આવનારું એક વર્ષ, એમ ગણોને આજથી જ એક આખું વર્ષ ક્રિકેટમાં જબરા ધૂમધડાકા લઈને આવવાનું છે. આ ધૂમધડાકાનો પહેલો ધડાકો ગઈકાલે BCCIના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ બોર્ડ ACBના ચેરમેન જય શાહે કરી દીધો છે.
વાત એમ છે કે ત્રણેક દિવસ પહેલાં પાકિસ્તાની મીડિયામાં, નોંધવાની વાત એ છે કે ભારતીય મીડીયાએ આ વાત પાકિસ્તાની મીડિયામાં ફેલાયા બાદ ધ્યાને લીધી હતી, એક ઉત્સાહનું વાતાવરણ અચાનક જ ફેલાઈ ગયું હતું. વાત એમ હતી કે BCCIના ‘સુત્રોના’ હવાલેથી પાકિસ્તાની મીડીયાએ સમાચાર ફેલાવ્યા કે આવતે વર્ષે પાકિસ્તાનમાં રમાનાર એશિયા કપમાં ભારત રમવા આવશે. બસ એટલીને વાત અને પાકિસ્તાનમાં મીઠાઈઓ વહેંચાવા લાગી.
ઘણાબધા પાકિસ્તાની યુટ્યુબરો અને એન્કર્સ ઉપરાંત એક્સપર્ટ્સ પણ રાવલપીંડીમાં જ્યારે પાકિસ્તાન અને ભારતનો મુકાબલો થશે ત્યારે આહાહાહાહા કેવું વાતાવરણ હશે એની કલ્પનાનો સાગર વહેવડાવવા લાગ્યાં. તો આમાંથી અમુક તો પોતે દોડીને વિરાટ કોહલીનો ઓટોગ્રાફ લેશે એવું દિવાસ્વપ્ન પણ જોવા લાગ્યા. ભારતીય મીડિયામાં થોડો સમય રહીને અને તેને બહારથી નીરખીને એટલી ખબર તો પડી જ છે કે જ્યારે સુત્રોને ટાંકીને કોઈ સમાચાર જોવા, વાંચવા કે સાંભળવા મળે ત્યારે તેના પર એક ટકાનો પણ વિશ્વાસ ન થાય.
જ્યારે અહીં તો પાકિસ્તાનીઓએ સુત્રોના હવાલેથી કોઈ લગ્નના મળેલા સમાચાર સાંભળીને કાલ્પનિક નવદંપતીના પ્રથમ સંતાનનું નામ પણ પાડી દીધું. ગઈકાલે જય શાહે આ તમામ હવાઈકિલ્લાઓ પર પાણી ફેરવી દીધું જ્યારે તેમણે ACCના ચેરમેનની રુએ જણાવ્યું કે ભારતીય ટીમ આવતે વર્ષે પાકિસ્તાનમાં રમનારા એશિયા કપમાં રમવા માટે પાકિસ્તાન નહીં જાય અને આ સ્પર્ધા કોઈ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે.
હવે જે ઘટનાને કોઈ તળિયું જ ન હતું એ ઘટના સાચી જ પડવાની છે એવી કલ્પનામાં રાચતા પાકિસ્તાની એન્કર્સ, પૂર્વ ક્રિકેટર્સ અને યુટ્યુબર્સને જોર કા ઝટકા એકદમ ઝોરથી લાગ્યો. અને પછી જેમ થાય છે એમ પાકિસ્તાનીઓ બકવાસ પર ઉતરી આવ્યા. જોઈતી અક્કલ અને પુરતી માહિતી હોય કે ન હોય તો પણ દરેક વાતમાં પોતાનું નાક ખોંસી દેવાની આદત ધરાવતા શાહિદ આફ્રીદીએ નવો જ તર્ક લડાવતાં કહ્યું કે અત્યારે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે એવા સમયે જય શાહે આ પ્રકારની જાહેરાત કરીને બંને બોર્ડની દોસ્તી નિભાવી છે!
When excellent comradery between the 2 sides in the past 12 months has been established that has created good feel-good factor in the 2 countries, why BCCI Secy will make this statement on the eve of #T20WorldCup match? Reflects lack of cricket administration experience in India
— Shahid Afridi (@SAfridiOfficial) October 18, 2022
કુછ ભી? મતલબ કશું પણ કહેવાનું તમારી અટકળ ઉંધા મોઢે પડે એટલે? જય શાહે જે કહ્યું એ ACCના ચેરમેન તરીકે ભલે કહ્યું હોય પરંતુ તેઓ BCCIના સેક્રેટરી પણ છે અને તેમણે ભારત સરકારની પાકિસ્તાન નીતિને ફોલો કરવાની હોય છે. એ વાત દીવા જેવી સ્પષ્ટ છે કે જ્યાં સુધી પાકિસ્તાન ભારતમાં આતંકવાદ એક્સપોર્ટ કરવાનું બંધ નહીં કરે ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય ક્રિકેટ નહીં જ રમે. તેમ છતાં એક કપોલકલ્પિત અટકળને સાચી માનીને તમે ઉત્સવ મનાવવા લાગો તો એમાં વાંક જય શાહનો કે BCCIનો નથી પરંતુ વાંક તમારો છે.
સઈદ અનવર જેવા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ તો એવું નિવેદન આપી દીધું કે જો ભારત એશિયા કપમાં રમવા આપણે ત્યાં ન આવે તો 2023ના પચાસ ઓવરના વર્લ્ડ કપની યજમાની ભારત પાસેથી છીનવી લઇ ક્યાંક અન્ય ખસેડવાનો આગ્રહ PCBએ ICCને કરવો જોઈએ. અગેઇન કુછ ભી? સઈદ અનવરને ખબર નથી કે પછી એણે ખબર રાખી નથી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભારતના પૈસે ચાલે છે. એક જમાનો હતો કે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ફક્ત એમની ચામડીના રંગને કારણ બતાવીને હવામાં ઉડતાં હતાં પરંતુ છેલ્લા બે દાયકાથી ભારતીય જાહેરાતો અને સ્પોન્સર્સના આધારે જ ક્રિકેટ ચાલે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચાલો રમીઝ રાજા જેવા ‘ભોળા’ (?) ચેરમેન હોવાને નાતે સઈદ અનવરની વાત માની લઈને ICCને કહી પણ દે પરંતુ શું ICC આ વાત માનશે? બિલકુલ નહીં માને. ઉલટું જો PCB એમ કહી દે કે 2023નું વેન્યુ ફેરવો નહીં તો અમે નથી રમતાં તો કદાચ ICC એટલી વાત માની પણ લે કે ભલે તમે ન આવતા બાકી વર્લ્ડ કપ તો ભારતમાં જ રમાશે તો ઓલરેડી ખોટ ખાઈ રહેલાં PCBની હાલત વધુ ખરાબ થઇ જશે કારણકે વર્લ્ડ કપ રમવા માટે ICC જે નાણા પાકિસ્તાનને આપે છે એ નહીં આપે અને ICCની ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાને લીધે કદાચ એકાદ બે વર્ષનો પ્રતિબંધ પણ PCB પર મુકાઈ જાય.
હવે આ પ્રતિબંધ એટલે ફક્ત દ્વિપક્ષીય ટેસ્ટ, વનડે કે T20 રમવા જેટલો ટૂંકો નહીં હોય. પરંતુ પ્રતિબંધના સમયગાળા દરમ્યાન રમાનારી તમામ ICC ટુર્નામેન્ટ્સ પણ નહીં રમવામાં આવે જેમાં ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ સામેલ છે જે સળંગ બે વર્ષ ચાલતી હોય છે. આ ઉપરાંત IPLથી પણ બહેતર હોવાનું રમીઝ રાજા મનમાં માને છે એ પાકિસ્તાન સુપર લીગ PSLમાં રમવા માટે કોઇપણ બોર્ડ પોતાના ખેલાડીઓ મોકલી નહીં શકે, પરિણામે PSLની બજાર કિંમત તળીએ આવી જશે.
તો શું ફક્ત વટ રાખવા માટે પાકિસ્તાન આવતે વર્ષે ભારતમાં રમનારા વર્લ્ડ કપનો બોયકોટ કરશે? કદાચ PCB બોયકોટ તો નહીં કરે પરંતુ ‘સુરક્ષાનું કારણ’ જેવું રૂપાળું નામ આપીને પ્રતિબંધથી બચી જવાનો કારસો જરૂર કરશે. તો પણ ભોગવવાનું તો PCB એ જ આવશે, કારણકે હાલમાં જે રીતે ક્રિકેટ રમાઈ રહ્યું છે એક વખત ભારત જો કોઈ ટુર્નામેન્ટ ન રમે તો એવું જરૂર લાગશે કે ભારત વગર મજા ન આવી પરંતુ જો પાકિસ્તાન વર્લ્ડ કપ નહીં રમે તો એવું બિલકુલ નહીં લાગે કે પાકિસ્તાન હોત તો જરા મજા રહેત.
ટૂંકમાં કહીએ તો PCB એ હાલતમાં નથી કે તે જય શાહે જે કહ્યું એનો જમીન પર વિરોધ કરી શકે અથવાતો સઈદ અનવરે કહ્યું એવું કરી બતાવે. જો એવું કરશે તો એ પગ પર કુહાડી નહીં મારે પણ કુહાડી પર પગ મારી બેસશે. આપણે ત્યાં કહેવત છે કે સત્તા આગળ શાણપણ નક્કામું, અને ક્રિકેટની સત્તા અત્યારે BCCI પાસે છે એટલે એની સામે દોઢડાહ્યા થયા વગર PCBએ ફક્ત ટોકન વિરોધ દેખાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવામાં જોતરાઈ જવું જોઈએ.