એક તરફ આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે કથિત આઈબીનો રિપોર્ટ ટાંકીને ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે ત્યાં હવે ગુજરાત ચૂંટણીને લઈને સી વોટર સરવેનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જોકે, આ ઓપિનિયન પોલ અરવિંદ કેજરીવાલના દાવાથી તદ્દન વિપરીત છે અને ભારતીય જનતા પાર્ટી બહુમત મેળવતી જણાઈ રહી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી જેટલી ગાજી રહી છે તેટલી વરસતી જણાઈ રહી નથી.
આ ઓપિનિયન પોલ એબીપી ન્યૂઝ માટે સી વોટરે કર્યો છે. જે અનુસાર, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 135 થી 143 બેઠકો મળી શકે તેમ છે. જ્યારે કોંગ્રેસને 36 થી 44 અને આમ આદમી પાર્ટીને 0 થી 2 તેમજ અન્યને 0 થી 3 બેઠકો મળવાનું અનુમાન છે.
Gujrat – BJP will form Govt with 134-143 seats, Congress retains its opposition banch with 36-44, AAP 0-2 & others 0-3 #OpinionPollOnABP #AssemblyElections2022 pic.twitter.com/2Wkyuglhcj
— Vikas Bhadauria (@vikasbha) October 2, 2022
ક્ષેત્રવાર વાત કરવામાં આવે તો, ઉત્તર ગુજરાતમાં કુલ 32 બેઠકોમાંથી ભાજપને 20-24, કોંગ્રેસને 8 થી 12 અને આપ અને અન્યને 0 થી 1 બેઠકો મળવાનું અનુમાન છે.
દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પૈકી ભાજપને 27 થી 31, કોંગ્રેસને 3 થી 7 અને આપ અને અન્યને 0 થી 1 બેઠક મળતી જણાઈ રહી છે.
સૌરાષ્ટ્રની કુલ 54 બેઠકોમાંથી ભાજપને 38 થી 42, કોંગ્રેસને 11 થી 15, આપને 0 થી 1 અને અન્યને 0 થી 2 બેઠકો મળવાનું અનુમાન છે.
મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકો પૈકી ભાજપને 46 થી 50, કોંગ્રેસને 10 થી 14, આપને 0 થી 1 અને અન્યને 0 થી 2 બેઠકો મળી રહી છે.
આ ઓપિનિયન પોલના આંકડા મુજબ, ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત મળતી જણાઈ રહી છે, એટલું જ નહીં પરંતુ ગત ચૂંટણી કરતાં અનેકગણી વધુ બેઠકો મળવાનું અનુમાન છે. જોકે, આ સરવેના આધારે તૈયાર કરવામાં આવેલ ઓપિનિયન પોલ છે. જે ચૂંટણી સમયે દરેક એજન્સીઓ કરતી રહે છે.
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસે ટક્કર આપી 77 બેઠકો જીતી હતી. જોકે, બહુમતી માટે જરૂરી 92 કરતાં વધુ બેઠકો મેળવી ભાજપે સરકાર બનાવી હતી. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીનો હાથ ઉપર હોવાનું જણાઈ રહ્યું છે.
બીજી તરફ, આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ત્રીજો પક્ષ દેખાવા માટે ખૂબ પ્રયત્નો કરી રહી છે, પરંતુ આ સરવેના પરિણામ ધ્યાને લેવામાં આવે તો આમ આદમી પાર્ટી ક્યાંય દેખાઈ રહી નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં યોજાઈ શકે છે. આ મહિને કે આવતા મહિનાની શરૂઆતમાં તારીખો જાહેર થવાની શક્યતા છે.