ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું સર કલમ કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા નદીમ અન્સારીને અલાહાબાદ હાઇકોર્ટે જામીન આપ્યા છે. શુક્રવારે (14 ઓક્ટોબર 2022) નદીમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, કોર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા.
Allahabad High Court Grants Bail to one Nadeem Ansari who allegedly posted a video on Facebook showing #NupurSharma being beheaded. pic.twitter.com/gXrvqiXW0r
— LawBeat (@LawBeatInd) October 14, 2022
નદીમ અન્સારીએ ફેસબુક પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું શિરચ્છેદ કરતો હોય તેવું બતાવ્યું હતું. આ મામલે તેની સામે આઇપીસીની કલમ 153A, 295A, 505(2) અને આઇટી એક્ટની કલમ 67 હેઠળ કેસ દાખલ થયા બાદ 13 જૂન 2022ના રોજ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ત્યારથી નદીમ જેલમાં બંધ હતો. તેણે હાઇકોર્ટમાં અરજી કરી પોતે નિર્દોષ હોવાનો અને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેના વકીલે કોર્ટને કહ્યું હતું કે, તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે તેનો દુરુપયોગ કરશે નહીં અને કાર્યવાહીમાં સહયોગ આપશે. કોર્ટે તમામ પરિસ્થતિઓ અને તથ્યોને ધ્યાને લઈ નદીમ અન્સારીને જામીન આપ્યા હતા.
ગૌહર ચિશ્તીને નહતા મળ્યા જામીન
અહીં ઉલ્લેખનીય છે કે ગત 13 ઓક્ટોબરના રોજ રાજસ્થાન હાઇકોર્ટે અજમેર દરગાહના ખાદીમ ગૌહર ચિશ્તીન જામીન નામંજૂર કર્યા હતા. ગૌહર ચિશ્તી નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા અને હજારો મુસ્લિમોને ભેગા કરીને ‘સર તન સે જુદા’ના નારા લગાવવા બદલ જેલમાં ધકેલાયો હતો.
તેણે કોર્ટને અરજી કરીને જામીનની માંગ કરી હતી. જોકે, કોર્ટે જામીન રદ કરતાં નોંધ્યું હતું કે, ચિશ્તીના ભડકાઉ અને નફરતભર્યાં નારાના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં મૂકાઈ હતી અને અમરાવતી અને ઉદયપુર જેવા કિસ્સાઓ સહિત આખા દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને પણ અસર પહોંચી હતી. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે, તેની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન સહિતની સામગ્રીથી એ સાબિત થાય છે કે આ બનાવોમાં તે પણ સામેલ હતો.
કોર્ટે કહ્યું કે, પરવાનગી શાંતિપૂર્ણ પ્રદર્શન માટે અને કાયદો-વ્યવસ્થાને અસર ન પહોંચશે તેવી શરતે આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આરોપીએ હાથમાં માઈક લઈને લગભગ 3 હજારની ભીડ સામે મજહબી નારા લગાવ્યા હતા અને ભડકાઉ અને નફરતભર્યું ભાષણ આપ્યું હતું. ત્યારબાદ કોર્ટે તેની જામીન અરજી નકારી દીધી હતી.