Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટક્રિકેટની ચર્ચા હિંસામાં પરિણમી: રોહિત શર્માના પ્રશંસકે આરસીબીની મજાક ઉડાવતાં વિરાટ કોહલીના...

    ક્રિકેટની ચર્ચા હિંસામાં પરિણમી: રોહિત શર્માના પ્રશંસકે આરસીબીની મજાક ઉડાવતાં વિરાટ કોહલીના ફેને માથામાં બેટ મારીને હત્યા કરી નાંખી

    બંને દારૂ પીને ચર્ચા કરતા હતા, વિરાટ કોહલીના ફેનને ગુસ્સો આવતાં પહેલાં શરાબની બોટલ અને પછી માથામાં બેટ મારી દીધી હતી.

    - Advertisement -

    તમિલનાડુમાં બે મિત્રો વચ્ચે ચાલતી ક્રિકેટની ચર્ચા હત્યામાં પરિણમી હતી. બે મિત્રોમાંથી એક વિરાટ કોહલીનો જ્યારે બીજો રોહિત શર્માનો પ્રશંસક હતો. ચર્ચામાં રોહિતના ફેને વિરાટ કોહલી અને તેની આઇપીએલ ટીમ RCBની મજાક ઉડાડતાં ઉશ્કેરાયેલા વિરાટ કોહલીના ફેને માથામાં બેટ મારીને હત્યા કરી નાંખી. આ વિચિત્ર ઘટના હાલ ચારેકોર ચર્ચાનો વિષય બની છે. 

    ઘટના તમિલનાડુના અરિયાલુર જિલ્લાની છે. અહીં એસ ધર્મરાજ અને પી વિગ્નેશ મલ્લુર પાસે આવેલ સિડકો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે ગયા હતા અને દારૂ પીતા-પીતા ક્રિકેટની ચર્ચા કરી રહ્યા હતા. આ બંનેને ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ બાદ પાર્ટી કરવાની આદત હતી. બંનેએ એવી શરત રાખી હતી કે હારનારી ટીમનો સમર્થક પાર્ટીનો ખર્ચ ઉઠાવશે. 

    બંને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન વિગ્નેશે કથિત રીતે આરસીબી અને વિરાટ કોહલીની મજાક ઉડાવી હતી. એવું પણ કહેવાય રહ્યું છે કે ધર્મરાજને બોલવામાં તકલીફ પડતી હતી, જેના કારણે વિગ્નેશ અવારનવાર તેની મજાક ઉડાવતો હતો. પરંતુ આ ચર્ચા દરમિયાન તેણે આરસીબીની સરખામણી તેની તકલીફ સાથે કરતાં ધર્મરાજ ગુસ્સે થઇ ગયો હતો અને પહેલાં શરાબની બોટલ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ માથામાં બેટ મારી દીધી હતી. જેના કારણે વિગ્નેશ મૃત્યુ પામ્યો હતો. વિરાટ કોહલીના ફેને હત્યા કર્યા બાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

    - Advertisement -

    બીજા દિવસે આસપાસના શ્રમિકોએ મૃતદેહ પડેલો જોઈને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે મેળવીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. 

    પોલીસને તપાસ દરમિયાન વિગ્નેશના ફોન રેકોર્ડ તપાસતાં ધર્મરાજ પર શંકા ગઈ હતી. કારણ કે તે અંતિમ વ્યક્તિ હતો જેની સાથે વિગ્નેશે વાત કરી હતી. ત્યારબાદ પોલીસે ધર્મરાજને પકડીને કસ્ટડીમાં લઇ લીધો હતો. 

    પોલીસને તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, મૃતક વિગ્નેશ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સિંગાપોર જવાની યોજના બનાવી રહ્યો હતો. 

    ભારતીય ક્રિકેટ ટીમના હાલના બે પ્રખ્યાત ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના અન્ય ક્રિકેટરોની જેમ દેશભરમાં પ્રશંસકો છે. ઉપરાંત, બંને આઇપીએલમાં જુદી-જુદી ટીમો માટે રમે છે, જેના કારણે તેમના પ્રશંસકોમાં પણ સ્પર્ધા રહે છે. જોકે, ક્રિકેટ અને રાજકારણ જેવા વિષયોમાં બે પક્ષે ઉગ્ર ચર્ચાઓ થાય એ સામાન્ય બાબત છે, પરંતુ આ રીતે ચર્ચા હત્યામાં પરિણમી હોય તેવો આ સંભવતઃ પ્રથમ કિસ્સો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં