ઘણા સમયથી તાજમહેલ અંગે કહેવામાં આવે છે કે ત્યાં અગાઉ મંદિર હતું. બીજી તરફ તેના દરવાજા ખોલવા માટે પણ અરજી કરવામાં આવી છે. દરમ્યાન આગ્રાના તાજમહેલને લઈને જયપુરના રાજવી પરિવારનાં સભ્ય અને ભાજપના સાંસદ દિયાકુમારી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલ જ્યાં તાજમહેલ સ્થિત છે તે જમીન તેમની હતી. બીજેપી સાંસદનું કહેવું છે કે જે જગ્યાએ તાજમહેલ છે ત્યાં પહેલાં તેમનો મહેલ હતો.
તાજમહેલના બંધ દરવાજા ખોલવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની પ્રશંસા કરતા દિયાકુમારીએ કહ્યું કે તેનાથી સત્ય બહાર આવશે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમની પાસે એવા દસ્તાવેજો છે, જેનાથી સાબિત થાય છે કે તાજમહેલ જયપુરના જુંના શાહી પરિવારનો મહેલ હતો. જેની ઉપર મુઘલ આક્રમણકારોએ કબજો જમાવી લીધો હતો પરંતુ તે દરમિયાન મુઘલોનું શાસન હોવાથી રાજ પરિવાર વિરોધ કરી શક્યો ન હતો.
બીજેપી સાંસદ દિયાકુમારી કહે છે કે તેઓ એમ નહીં કહે કે તાજમહેલ તોડી નાંખવો જોઈએ. પરંતુ તાજમહેલના બંધ ઓરડાઓ ખોલાવા જોઈએ. તેના કેટલાક ભાગો લાંબા સમયથી બંધ રહ્યા છે ત્યારે તેની તપાસ થવી જોઈએ અને ખોલવામાં આવવા જોઈએ. જેથી ત્યાં શું હતું અને શું નહીં તેની તપાસ થઇ શકે. તેમણે કહ્યું કે, યોગ્ય રીતે તપાસ થશે તો તમામ હકીકતો બહાર આવશે.
‘તમામ દસ્તાવેજો ઉપલબ્ધ’
દિયા કુમારીએ કહ્યું કે, તેમના ડોકયુમેન્ટ ટ્રસ્ટના પોથી ખાનામાં તાજમહેલ સબંધિત તમામ દસ્તાવેજો હજુ પણ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, તેમની પાસે ઉપલબ્ધ દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે એ જમીન જયપુર રાજ પરિવારની હતી. પરંતુ મુઘલ શાસન દરમિયાન મહેલ શાહજહાંને પસંદ પડી ગઈ હતી અને જે પછી તેણે કબજો મેળવી લીધો હતો.
તાજમહેલની જગ્યાએ મંદિર હતું કે નહીં તે પ્રશ્ને તેમનું કહેવું છે કે હજુ સુધી તમામ દસ્તાવેજોનો અભ્યાસ કરવામાં આવ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે જો કોર્ટ આ દસ્તાવેજો માંગશે તો તેઓ પૂરા પાડવા માટે તૈયાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2017 માં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે જયપુરના મહારાજાને શાહજહાંએ મજબુર કર્યા હતા.
તાજમહેલના દરવાજા ખોલવા માટે થઇ છે અરજી
અહીં નોંધવું જરૂરી છે કે અલાહાબાદની લખનઉ બેચમાં ડૉ. રજનીશે તાજમહેલના બંધ દરવાજા ખોલવા માટે અરજી દાખલ કરી છે. રજનીશ અયોધ્યા જિલ્લામાં ભાજપના મીડિયા ઇન્ચાર્જ છે. તેમણે દાખલ કરેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તાજમહેલમાં સ્થિત 20 તાલબંધ ઓરડાઓ ખોલવા માટે ભારતીય પુરાતત્વ વિભાગને નિર્દેશ આપવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ઓરડાઓમાં હિંદુ દેવી-દેવતાઓ અને પ્રાચીન સનાતન સાહિત્ય પુરાલેખો સંગ્રહવામાં આવ્યા છે.
Open closed doors in Taj Mahal to ascertain presence of Hindu idols: Plea in HC
— ANI Digital (@ani_digital) May 8, 2022
Read @ANI Story | https://t.co/F2Z6n7Uy5Z#TajMahal #AllahabadHighCourt #Agra #UttarPradesh pic.twitter.com/RTGKWP4LLf
રજનીશ સિંહે કહ્યું હતું કે, તેમણે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયમાં RTI દાખલ કરી હતી. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ઓરડાઓ સુરક્ષા કારણોસર બંધ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સંદર્ભે કોઈ વિવરણ અપાયું ન હતું. ઉલ્લેખનીય છે કે તાજમહેલ શિવ મંદિર ‘તેજો મહાલય’ હોવાની વાતો પણ ઘણા સમયથી ચાલી રહી છે.