ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ ‘સર તન સે જુદા’ના નારા લગાવી લોકોને ભડકાવનાર અજમેર દરગાહના ખાદીમ ગૌહર ચિશ્તીની જામીન અરજી રાજસ્થાન હાઇકોર્ટે ફગાવી દીધી છે. તેની ધરપકડ 14 જુલાઈના રોજ થઇ હતી, ત્યારથી તે જેલમાં બંધ છે.
ગૌહર ચિશ્તીની જામીન અરજી પર સુનાવણી કરતાં કોર્ટે નોંધ્યું કે, ચિશ્તીના ભડકાઉ અને નફરતભર્યાં નારાના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં મૂકાઈ હતી અને અમરાવતી અને ઉદયપુર જેવા કિસ્સાઓ સહિત આખા દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને પણ અસર પહોંચી હતી. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે, તેની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન સહિતની સામગ્રીથી એ સાબિત થાય છે કે આ બનાવોમાં તે પણ સામેલ હતો.
Rajasthan High Court dismisses bail plea filed by #Ajmer Dargah Cleric Gauhar Chisti who allegedly provoked a crowd of 3000 people to raise #SarTanSeJuda slogan against Nupur Sharma. The video of his speech went viral, which allegedly led to Amravati and Udaipur beheading cases. pic.twitter.com/nvPTF0UIho
— LawBeat (@LawBeatInd) October 13, 2022
એડિશનલ એડવોકેટ જનરલની દલીલ ધ્યાને લેતાં કોર્ટે કહ્યું કે, અજમેર દરગાહના ખાદીમ દ્વારા લગાવવામાં આવેલ નારા કન્હૈયાલાલ અને ઉમેશ કોલ્હેની હત્યા માટે જવાબદાર બન્યા હતા અને જો ચિશ્તીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તે સમાજ માટે મોટું જોખમ સર્જશે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પણ અસર પહોંચી શકે છે, તે બાબત નકારી શકાય નહીં.
કોર્ટે કહ્યું કે, પરવાનગી શાંતિપૂર્ણ પ્રદર્શન માટે અને કાયદો-વ્યવસ્થાને અસર ન પહોંચશે તેવી શરતે આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આરોપીએ હાથમાં માઈક લઈને લગભગ 3 હજારની ભીડ સામે મજહબી નારા લગાવ્યા હતા અને ભડકાઉ અને નફરતભર્યું ભાષણ આપ્યું હતું. ત્યારબાદ કોર્ટે તેની જામીન અરજી નકારી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ગૌહર ચિશ્તીની ધરપકડ જુલાઈ મહિનામાં કરવામાં આવી હતી. તેની સામે આઇપીસીની કલમ 506, 504, 188, 149, 143 અને 117 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉદયપુર અને અમરાવતીની ઘટનાઓ બાદ કલમ 115 અને 302 પણ ઉમેરવામાં આવી હતી.
અહીં એ પણ નોંધવું જોઈએ કે, કન્હૈયાલાલની હત્યા બાદ તપાસમાં સામે આવ્યું હતું કે હત્યારાઓમાંથી એક અજમેર દરગાહના ખાદીમ ગૌહર ચિશ્તીને મળ્યો હતો. તે ભડકાઉ ભાષણ આપ્યા બાદ રિયાઝ અત્તારીને મળવા ઉદયપુર ગયો હતો. રિયાઝ અત્તારી કન્હૈયાલાલની હત્યામાં સામેલ હતો. તેની સાથે અન્ય આરોપી ગૌસ મોહમ્મદ હતો. તે બંનેએ કન્હૈયાલાલની દુકાનમાં ઘૂસીને હત્યા કરી નાંખી હતી.