કર્ણાટકની મેંગલુરુ કોર્ટે મલાલી વિવાદિત માળખાની સુનાવણી 9 નવેમ્બર, 2022 સુધી મુલતવી રાખી છે. મેંગલુરુની બહાર એક જૂની મસ્જિદ ખોદતા મંદિર નીકળ્યું હોવાની વાત વાયુ વેગે પ્રસરી ગઈ હતી, દરમિયાન મેંગલુરુ કોર્ટે મલાલી મસ્જિદ નીચે હિંદુ મંદિર જેવી આર્કિટેક્ચરલ ડિઝાઈન મળી આવ્યા બાદ આ વર્ષે એપ્રિલમાં કેસની સુનાવણી શરૂ કરી હતી. આ આર્કિટેક્ચરલ ડિઝાઇન જુમા મસ્જિદમાં નવીનીકરણના કામ દરમિયાન મળી આવી હતી.
મસ્જિદ ખોદતા મંદિર નીકળ્યું હોવાની વાત જાહેર થયા બાદ હિન્દુ સંગઠનોના કાર્યકરોએ ચિંતા વ્યક્ત કરી હતી અને તપાસની માંગ કરી હતી. જેના જવાબમાં મસ્જિદ મેનેજમેન્ટ કમિટીએ એડિશનલ સિવિલ કોર્ટમાં કાઉન્ટર અરજી દાખલ કરી હતી. મસ્જિદ સમિતિના વકીલે દલીલ કરી હતી કે મસ્જિદ વક્ફ બોર્ડની મિલકત છે. આ સાથે જ તેમણે હિંદુઓની અરજીને ફગાવી દેવાની માંગ પણ કરી હતી. તો બીજી તરફ બીજેપી ધારાસભ્ય ભરત શેટ્ટીએ ASI દ્વારા સ્થળના સર્વેની માંગ કરી અને આ ઘટનાને સામાજિક મુદ્દો ગણાવ્યો હતો.
Mangaluru court to deliver its verdict on Malali mosque row. Here’s all you need to know #Karnataka #Mangaluru #MalaliMosqueRow pic.twitter.com/np4l5fBhKa
— News18 (@CNNnews18) October 17, 2022
નોંધનીય છે કે એપ્રિલ 2022 માં મસ્જિદની અંદરથી હિંદુ માળખું હટાવ્યા પછી સ્થાનિક લોકોએ કહ્યું હતું કે આ સ્થળ પર હિન્દુ અથવા જૈન મંદિર અસ્તિત્વમાં હોવાની દરેક સંભાવના છે, કારણ કે આકૃતિઓમાં કળશ, તોમર અને સ્તંભ જણાઈ આવે છે. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નેતાઓએ જિલ્લા વહીવટીતંત્રને દસ્તાવેજોની ચકાસણી ન થાય ત્યાં સુધી કામ રોકવાની અપીલ કરી હતી. આ પછી 25 મે, 2022 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ગંજીમુતમાં શ્રી રામંજનેય ભજન મંદિર તેનકુલીપાડી ખાતે પૂજાની વિધિ એટલે કે ‘તાંબુલા પ્રશ્ને’ કરી હતી. VHP કાર્યકર્તાઓએ મસ્જિદના રીનોવેશન કામ દરમિયાન મળેલા મંદિર જેવી રચનાના વિવાદને ઉકેલવા માટે આ પૂજા કરી હતી.
જયારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હિંદુ સંગઠનોએ સ્થળ પર દેવત્વ સ્થાપિત કરવા માટે ‘કર્મકાંડ’ પણ કર્યો હતો. આના દ્વારા જાણવા મળે છે કે કોઈ ચોક્કસ જગ્યાએ દૈવી શક્તિઓ છે કે નહીં. વીએચપી દ્વારા 25 મેના રોજ તેનકુલીપાડી ખાતે સવારે 8:30 થી 11 વાગ્યા સુધી ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસ કમિશનરે મલાલી ગામમાં જુમા મસ્જિદના 500 મીટરની અંદર કલમ 144 લાગુ કરી હતી. આ સાથે શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા.