Sunday, May 5, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક'અમરેલી સરકારી શાળા-હોસ્પિટલ વગરનો પછાત જિલ્લો': દિલ્હીથી ગુજરાત આવેલા કેજરીવાલના સેનાપતિનો દાવો...

    ‘અમરેલી સરકારી શાળા-હોસ્પિટલ વગરનો પછાત જિલ્લો’: દિલ્હીથી ગુજરાત આવેલા કેજરીવાલના સેનાપતિનો દાવો – જાણીએ સત્ય શું છે

    હવે વિચારવાની વાત એ છે કે રાઘવ ચઢ્ઢાએ જે પણ દાવા કર્યા તેનો ડેટા ક્યાંથી લાવ્યા હશે અથવા તો જો કોઈ સ્થાનિક આપ નેતાએ તેમને બ્રીફ કર્યા હોય આ બાબતે તો તેમનું આવું અર્થહીન બ્રિફિંગ કરવાનું કારણ શું હશે.

    - Advertisement -

    મંગળવાર (11 ઓક્ટોબર) ના દિવસે આમ આદમી પાર્ટીના સાંસદ, ગુજરાત પ્રદેશના સહ-પ્રભારી અને કેજરીવાલના ખુબ જ અંગત ગણી શકાય એવા રાઘવ ચઢ્ઢા ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવ્યા હતા. આ દરમિયાન તેમણે મોટાભાગે સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. પોતાના પ્રવાસ દરમિયાન આપ નેતા રાઘવ ચઢ્ઢાએ અમરેલી જિલ્લા વિષે એવા અનેક દાવાઓ કરી દીધા કે જે ખરેખર ત્યાં રહી રહ્યા છે તે લોકોના પણ ગળે ઉતરે એવા નથી.

    આપ નેતા રાઘવ ચઢ્ઢાએ અમરેલી સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. ચઢ્ઢાએ કહ્યું કે ભાજપે છેલ્લા 27 વર્ષમાં અમરેલી જિલ્લામાં એક પણ હાઈસ્કૂલ, કોલેજ બનાવી નથી. ચઢ્ઢાએ કહ્યું કે જિલ્લામાં એક પણ સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે અમરેલી જિલ્લાને જાણી જોઈને પછાત રાખવામાં આવ્યો હોવાનું જણાય છે.

    આગળ આરોપ લગાવતા ચઢ્ઢાએ કહ્યું હતું કે, અમરેલીના લોકોને એક્સ-રે કરાવવા માટે પણ રાજકોટ જવું પડે છે. અમરેલીમાં 3-4 દિવસોમાં એક જ વાર પીવાનું પાણી મળે છે. અને આ બધી તકલીફોથી કંટાળીને અમરેલીના નાગરિકો જિલ્લો છોડીને હિજરત કરી રહ્યા છે.

    - Advertisement -

    હવે વિચારવાની વાત એ છે કે રાઘવ ચઢ્ઢાએ જે પણ દાવા કર્યા તેનો ડેટા ક્યાંથી લાવ્યા હશે અથવા તો જો કોઈ સ્થાનિક આપ નેતાએ તેમને બ્રીફ કર્યા હોય આ બાબતે તો તેમનું આવું અર્થહીન બ્રિફિંગ કરવાનું કારણ શું હશે.

    ગુજરાતના એક અગત્યના જિલ્લા સામે અકારણ કરવામાં આવેલા આવા નકારાત્મક દાવાઓ બાદ ઑપઇન્ડિયાની ટીમે આ દરેક દાવાનું પોસ્ટમોર્ટમ કર્યું અને તેમાં જે સાચી જાણકારીઓ સામે આવી એ અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ.

    રાઘવ ચઢ્ઢાનો દાવો- જિલ્લામાં હાઈસ્કૂલ નથી;
    હકીકત- હાઈસ્કૂલ જ નહીં, મેડિકલ કોલેજ પણ છે

    આપ નેતા રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે અમરેલી જિલ્લામાં એક પણ સરકારી હાઈસ્કૂલ નથી બનાવાઈ. જયારે અમે આ બાબતે તપાસ કરી તો અમારી સામે આંખો ખોલનારી વિગતો બહાર આવી.

    આ બાબતે ઑપઇન્ડિયા ટીમે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાથે વાત કરી અને સ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો. વેકરીયાએ પુરા પુરાવાઓ અને લિસ્ટ સાથે અમને સંતોષકારક જવાબ આપ્યો.

    કૌશિકભાઈ મુજબ અમરેલી જિલ્લામાં સરકારી હાઈસ્કૂલો જ નહિ પણ સાયન્સ કોલેજો, એગ્રિકલચર કોલેજ, ડેરી સાયન્સ કોલેજ ઉપરાંત એક સરકારી મેડિકલ કોલેજ પણ ચાલી રહી છે. અમારી તપાસમાં અમે જેટલી શાળા કોલેજો શોધી શક્યા તેમનું લિસ્ટ નીચે મુજબ છે, અને શક્ય છે કે આનાથી વધુ શાળા-કોલેજો પણ હોઈ શકે છે જિલ્લામાં.

    અમરેલી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓનું લિસ્ટ

    સરકારી પ્રાથમિક શાળાઓ

    અમરેલી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું લિસ્ટ

    સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ

    જિલ્લામાં આવેલ સરકારી કોલેજોનું લિસ્ટ

    • લીલીયા સરકારી વિનયન કોલેજ
    • બાબરા સરકારી વિનયન કોલેજ
    • જાફરાબાદ સરકારી વિનયન કોલેજ
    • બગસરા સરકારી સાયન્સ કોલેજ
    • અમરેલી સરકારી પોલીટેક્નિક કોલેજ
    • અમરેલી સરકારી એગ્રીકલચર કોલેજ
    • શેડુભાર સરકારી ડેરી સાયન્સ કોલેજ
    • શાંતાબા મેડિકલ કોલેજ
    અમરેલીની સરકારી પોલિટેક્નિક કોલેજ
    અમરેલીની સરકારી મેડિકલ કોલેજ

    રાઘવ ચઢ્ઢાનો દાવો- જિલ્લામાં એક પણ સિવિલ હોસ્પિટલ નથી;
    હકીકત- શાંતાબા જનરલ હોસ્પિટલ સરકારી સિવિલ છે

    રાઘવ ચઢ્ઢા પોતાના અન્ય એક દાવામાં જણાવે છે કે અમરેલી જિલ્લામાં એક પણ સિવિલ હોસ્પિટલ નથી. જયારે ઑપઇન્ડિયાએ આ વાતની તપાસ કરી તો તેમનો આ દાવો પણ ખોટો પડતો દેખાયો.

    શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી સિવિલ

    તપાસ બાદ ઑપઇન્ડિયાને જાણવા મળ્યું કે અમરેલી જિલ્લામાં એક ખુબ અદ્યતન સરકારી સિવિલ હોસ્પિટલ છે જેનું નામ છે ‘શાંતાબા જનરલ હોસ્પિટલ‘. આ હોસ્પિટલ સંકુલ ખાતે ગુજરાત સરકારની દરેક યોજનાઓ અંતર્ગત દર્દીઓની મફત સારવાર કરવામાં આવે છે અને એ ઉપરાંત ઓપરેશન થિયેટર અને ડાયાલીસીસ સુધીની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

    અમરેલી સિવિલનો ડાયાલીસીસ વિભાગ

    રાઘવ ચઢ્ઢાનો દાવો- એક્સ-રે કઢાવવા રાજકોટ જવું પડે છે;
    હકીકત- એક્સ-રે જ નહિ, MRIની સુવિધા પણ અમરેલીમાં ઉપલબ્ધ છે

    રાઘવ ચઢ્ઢા આટલું જૂથ બોલીને અટકતા નથી અને આગળ દાવો કરતા કહે છે કે અમરેલીમાં એક્સ-રે પડાવવા જેવી પણ સુવિધા નથી અને અમરેલીના રહેવાસીઓને એક્સ-રે કઢાવવા રાજકોટ જવું પડે છે.

    આ બાબતે તપાસ કરતા અમારી વાત અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મગનભાઈ કાનાણી સાથે થઇ. તેમણે પુરાવાઓ સાથે જણાવ્યું કે અમરેલીની સરકારી સિવિલ હોસ્પિટલમાં માત્ર એક્સ-રે જ નહિ પણ MRI, સીટી-સ્કેન અને ડાયાલીસીસ સહીત અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.

    અમરેલી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ

    આ વિષે તેમણે આગળ જણાવ્યું કે આ સિવિલ હોસ્પિટલના નવા અદ્યતન બિલ્ડિંગનું કામ હવે પૂરું જ થવા આવ્યું છે અને નવા બિલ્ડિંગમાં હમણાં છે તેના કરતા પણ અનેકગણી વધુ સુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ થશે.

    રાઘવ ચઢ્ઢાનો દાવો- 3-4 દિવસે 1 વાર પાણી આવે છે;
    હકીકત- 24 કલાક પાણી આવે છે

    આપ નેતા રાઘવ ચઢ્ઢાએ અન્ય એક દાવો કર્યો હતો કે અમરેલી જિલ્લા ખાતે 3-4 દિવસે માત્ર એક જ વાર પાણી મળે છે. આ બાબતની તપાસ માટે અમારી ટીમે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના જ એક ગામના સરપંચનો સંપર્ક કર્યો અને સત્ય હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો.

    તાલુકા-જિલ્લા અમરેલીના ચક્કરગાઢ ગામના હાલના સરપંચ વિપુલ ધોરાજીયા સાથે ઑપઇન્ડિયાએ વાત કરી. ધોરાજીયાએ ચઢ્ઢાના દાવાઓને તદ્દન હાસ્યાસ્પદ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે અમારા પોતાના ગામ સહીત સમગ્ર જિલ્લામાં ઘરે ઘરે ‘નળ સે જળ’ નું કામ પૂરું થવાને પણ વર્ષો થયા.

    ધોળાજીયાએ આગળ જણાવ્યું કે તેમના ગામ સહીત સમગ્ર જિલ્લામાં 24 કલાક પાણી આવે છે. સાથે જ તેમણે કહ્યું, “અમારે તો પાણી એટલું વધી પડે છે કે દિલ્હીવાળાને જોઈતું હોય અને લઇ જાય તો પણ અમને વાંધો નથી.”

    આમ, ઑપઇન્ડિયાની સવિસ્તાર તપાસમાં આપ નેતા રાઘવ ચઢ્ઢાના લગભગ દરેક દાવા ખુબ જ મોટા માર્જીનથી ખોટા સાબિત થઇ રહ્યા છે. એ સાથે એ પણ સમજી શકાય છે કે આપ નેતા જાણી જોઈને અમરેલી જેવા વિકસિત અને દરેક સુવિધાઓથી સંપન્ન વિસ્તારને નકારાત્મક રીતે ચીતરી રહ્યા હતા. હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલ આમ આદમી પાર્ટી આવા તો કેટલા જુઠા દાવાઓ કરશે તે તો સમય જ જણાવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં