મહારાષ્ટ્રમાં શિવસેનાના બંને જૂથો વચ્ચે ચાલતા સંઘર્ષ વચ્ચે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને ટોર્ચ અને મશાલનું ચિહ્ન ફાળવ્યું છે. જ્યારે શિંદે જૂથ પાસે ત્રણ વિકલ્પો માંગ્યા છે, જેના આધારે તેમને નવું ચિહ્ન ફાળવવામાં આવશે. તદુપરાંત, બંને પાર્ટીઓને નવાં નામ પણ આપવામાં આવ્યાં છે.
The Election Commission of India asks the Shinde faction to furnish a list of 3 fresh symbols by 11th Oct, tomorrow and declares 'Flaming Torch' as the symbol of candidates of Thackeray faction in the current by-election and till the final order is passed in the current dispute. pic.twitter.com/4fT2PigUuS
— ANI (@ANI) October 10, 2022
રિપોર્ટ અનુસાર, ઉદ્ધવ જૂથને નવું ચિહ્ન આપવામાં આવ્યું છે, તો બીજી તરફ હવે તેમની પાર્ટીનું નામ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) કરવામાં આવ્યું છે. જ્યારે એકનાથ શિંદે જૂથની પાર્ટીને ‘બાળાસાહેબાંચી શિવસેના’ નામ આપવામાં આવ્યું છે. જોકે, તેમનું ચૂંટણી ચિહ્ન હજુ સુધી નક્કી થઇ શક્યું નથી.
એકનાથ શિંદે જૂથ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ પાર્ટીના ચૂંટણી ચિહ્ન તરીકે ત્રિશૂળ, ઉગતો સૂરજ અને ગદાની માંગ કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પંચે ત્રિશૂળ અને ગદા ધાર્મિક ચિહ્ન હોવાના કારણે સ્વીકાર્યાં ન હતાં, જ્યારે ઉગતો સૂરજ પહેલેથી જ ડીએમકેનું ચૂંટણી ચિહ્ન છે. જેથી કમિશને શિંદે જૂથને પત્ર લખી નવા ત્રણ વિકલ્પો આપવા માટે જણાવ્યું છે.
ચૂંટણી પંચના નિર્ણય બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ બાળાસાહેબ ઠાકરેની હિંદુવાદી વિચારધારાનો વિજય છે અને તેઓ બાળાસાહેબના વિચારોના વારસદાર છે.
वंदनीय हिंदुहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या प्रखर हिंदुत्ववादी विचारांचा अखेर विजय.
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) October 10, 2022
आम्हीच बाळासाहेबांच्या विचारांचे वारसदार…. #बाळासाहेबांची_शिवसेना pic.twitter.com/8UwEMxP3VC
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ચૂંટણી પંચે શિવસેનાનું ચૂંટણી ચિહ્ન (ધનુષ્ય-બાણ) ફ્રીજ કરી દીધું હતું અને બંને જૂથો પાસે નવા ચિહ્ન માટે વિકલ્પો માંગ્યા હતા. બીજી તરફ, ચૂંટણી પંચના આ નિર્ણયને ઉદ્ધવ જૂથે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સોમવારે ઉદ્ધવ જૂથ તરફથી દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેના દ્વારા શિવસેનાના ચૂંટણી ચિહ્નને ફ્રીજ કરવાના ચૂંટણી પંચના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચનું કહેવું છે કે પેટાચૂંટણીમાં બંને જૂથો આ નવા ચિહ્ન અને નામ સાથે લડશે તેમજ આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી બંને પાર્ટીઓનાં નામ અને ચિહ્ન આ જ રહેશે. ઉલ્લેખનીય છે કે આગામી 3 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રની અંધેરી ઇસ્ટ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે. જે માટે 14 ઓક્ટોબર નામાંકનની અંતિમ તારીખ છે. પરિણામો 6 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
શિવસેનાની સ્થાપના બાળાસાહેબ ઠાકરેએ કરી હતી, ત્યારે પાર્ટીને ધનુષ્ય-બાણનું ચિહ્ન આપવામાં આવ્યું હતું અને જે પાર્ટીની ઓળખ બની ગયું હતું. જોકે, ગત જૂન મહિનામાં એક સમયે ઉદ્ધવ ઠાકરેના સાથી રહી ચૂકેલા એકનાથ શિંદેએ બળવો કરતાં પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. એકનાથ શિંદે પાસે બહુમતી ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત હોવાના કારણે તેમણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. હાલ એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે.