ઉત્તરાખંડના ઋષિકેશમાં અંકિતા ભંડારી હત્યા કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. રિસોર્ટના ભૂતપૂર્વ કર્મચારીઓએ દાવો કર્યો છે કે અંકિતા હત્યાકાંડના મુખ્ય આરોપી પુલકિતના રિસોર્ટમાં કાળો કારોબાર ચલાવતો હતો, રિસોર્ટમાં કુટણખાનું અને ડ્રગ્સનો ધંધો ધમધમી રહ્યો હતો જેમાં યુવતીઓને અહીં લાવવાની જવાબદારી રિસોર્ટના આસિસ્ટન્ટ મેનેજર અંકિત પર હતી.
ભૂતકાળમાં રિસોર્ટમાં કામ કરતી યુવતીઓનો આરોપ છે કે અહીં તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવતું હતું. રિસોર્ટના પૂર્વ કર્મચારીઓએ મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે “તે મે-જૂનમાં રિસેપ્શનિસ્ટ તરીકે અહીં નોકરી પર લાગી હતી. ત્યાં ઘણી ઘૃણાસ્પદ બાબતો થતી હતી. યુવતીઓને ખુબજ અભદ્ર અને ગંદી ગાળો આપવામાં આવતી હતી. તેમની સાથે શોષણભર્યું વર્તન કરવામાં આવતું હતું. ત્રણ-ચાર દિવસમાં તેની પત્ની પણ આવીને કહેતી હતી કે અહીં નોકરી ન કર.”
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલામાં જે વોટ્સએપ ચેટ સામે આવી છે તેમાંથી જાણવા મળ્યું છે કે પુલકિત આર્યએ અંકિતાને તેના પોતાના રૂમની સાથે આવેલા જોઈન્ટ રૂમમાં શિફ્ટ કરવાનું કહ્યું હતું. અહીં તેણે કથિત રીતે અંકિતા સાથે અભદ્ર વર્તન કર્યું અને બાદમાં તેની માફી પણ માંગી હતી.
તો બીજી તરફ મુખ્ય આરોપી પુલકિત આર્યના રિસોર્ટના અન્ય એક ભૂતપૂર્વ કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું કે અહીં દેહવ્યાપાર અને ડ્રગ્સનો ધંધો પણ ચાલતો હતો. કર્મચારીએ દાવો કર્યો હતો કે ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા વિનોદ આર્યનો પુત્ર પુલકિત સ્ટાફને માનસિક રીતે હેરાન કરતો હતો. તેમના પર ચોરીનો ખોટો આરોપ લગાવીને કામ પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. કર્મચારીઓ સાથે ખૂબ જ અભદ્ર રીતે વાત કરવામાં આવતી હતી.
પૌરી ગઢવાલ જિલ્લાના ગંગા-ભોગપુર વિસ્તારમાં સ્થિત રિસોર્ટમાં ચાલી રહેલી ગેરકાયદેસર ગતિવિધિઓ અંગે, બે ભૂતપૂર્વ કર્મચારીઓ (દંપતી)એ તપાસ અધિકારીઓને કહ્યું હતું કે, “અમે રિસોર્ટની અંદર જ સેક્સ અને ડ્રગ્સનો વેપાર થતો જોયો છે.”
તેમણે પોલીસને આપેલા પોતાના નિવેદન વિશે પણ મીડિયા સાથે વાત કરી હતી, તેમણે રિસોર્ટમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે ટેલીફોનીક વાતચીતમાં જે જણાવ્યું હતું તે વાતચીતની કલીપ હાલ વાયરલ થઈ રહી છે. પુલકિત આર્ય અને તેના રિસોર્ટ વિશે ખુલાસો કરનાર દંપતી હવે ઉત્તર પ્રદેશમાં રહે છે. તેઓ બે મહિના પહેલા રિસોર્ટમાં કામ કરતા હતા. તેમને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે “(પુલકિત) આર્ય ઘણીવાર કેટલાક VIP મહેમાનોને રિસોર્ટમાં લાવતો અને યુવતીઓને તેમને વધારાની “સર્વિસ” આપવા કહેતો. અહીં તેમને ડ્રગ્સ સાથે મોંઘી દારૂ પણ પીરસવામાં આવતો હતો.”
શું છે અંકિતા હત્યાકાંડ વાંચો સંપૂર્ણ માહિતી સંક્ષિપ્તમાં
ઉત્તરાખંડની રહેવાસી યુવતી અંકિતા ભંડારી છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતી. તે પુલકિત આર્યના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. આરોપ છે કે અહીં તેને ગ્રાહકને “એક્સ્ટ્રા સર્વિસ” આપવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે તેણે આ બાબતનો પ્રતિકાર કર્યો, તો તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી.
અંકિતા ભંડારી હત્યાકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમાં રિસોર્ટનો સંચાલક પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાનો સમાવેશ થાય છે . પુલકિત આર્યના રિસોર્ટ પર સરકાર દ્વારા બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે.