સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવી દિલ્હી ખાતે નવા બની રહેલા સંસદ ભવનની ટોચે સ્થાપવામાં આવનાર સિંહાકૃતિનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યા બાદ ચિહ્ન સામે વિપક્ષી પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા સિંહાકૃતિ પર વાંધો ઉઠાવતી અરજી ફગાવી દેવામાં આવી છે.
BREAKING| The lion sculpture installed atop the new Parliament building does not violate the State Emblem of India (Prohibition of Improper Use) Act, 2005, holds the Supreme Court. Dismisses a PIL filed against the lion emblem.#SupremeCourtOfIndia #CentralVista pic.twitter.com/0neM3wsI0U
— Live Law (@LiveLawIndia) September 30, 2022
સુપ્રીમ કોર્ટમાં બે વકીલોએ અરજી કરીને સંસદ ભવન પર અનાવરિત થયેલી સિંહાકૃતિ સ્ટેટ એમ્બ્લેમ ઑફ ઇન્ડિયા એક્ટ 2005 હેઠળ પ્રમાણિત ચિહ્નથી અલગ હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત, પ્રતિમા સાથે ‘સત્યમેવ જયતે’નો લોગો ન હોવા અંગે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
જોકે, સુપ્રીમ કોર્ટ ખાતે બે ન્યાયાધીશોની ખંડપીઠે સુનાવણી કરતાં કહ્યું હતું કે, સંસદ ભવન પર લગાવવામાં આવેલ સિંહાકૃતિ કોઈ પણ રીતે કાયદાનું ઉલ્લંઘન નથી. અરજીમાં દાવો કરીને કહેવામાં આવ્યું હતું કે, સંસદ ભવનની સિંહાકૃતિમાં સિંહ વધુ આક્રમક જોવા મળે છે. જેની ઉપર કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, આવી બાબતોનો આધાર જોનાર વ્યક્તિના મન પર રહે છે.
કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, “અજરદાર દ્વારા કરવામાં આવેલ ફરિયાદને ધ્યાને લેતાં તેમજ રૂબરૂમાં તેમનો પક્ષ સાંભળ્યા બાદ એવું કહી શકાય નહીં કે આ સિંહાકૃતિ કાયદાનું ઉલ્લંઘન કરીને સ્થાપવામાં આવી છે. એવું પણ ન કહી શકાય કે આ 2005ના કાયદાનું ઉલ્લંઘન છે.” કોર્ટે ઉમેર્યું કે, “નવી દિલ્હી ખાતે નવનિર્મિત સંસદ ભવન પર સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય ચિહ્ન કોઈ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન નથી અને જેથી સદર અરજી રદ કરવામાં આવે છે.”
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા નિર્માણ પામી રહેલા સંસદ ભવનની અગાસીએ સ્થાપવામાં આવેલ સિંહાકૃતિનું અનાવરણ કર્યું હતું. જેની ઊંચાઈ 6.5 મીટર જેટલી છે અને કુલ વજન 9500 કિલો જેટલું છે. જોકે, પીએમ મોદીએ જેવું આ પ્રતિમાનું અનાવરણ કર્યું કે તરત કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ તેમાં પણ વાંધા શોધી કાઢ્યા હતા.
વિપક્ષી પાર્ટીઓના દાવા અનુસાર, સંસદ ભવન પર સ્થાપવામાં આવેલ સિંહાકૃતિના સિંહ વધુ આક્રમક છે, જ્યારે સારનાથના સ્તંભ પર જ્યાંથી મુખ્ય આકૃતિ લેવામાં આવી છે, જેના સિંહ શાંત દેખાય છે. આ મુદ્દે ચર્ચાઓ પણ બહુ થઇ હતી. જોકે, હવે કોર્ટે તેની પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.