ભાજપ નેતા અને પૂર્વ PAAS કન્વીનર હાર્દિક પટેલના ભૂતકાળના સાથી અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા આ જાહેરાત થાય તેવી શક્યતા છે. હાર્દિક પટેલ આમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.
મોટા સમાચાર: હાર્દિક પટેલના મિત્ર PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી શક્યતા#Gujarat #HardikPatel #alpeshkathiria #bjp #paas #convener #ZEE24Kalak https://t.co/1keCUuM9f9
— Zee 24 Kalak (@Zee24Kalak) October 12, 2022
અહેવાલો મુજબ ચૂંટણી પહેલા ભાજપે હાર્દિક પટેલના એક સમયના સાથે અલ્પેશ કથિરીયાને પાર્ટીમાં લાવવાની તૈયારી ચાલી કરી દીધી છે. હવે આ વાતને થોડી હવા મળી છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલનના કારણે ભાજપ માત્ર 99 બેઠકો પર અટકી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે. તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા. હાર્દિક પટેલ પછી પાટીદાર અનામત આંદોલનના મુખ્ય આગેવાન તરીકે અલ્પેશ કથીરિયાનો ચહેરો જોવા મળ્યો હતો.
અહેવાલોની માનીએ તો આ બાબતે ભાજપે અલ્પેશ કથીરિયા સાથે બેઠક પણ કરી છે. જો બધું યોગ્ય રીતે પર પડે તો ભાજપ કથીરિયાને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ પણ આપી શકે છે.
કથીરિયાનું નિવેદન
મીડિયામાં ફરી રહેલ આ અહેવાલો પર અલ્પેશ કથિરીયાએ ETV BHARAT સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, “ભાજપ દ્વારા સીધી ઓફર આપવામાં આવી નથી, પણ આસપાસના લોકો દ્વારા મને ભાજપમાં જોડાવવાની ઓફર આવી છે, પરંતુ મારી અમુક શરતો છે. તે શરતો પૂર્ણ થશે. તો જ ભાજપમાં જોડાઈશ અને ભાજપમાં જોડાવવા પહેલા આગેવાનો સાથે ચર્ચા કરીને આખરી નિર્ણય કરીશ.”
આમ તેમણે ભાજપમાં જોડાવાની વાતને સંપૂર્ણ રીતે નકારી કાઢી નથી. તો જોવાનું એ રહેશે કે તેમની શરતો શું રહેશે, ભાજપ તેને માનશે કે કેમ અને આ આખું ઓપરેશન ક્યારે પાર પડાશે.
જો અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તો….
અલ્પેશ કથીરિયા આને તેમના સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) નો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો હોલ્ડ છે એ નકારી શકાય નહીં. ગત વિધાનસભા ચૂંટણી હોય કે પછી સુરતની કોર્પોરેશનની ચૂંટણી, જે તે સમયે કોંગ્રેસ અને આપને જે ફાયદો અને ભાજપને જે નુકશાન થયું એ આ PAASને કારણે જ હતું.
હાલમાં આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખુબ જ તાકાત બતાવી રહી છે અને તેમને આશા છે કે અહીંથી તેઓ કેટલીક બેઠકો ખેંચી જશે. પરંતુ એમની આ આશા પાછળનું એક મોટું કારણ ક્યાંકને ક્યાંક PAASનું સમર્થન જ છે. PAASના સમર્થન વિના તેમને મત મેળવવામાં મુશ્કેલીઓ પડી શકે છે.
આ સાથે જ જો અહેવાલો સાચા ઠરે અને અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તો તેમનો પૂરો ખેલ ઊંધો પડી શકે છે. એક તો હાર્દિક પટેલથી વિપરીત અલ્પેશ કથીરિયાની છબી તદ્દન સાફ હોવાના કારણે ભાજપના કાર્યકર્તાઓ પણ તેને વધાવશે અને સાથે PAASના કાર્યકર્તાઓ પણ તેના નિર્ણયને માન આપીને ભાજપને સમર્થન કરશે.
અને જો એક વાર આ વિનિમય થઇ ગયો તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મતદાનમાં મોટા પાયે ફેરફાર થશે. અને શક્ય છે કે ઘણી મીડિયાએ આ વખતે ભાજપને જે ઐતિહાસિક બેઠકો મળતી બતાવી છે તેનથી પણ વધુ બેઠકો સાથે ભાજપ ફરીથી સરકાર બનાવે.
આનો બીજો એક ફાયદો એ થશે કે ભાજપની પરંપરાગત વોટબેન્ક રહેલા પાટીદાર સમાજનો એક નેનો વર્ગ જે ઘણા સમયથી જુદા જુદા કારણોથી ભાજપથી નારાજ ચાલી રહ્યો છે તેને પણ મનાવવામાં અલ્પેશ કથીરિયા ચાવીરૂપ સાબિત થશે.
આમ, જો PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા જો ભાજપમાં જોડાય તો વિધાનસભા ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ અને આપના હિસાબમાં મોટી ભૂલ પડી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ ક્યારે થાય છે અને તેમાં હાર્દિક પટેલનો શું રોલ રહે છે.