મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આવેલ એક મદ્રેસામાં સગીર બાળકી સાથે છેડતી અને જાતીય સતામણીની ઘટના બની છે. આરોપ મદ્રેસાના 50 વર્ષીય મૌલવી પર લાગ્યો છે. આરોપ છે કે મદ્રેસાના મૌલવીએ બાળકીને ભણાવવાના બહાને અશ્લીલ હરકતો કરી હતી. પોલીસે આ મામલે તેની અને તેના પુત્રો સામે કેસ દાખલ કર્યો છે.
આ ઘટના ઇન્દોરના ચંદન નગર પોલીસ મથક હેઠળ આવતા રાણીપુરા સિરપુરની રસૂલ મદ્રેસાની છે. અહીં એક 15 વર્ષીય સગીરા હજરત અહમદ હુસૈન નામના મૌલવીની મદ્રેસામાં અભ્યાસ માટે જતી હતી. આરોપ છે કે, ભણાવવાના બહાને હઝરતે બાળકી સાથે અશ્લીલ હરકતો કરી હતી.
રિપોર્ટ અનુસાર, સગીરા શાળાએથી આવ્યા બાદ મદ્રેસામાં અભ્યાસ માટે જતી હતી. થોડા દિવસો બાદ મૌલવીએ તેની સાથે છેડતી કરવાની શરૂ કરી હતી. તે ભણાવવાના બહાને રૂમમાં લઇ જતો હતો અને ત્યારબાદ તેની સાથે અશ્લીલ હરકતો કરતો હતો. ગત 5 ઓક્ટોબરના રોજ સગીરા ઘરે પરત ફરી રહી હતી ત્યારે તમામ બાળકો ચાલ્યા ગયા બાદ મૌલવીએ તેનો હાથ પકડી લીધો હતો.
ત્યારબાદ ઘરે આવીને પીડિતાએ માતા-પિતાને આપવીતી કહી હતી. જ્યારે તેના પિતા અને અન્ય બે સબંધીઓ મૌલવીના ઘરે પહોંચ્યા તો તેના પુત્રોએ પીડિતાના પરિજનો પર હથોડીથી હુમલો કરી દીધો હતો.
આ મામલે ઇન્દોરના ADCP પ્રશાંત ચૌબેએ જણાવ્યું હતું કે, 15 વર્ષીય સગીરાએ 50 વર્ષીય મદ્રેસા શિક્ષક સામે છેડતીનો આરોપ મૂક્યો છે. આરોપ છે કે તે પીડિતાને અન્ય એક રૂમમાં લઇ જતો હતો અને તેના પ્રાઇવેટ પાર્ટ્સ સાથે છેડછાડ કરતો હતો. તે છેલ્લા એક-દોઢ મહિનાથી અભ્યાસ માટે જઈ રહી હતી.
તેમણે આગળ જણાવ્યું કે, જ્યારે તેના વાલીઓ મૌલવીના ઘરે ગયા તો તેણે તેમની સાથે મારપીટ અને ગાળાગાળી કરી હતી. પોલીસે આ મામલે પોક્સો અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. આરોપીઓને જલ્દીથી પકડી લેવામાં આવશે.
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, મૌલવી અને તેના બે પુત્રો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.