કટ્ટરપંથી સંગઠન PFI સામે દેશવ્યાપી કાર્યવાહી બાદ પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ પણ ગુનાહિત પ્રવૃતિઓ ચાલુ જ રહી છે. હવે PFI તરફથી મહારાષ્ટ્રના ભાજપ ધારાસભ્ય વિજય કુમાર દેશમુખને ‘સર તન સે જુદા’ની ધમકી આપવામાં આવી છે. તેમણે આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
પોલીસને આપેલ ફરિયાદમાં ભાજપ ધારાસભ્યે જણાવ્યું હતું કે તેમને PFI નેતા મોહમ્મદ શફી બિરાજદારે તેમનું માથું ધડથી અલગ કરી દેવાની ધમકી આપી છે. આ ધમકી કેન્દ્ર સરકારે PFI વિરુદ્ધ કરેલ કાર્યવાહીના કારણે આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ભાજપ નેતાને ધમકી ઉપરાંત, પત્રમાં અયોધ્યાના રામ મંદિર, અને મથુરાના કૃષ્ણ જન્મભૂમિ મંદિર પર આત્મઘાતી હુમલા કરવાની તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના નેતાઓની હત્યા કરવાની પણ ધમકી આપવામાં આવી છે.
‘અલ્લાહુ અકબર’ લખેલા પત્રમાં કહેવામાં આવ્યું- હવે અસલી જંગ શરૂ રહ્યો છે કાફિરો
ભાજપ નેતાને મળેલ ધમકીભર્યા પત્રની તસ્વીર પણ સામે આવી છે. જેમાં ઉપર ‘અલ્લાહુ અકબર’ લખવામાં આવ્યું છે, જેની નીચે ‘મોહમ્મદ શફી બિરાજદાર’ અને PFIનો ઝંડો દોરવામાં આવ્યો છે. જેની નીચે લખવામાં આવ્યું છે- ‘I love PFI.’
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘હવે અસલી જંગ શરૂ થયો છે. કાફિરો, આ તમારા નેતાએ (પ્રતિબંધ લગાવીને) જે ખોટું કામ કર્યું છે, તેનું પરિણામ ભોગવવું પડશે. તમારી સરકારે પહેલાં પણ અમારા સિમી પર પ્રતિબંધ મૂક્યો હતો, પણ તેનું શું પરિણામ આવ્યું? ફેઈલ. તમે અમારા PFI પર લાખ પ્રયત્નો કરી લો, પણ અમે ફિનિક્સની જેમ ઉભરી આવીશું.’
ધમકી આપનાર આગળ લખે છે કે, ‘તમે અમારા જેવા ઝેરીલા સાપોની પૂંછડી પર પગ મૂક્યો છે. હવે અમારા ઘરનાં બાળકો ચૂપ નહીં બેસે. દરેક ઘરમાંથી કસાબ, અફઝલ, યુસુફ અને યાકુબ નીકળશે, આ વાત જાણી લો.
અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલાં રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા અને આતંકી સંગઠનો સાથે સબંધો ધરાવતા કટ્ટરપંથી સંગઠન PFI સામે રાષ્ટ્રવ્યાપી દરોડા પાડી કાર્યવાહી કર્યા બાદ બાદ ગત 22 સપ્ટેમ્બરના રોજ સંગઠન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. PFI સાથે અન્ય સાત નાનાં-મોટાં સહયોગી સંગઠનો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.