નડિયાદના હાથજ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં માતાજીના ગરબા કાર્યક્રમનું આયોજન કરી બાળકોને તાજિયા રમાડવામાં આવ્યા હોવાનો અને ‘યા હુસૈન’ના નારા લગાવવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યા બાદ જિલ્લા તંત્ર એક્શનમાં આવ્યું છે અને ગરબાની જગ્યાએ તાજિયા રમાડવા માટે જવાબદાર શિક્ષકો સામે પગલાં ભર્યાં છે.
આ મામલે કાર્યવાહી કરી શાળાના ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમની ઓળખ સાબેરાબેન વ્હોરા, જાગૃતિબેન સાગર, એકતાબેન આકાસી અને સોનલબેન વાઘેલા તરીકે થઇ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાની મુલાકાત લઈને આ પગલાં લીધાં હતાં.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાની મુલાકાત લઈને જવાબદાર લોકોનાં નિવેદન લીધાં હતાં તેમજ સરપંચને પણ બોલાવવામાં આવ્યા હતા. હાલ શાળા પરિસર અને આસપાસ પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.
Tajiya performed at the #Garba event in #Nadiad: 4 teachers suspended #Gujarat #TV9News pic.twitter.com/x2sARtV7YR
— Tv9 Gujarati (@tv9gujarati) October 2, 2022
આ ઘટના શુક્રવાર (30 સપ્ટેમ્બર 2022)ના રોજની છે, જ્યારે હાથજ ગામની પ્રાથમિક શાળામાં નવરાત્રિના તહેવાર નિમિત્તે માતાજીના ગરબા આયોજિત કરવામાં આવ્યા હતા. પરંતુ કાર્યક્રમમાં અચાનક વચ્ચેથી ગરબાની જગ્યાએ તાજિયા પર વાગતું ‘યા હુસૈન’ના નારાવાળું ગીત શરૂ કરી દેવામાં આવ્યું હતું અને બાળકોને તાજિયા રમાડવામાં આવ્યા હતા.
આ મામલે શાળાની એક મુસ્લિમ અને ત્રણ ખ્રિસ્તી શિક્ષિકાઓ સામે આરોપ લાગ્યા હતા. રિપોર્ટ અનુસાર, શિક્ષિકાઓએ પણ વિદ્યાર્થીઓ સાથે ‘યા હુસૈન’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. ત્યારબાદ હિંદુ સંગઠનો પણ મેદાને પડ્યાં હતાં અને વિરોધ નોંધાવ્યો હતો.
વિડીયોમાં બાળકો તાજિયાના સંગીત પર નાચતા અને ‘યા હુસૈન’ના નારા લગાવતા જોઈ શકાય છે. જેમાં કેટલાક બાળકો મહજબી ચિહ્નવાળી ટી-શર્ટ પણ પહેરીને તાજિયા રમતા જોવા મળી છે, જેની ઉપર ‘મુસ્લિમ ગ્રુપ હાથજ’ લખવામાં આવ્યું હતું.
વિડીયો ફરતો થયા બાદ હિંદુ સંગઠનો સ્થાનિક તંત્ર પાસે પહોંચ્યાં હતાં અને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. હિંદુ આગેવાનોએ જણાવ્યું હતું કે, હાથજની પ્રાથમિક શાળામાં છોકરાં ગરબા રમતાં હતાં, અને અચાનક ગરબા બંધ કરવામાં આવ્યા અને ત્યાં અમુક વિધર્મી શિક્ષકોએ ગરબા બંધ કરાવીને પોતાના ધર્મના સૂત્રો બોલાવડાવ્યા અને તેમના ધર્મના ચિહ્નવાળી ટીશર્ટ પણ છોકરાઓને આપી હતી.”
બીજી તરફ, આ મામલે શાળાના આચાર્યે લૂલો બચાવ કરીને કહ્યું હતું કે, તેઓ રજા પર હતા, જેથી વધુ જાણકારી નથી. જોકે, શિક્ષણાધિકારીએ મામલો હાથ પર લઇ કાર્યવાહી કરી હતી.