26/11ના કુખ્યાત આતંકવાદી હુમલા દરમ્યાન દેશની સુરક્ષાની જવાબદારી તેમજ ટકોરાબંધ ઈન્ટેલીજન્સની જવાબદારી જેમના શિરે હતી એવા એ સમયના ભારતના ગૃહમંત્રી શિવરાજ પાટીલે ગઈકાલે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભગવદ ગીતા અંગે નિવેદન આપીને વિવાદ છેડી દીધો છે. શિવરાજ પાટીલે કહ્યું છે કે ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને જીહાદ કરવાનું કહ્યું હતું.
શિવરાજ પાટીલ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહસીના કીડવાઈ દ્વારા લખેલા પુસ્તકના અનાવરણ સમારોહમાં આ પ્રમાણે બોલી રહ્યાં હતાં ત્યારે મંચ પર જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા પણ હાજર હતાં. પોતાના પ્રવચનમાં પૂર્વ ગૃહમંત્રીએ કહ્યું હતું કે “એમ કહેવાય છે કે ઇસ્લામ ધર્મમાં જેહાદની ખુબ ચર્ચા છે. સંસદમાં અમે જેહાદ માટે કામ નથી કરતાં પરંતુ વિચાર માટે કામ કરતાં હોઈએ છીએ.”
#WATCH | It's said there's a lot of discussion on Jihad in Islam… Even after all efforts, if someone doesn't understand clean idea, power can be used, it's mentioned in Quran & Gita… Shri Krishna taught lessons of Jihad to Arjun in a part of Gita in Mahabharat: S Patil, ex-HM pic.twitter.com/iUvncFEoYB
— ANI (@ANI) October 20, 2022
ત્યારબાદ શિવરાજે આગળ દાવો કર્યો હતો કે ફક્ત કુરાન જ નહીં પરંતુ ગીતાના એક ભાગમાં શ્રી કૃષ્ણે પણ અર્જુનને જેહાદની વાત કરી છે. આ ફક્ત કુરાન કે ગીતાની વાત નથી પરંતુ ખ્રિસ્તી ધર્મમાં પણ આ વાત કરવામાં આવી છે. ખ્રિસ્તીઓએ પણ લખ્યું છે કે તેઓ ફક્ત શાંતિ સ્થાપિત કરવા નથી આવ્યા પરંતુ સાથે તલવારો પણ લાવ્યા છે. જેનો મતલબ એવો થયો કે જ્યારે બધું સમજાવ્યા પછી પણ કોઈ હથીયાર લઈને આવી રહ્યું છે તો તમે ભાગી શકતા નથી.
ભારતીય જનતા પાર્ટીએ શિવરાજ પાટીલના આ નિવેદનનો આકરો વિરોધ કર્યો છે. પક્ષના પ્રવક્તા શેહઝાદ પુનાવાલાએ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે એક તરફ પોતાને જનેઉધારી કહેતી આ જ કોંગ્રેસે હિંદુ આતંકવાદની થીયરીને જન્મ આપ્યો હતો, રામ મંદિરનો વિરોધ કર્યો હતો એટલુંજ નહીં પરંતુ તેમના અસ્તિત્વ પર પણ પ્રશ્નાર્થ ઉભો કરી દીધો હતો.
પુનાવાલાએ આગળ જણાવ્યું હતું કે કોંગ્રેસની હિંદુઓ પ્રત્યેની આ નફરત કોઈ સંયોગ નથી પરંતુ આ વોટ બેંકનો એક પ્રયોગ છે. ગુજરાતની ચૂંટણીઓ અગાઉ મતોનું ધ્રુવીકરણ કરવા માટે જાણીજોઈને આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોવાનું તેમજ ગુજરાતની જનતા કોંગ્રેસને જરૂર પાઠ ભણાવશે તેમ તેમણે કહ્યું હતું.
શિવરાજ પાટીલ દેશના ગૃહમંત્રી હોવા ઉપરાંત મહારાષ્ટ્રના લાતુરથી કોંગ્રેસના સંસદ સભ્ય પણ રહી ચુક્યા છે. જો કે 2014થી જ લાતુર બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. શિવરાજ પાટીલ 1980 બાદ લગભગ દરેક કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે અને 2008માં તેઓ ગૃહમંત્રી રહ્યાં હતાં.
હજી થોડા દિવસો અગાઉ જ મહારાષ્ટ્રના જ વરિષ્ઠ કોંગ્રેસી નેતા નાના પટોળે તેમજ રાજસ્થાનના મંત્રી મીણાએ રાહુલ ગાંધીની સરખામણી ભગવાન શ્રીરામ સાથે કરી હતી ત્યારે પણ ભારે વિવાદ સર્જાયો હતો.