Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ4 દિવસ ચાલે તેટલો કોલસો, 23માંથી 11 થર્મલ સ્ટેશનો ઠપ: પાડોશી રાજ્ય...

    4 દિવસ ચાલે તેટલો કોલસો, 23માંથી 11 થર્મલ સ્ટેશનો ઠપ: પાડોશી રાજ્ય રાજસ્થાન પર તોળાતું વીજળીનું સંકટ

    છત્તીસગઢ સરકારે માઇનિંગ પર રોક લગાવતાં આ હાલત થઇ. રાજસ્થાન અને છત્તીસગઢ, બંને કોંગ્રેસશાસિત રાજ્યો હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી.

    - Advertisement -

    પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વીજસંકટ સર્જાય શકે તેવા અહેવાલો સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે રાજ્યનાં વીજ ઉત્પાદન કરનારા 23 થર્મલ સ્ટેશનોમાંથી 11 ઠપ થઇ ગયાં છે અને ઉત્પાદન બંધ કરી દીધું છે. જેનું કારણ કોલસાની અછત હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે. 

    એક રિપોર્ટ અનુસાર, રાજસ્થાનમાં માત્ર ચાર જ દિવસનો કોલસો વધ્યો છે. જેના કારણે ચાર વીજઘરોના 11 યુનિટ્સ બંધ થઇ ગયાં છે. જેના કારણે 2400 મેગાવોટ ક્ષમતાની વીજળીનું ઉત્પાદન બંધ થઇ ગયું છે. 

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, થર્મલ પાવર સ્ટેશનોને કોલસાની 37 રેકની જરૂરિયાત હોય છે, પરંતુ હાલ 20 રેક જ ઉપલબ્ધ થઇ રહી છે. જેના કારણે લોકોએ વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે. એવું પણ કહેવાયું છે કે ક્યારેક દિવસે તો ક્યારેક રાત્રે પણ વીજળી ગુલ થઇ જાય છે અને સમસ્યા અંગે વીજ વિભાગને જાણ કરવામાં આવે તો તેઓ પણ વાત કાને ધરતા નથી. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, 2022-23માં પીક અવર્સ દરમિયાન વીજળીની માંગ 17,757 મેગાવોટ સુધી પહોંચવાનું અને ઉપલબ્ધ ક્ષમતા 12,847 રહેવાનું અનુમાન છે. જેથી 4,910 મેગાવોટ વીજળી ઓછી પડશે. જ્યારે તહેવારો વખતે આ માંગ 17,700 મેગાવોટ પણ જઈ શકે છે. જેથી જો આ પરિસ્થિતિ ન સુધરી તો લોકોએ મોટાપાયે વીજકાપનો સામનો કરવો પડી શકે છે. 

    હાલ રાજસ્થાનમાં દિવાળી મેન્ટેનન્સના નામે રોજ 4-4 કલાક કલાક 2 થી 4 બ્લૉકમાં વીજકાપ આપવામાં આવે છે. જોકે, સાચું કારણ વીજળીની અછત હોવાનું કહેવાય રહ્યું છે. આવું છેલ્લા 17-18 દિવસથી ચાલી રહ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. 

    કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, રાજ્યમાં 26 દિવસનો કોલસો ઉપલબ્ધ હોવો જોઈએ, જેની સામે રાજસ્થાનમાં હાલ માત્ર 4 દિવસનો કોલસો બચ્યો છે. જેના કારણે રાજ્ય વીજસંકટ સામે લડી રહ્યું છે.

    રાજસ્થાનમાં આ સ્થિતિ ઉત્પન્ન થવાનું કારણ છત્તીસગઢ છે. છત્તીસગઢમાં રાજસ્થાન વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડને ફાળવવામાં આવેલ કોલસાની ખાણમાં કોલસો ખતમ થઇ ગયો છે. જેના કારણે લગભગ 36 હજાર મેટ્રિક ટન કોલસો આવવાનો બંધ થઇ ગયો છે. 

    બીજી તરફ, છત્તીસગઢ સરકારે 841 હેક્ટરના એક્સ્ટેન્શન બ્લૉકમાં માઇનિંગ પર રોક લગાવી દીધી છે. જેના કારણે રાજસ્થાન સુધી કોલસો પહોંચી રહ્યો નથી. જોકે, રાજસ્થાન અને છત્તીસગઢ બંને રાજ્યો કોંગ્રેસશાસિત હોવા છતાં તેઓ મુદ્દાનો ઉકેલ લાવી શકતા નથી અને બીજી તરફ રાજસ્થાન કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી રહી છે. 

    જોકે, કેન્દ્રે રાજસ્થાનને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ છત્તીસગઢ સરકાર સાથે વાત કરીને આ મુદ્દાનો ઉકેલ લાવે. જોકે, કેન્દ્ર સરકારે કોલ ઇન્ડિયાની સબ્સિડરી કંપનીઓમાંથી 3 રેક વધારાનો કોલસો આપવાની રાજસ્થાન સરકારની માંગ સ્વીકારી લીધી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં