જેમ જેમ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવી રહ્યો છે. પરંપરાગત મુખ્ય પ્રતિદ્વંદીઓ ભાજપ અને કોંગ્રેસ સિવાય આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરવાની છે. તો હવે શનિવાર (24 સપ્ટેમ્બર) ના રોજ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ ગુજરાત ચૂંટણી માટે પોતાના ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
AIMIM રાષ્ટ્રીય અધ્યક્ષ @asadowaisi સાહેબે ગુજરાત વિધાનસભા ચુંટણી માટે ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યાં.
— AIMIM (@aimim_national) September 25, 2022
જમાલપુર – @SabirKabliwala
(પ્રદેશ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય)
દાણીલીમડા – કૌશિકા બેન પરમાર
સુરત પૂર્વ – @wasimqureshiof1 pic.twitter.com/FL1NGhyjDI
AIMIM એ જાહેર કરેલ 3 બેઠકોમાં અમદાવાદની બે, જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા, તથા સુરતની એક, સુરત પૂર્વ, બેઠકોનો સમાવેશ થાય છે. દેખીતી રીતે જ આ ત્રણેય બેઠકો પર મુસ્લિમ મતદાતાઓનું પ્રભુત્વ પહેલાથી જ રહેલું છે. અમદાવાદની બંને બેઠકો પર હાલ મુસ્લિમ ધારાસભ્યો (કોંગ્રેસ) છે. જયારે સુરતની બેઠક પર ધારાસભ્ય તો ભાજપના છે પરંતુ કોંગ્રેસ સામે 2017માં તેમની જીતની સરસાઈ 12,000 મતોની જ હતી.
તો ચાલો આપણે આ ત્રણેય બેઠોકોનું પ્રાથમિક વિશ્લેષણ કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે AIMIMએ આ બેઠકોની જ પસંદગી કેમ કરી અને તેમની હાજરીથી શું અસર થઇ શકે.
જમાલપુર-ખાડિયા વિધાનસભાની સ્થિતિ
અમદાવાદના માધ્યમ આવેલી જમાલપુર ખાડિયા વિધાનસભામાં મોટા ભાગનો કોટ વિસ્તાર (જૂનું અમદાવાદ) આવી જાય છે. આ બેઠકમાં મુસ્લિમોનું પ્રભુત્વ વધુ છે કારણ કે લગભગ 60% થી વધુ વસ્તી મુસ્લિમ છે અહીંયા. આ બેઠકના મોટા ભાગના વિસ્તારમાં ધાર્મિક વસ્તી અસંતુલનને કારણે અશાંત ધારો લાગુ થયેલો છે.
હાલમાં જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસના મુસ્લિમ નેતા ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય છે જેઓએ ગત 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને લગભગ 30,000 માટેની સરસાઈથી હરાવ્યા હતા. NRC વિરોધી આંદોલનો હોય કે ગત રામનવમી પહેલા થયેલ હિંસા હોય, આ વિસ્તાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે.
નોંધનીય રીતે AIMIMએ આ મુસ્લિમ બહુલ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. અહીંયા તેમણે પૂર્વ કોંગ્રેસનેતા અને કોંગ્રેસની ટિકિટ પરથી ધારાસભ્ય બનેલ સાબીર કાબલીવાલાને ટિકિટ આપી છે. કાબલીવાલા હાલ AIMIMના ગુજરાત અધ્યક્ષ પણ છે.
આ બેઠક પર AIMIMની સ્થિતિ પહેલાથી જ છે મજબૂત
AIMIMએ ફેબ્રુઆરી 2021માં યોજાયેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં પહેલીવાર પોતાના 21 ઉમેદવારોને ઉભા રાખ્યા હતા. જેમાંથી તેમના 7 ઉમેદવારો વિજેતા બન્યા હતા.
એ નોંધવા જેવું છે કે જમાલપુર-ખાડિયા વિધાનસભા અંતર્ગત આવેલ જમાલપુર વોર્ડમાં ચારેય કોર્પોરેટર AIMIMના છે, જે ફેબ્રુઆરી 2021 પહેલા કોંગ્રેસના હતા.
આ જ વિધાનસભાક્ષેત્રમાં આવેલ અન્ય એક વોર્ડ બહેરામપુરામાં પણ AIMIMએ કોંગ્રેસને ત્યારે જોરદાર ટક્કર આપી હતી. જ્યાં તેમને માત્ર 200 થી 1000 મતોના અંતરથી કોંગ્રેસ સામે 4 સીટો ગુમાવવી પડી હતી.
આ જોતા એવું લાગી રહ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોના મતથી જમાલપુર ખાડિયા બેઠક જીતવી એ કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા બરાબર બનશે.
દાણીલીમડા વિધાનસભાની સ્થિતિ
જમાલપુર-ખાડીયાને અડીને જ આવેલ અનુસૂચિત જાતિ માટે આરક્ષિત દાણીલીમડા વિધાનસભા વિસ્તારમાં મુસ્લિમ અને દલિત મતદારોનું પ્રભુત્વ છે. અહીં પણ 50% આસપાસ મુસ્લિમ મતદારો છે. આ વિસ્તારને અમદાવાદમાં અતિસંવેદનશીલ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં વધી રહેલ મુસ્લિમ અતિક્રમણને કારણે ઘણા વર્ષોથી અશાંત ધારો લગાવવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે આ એ જ દાણીલીમડા છે જેમાં આવેલ શાહઆલમ વિસ્તારમાં ગત વર્ષે થયેલ CAA NRC વિરોધી દેખાવોમાં પોલીસને ઘેરીને તેમના પર પથરાવ કરવામાં આવ્યો હતો જેમાં અનેક પોલીસવાળા ઘાયલ થયા હતા. તપાસ કરતા ખુલાસો થયો હતો કે કોંગ્રેસના સ્થાનિક મુસ્લિમ કોર્પોરેટર શહેઝાદખાન પઠાણ અને અન્ય મુસ્લિમ આગેવાઓએ પહેલેથી આ હિંસા પ્લાન કરી હતી.
#અમદાવાદ ના શાહઆલમ ખાતે બાંગ્લાદેશી ગુંડાઓ અને એમને સાચવવાવાળા લોકો દ્વારા પોલીસ પર હુમલો.
— लिंकन सोखडिया (@journolinc) December 19, 2019
8 પોલીસ જવાનો ઘાયલ.
શાહઆલમ અને ચાંદોળામાં કેટલા બાંગ્લાદેશીઓ છે એ કોઈનાથી છૂપું નથી.
પહેલી વાર કોઈએ દેશનો આ કચરો સાફ કરવાનું કામ હાથમાં લીધું છે એ ઘણાં ને ગણ્યું નથી.#IndiaSupportCAA pic.twitter.com/Qe1IZ4ID7W
આ સિવાય પણ દાણીલીમડા પોતાની હદમાં આવેલ ચંડોળા તળાવમાં મુસ્લિમો દ્વારા થયેલ દબાણને લઈને પણ ઓળખાય છે. કહેવાય છે કે અહીંયા મોટી સંખ્યામાં બાંગ્લાદેશી મુસ્લિમો પણ ગેરકાયદેર્સ રીતે વાસી રહ્યા છે અને સ્થાનિક કોર્પોરેટરની મિલીભગતથી અહીંયાના ડોક્યુમેન્ટ બનાવી લીધા છે. આ રીતે તેમણે પોતાનો વોટરબેઝ વધાર્યો છે.
નોંધનીય છે કે છેલ્લી બે ટર્મ્સથી દાણીલીમડામાં કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર ધારાસભ્ય બનતા આવ્યા છે. સ્થાનિક સૂત્રો અનુસાર શૈલેષ પરમારને શાહ આલમના જાણીતા એવા નવાબ ખાન પરિવારનો આશ્રય છે, જેના એક વ્યક્તિ શહેઝાદખાન પઠાણ વિસ્તારમાં કોર્પોરેટર પણ છે.
સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો દાણીલીમડા બેઠક SC આરક્ષિતની જગ્યાએ જનરલ હોત તો ધારાસભ્ય શેહઝાદખાન જ બનતા. પરંતુ આરક્ષિત સીટ હોવાને કારણે તેમને શૈલેષ પરમારને આગળ કરવા પડે છે.
ઓવૈસીએ મુસ્લિમ પ્રભુત્વવાળી આ બેઠક માટે પણ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. અગાઉ જણાવ્યું એમ આ બેઠક SC આરક્ષિત હોવાથી AIMIMએ પોતાના ઉમેદવાર તરીકે અમદાવાદ શહેરના પોતાના મહિલા મોરચાના અધ્યક્ષ કૌશિકાબેન પરમારને આગળ કર્યા છે.
ગત વર્ષે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન મળ્યા હતા ઓવૈસીને
આ બેઠક સાથે પણ ઓવૈસીને સાંકળી શકાય એમ છે. કારણ કે 2021માં જયારે અસાઉદ્દીન ઓવૈસી અમદાવાદ પ્રવાસે આવ્યા હતા ત્યારે દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે તેમની વિશેષ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત બાદ મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે AIMIM જોડાવાની વાતને ખુલીને નકારી નહોતી, માત્ર એટલું કહ્યું હતું કે યોગ્ય સમય આવ્યે મીડિયાને તેઓ વિગતવાર જાણ કરશે.
આ ઉપરાંત દાણીલીમડા વિધાનસભામાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ એટલે પણ છે કેમ કે તેમના ધારાસભ્ય શૈલેષ પરમાર સામે પાર્ટીની અંદરથી જ ખુબ વિરોધ સામે આવી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ દાણીલીમડાના અન્ય એક મહિલા કોર્પોરેટર (કોન્ગ્રેના) જમનાબેન વેગડાએ ધારાસભ્ય શૈલેષ પરમારને દૂર કરવા માટે તાંત્રિકનો સહારો લીધો હોય તેવા અહેવાલો અને તાંત્રિક સાથેની ઓડિયો ક્લિપ સામે આવી હતી.
આ સિવાય કોંગ્રેસના અન્ય એક કોર્પોરેટર (બહેરામપુરાના) કમળાબેન ચાવડા પણ ધારાસભ્ય શૈલેષ પરમાર સામે અવાર નવાર વિરોધ દર્શાવતા હોય છે. અહેવાલો મુજબ થોડા દિવસો પહેલા જ કમળાબેને કોંગ્રેસ તરફથી દાણીલીમડા વિધાનસભા બેઠકની ઉમેદવારી માટે પોતાનું નામ આગળ કર્યું છે.
આમ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસના આંતરિક જંગમાં AIMIM દાણીલીમડામાં કંઈક નવાજુની કરી દે અથવા બંનેની લડાઇઓ ફાયદો ભાજપને મળે એવી પણ શક્યતા છે.
સુરત પૂર્વ વિધાનસભાની સ્થિતિ
AIMIMએ જે ત્રીજી બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા એ છે સુરતની સુરત પૂર્વ વિધાનસભા બેઠક. સ્વાભાવિક રીતે આ પણ એક મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠક છે. AIMIMએ અહીંથી વસીમ કુરેશીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
ગત 2017 વિધાનસભા ચૂંટણીમાં અહીંયા ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રાણા 12,000 જેટલા મતોની સરસાઈથી ધારાસભ્ય બન્યા હતા. મુસ્લિમ મતોને કોંગ્રેસે આ સીટ પર ભાજપને થોડી ઘણી ટક્કર આપી હતી.
અમદાવાદથી ઉલટ અહીંયા વિરોધાભાસ એ છે કે મુસ્લિમબહુલ વિસ્તાર હોવા છતાંય અહીંયાના ધારાસભ્ય અને કોર્પોરેટરો ભાજપના છે. સુરતનું પ્રખ્યાત ગોપી તળાવ એ આ જ વિસ્તારમાં આવેલ છે જ્યા થોડા સમય પહેલા જ ગેરકાયદેસરરીતે બનાવાયેલ મદરેસાને બુલડોઝરથી તોડીને હટાવવામાં આવ્યું હતું. સાથે જ આ વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા વધતા પાછળ થોડા વર્ષોમાં ડેમોગ્રાફીમાં ખુબ મોટો ચેન્જ પણ નોંધવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા હવે દિવસે ને દિવસે ગુજરાતમાં રાજકીય ઘટનાક્રમો ઝડપી બન્યા છે. હમણાં સુધી જે મુસ્લિમ મતોના ભરોસે કોંગ્રેસ અમુક સીટો જીતવામાં સફળ થતી હતી ત્યાં પણ હવે તેને એ મતો માટે AIMIM સામે સંઘર્ષ કરવો પડશે. જોવાનું એ રહેશે કે AIMIM એ સંગર્ષને પોતાની સીટોમાં ફેરવશે કે માત્ર કોંગ્રેસના વોટ તોડીને ભાજપનો રસ્તો સરળ કરશે.