારા છે, માત્ર એક નિવેદન નથી. તેઓ રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ બોલાય જ જાય છે. પરંતુ હવે આ વિચારધારાને ઓળખી લેવાનો સમય આવી ગયો છે.
શિવરાજ પાટીલ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહસીના કીડવાઈ દ્વારા લખેલા પુસ્તકના અનાવરણ સમારોહમાં આ પ્રમાણે બોલી રહ્યા હતા ત્યારે મંચ પર જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા પણ હાજર હતાં. પોતાના પ્રવચનમાં પૂર્વ ગૃહમંત્રીએ કહ્યું હતું કે “એમ કહેવાય છે કે ઇસ્લામ ધર્મમાં જેહાદની ખુબ ચર્ચા છે. સંસદમાં અમે જેહાદ માટે કામ નથી કરતાં પરંતુ વિચાર માટે કામ કરતાં હોઈએ છીએ.”
My senior colleague Shivraj Patil reportedly made some comments on Bhagavad Gita that’s unacceptable. Subsequently, he clarified. @INCIndia’s stand is clear. Bhagavad Gita is a key foundational pillar of Indian civilisation. Here’s an excerpt from Nehru’s Discovery of India(p110) pic.twitter.com/rarJub7xTy
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 21, 2022
બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ શિવરાજ પાટીલના નિવેદનથી કિનારો કરી લીધો છે. પાર્ટીના કોમ્યુનિકેશન ઇન્ચાર્જ જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું કે, શિવરાજ પાટીલની ટિપ્પણીને પાર્ટીનું સમર્થન નથી. તેમણે એમ પણ કહ્યું કે, ભગવદ ગીતા ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ છે.