કર્ણાટકમાં કોંગ્રેસના એક પોસ્ટર પર વિવાદ થયો છે. કોંગ્રેસે પોસ્ટરમાં એક અભિનેતાની તસ્વીર તેમની પૂર્વમંજૂરી વગર જ વાપરી લીધી હતી અને આ અંગે તેમને જાણ પણ કરવામાં આવી ન હતી. અભિનેતાએ આ અંગે ટ્વિટર પર ખુલાસો કર્યો છે અને પાર્ટી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.
આ અભિનેતાનું નામ અખિલ ઐયર છે. કોંગ્રેસ પાર્ટીએ વર્તમાન ભાજપ સરકાર સામે એક અભિયાન ચલાવ્યું છે અને જેના ભાગરૂપે શહેરમાં ઠેરઠેર પોસ્ટરો ચોંટાડવામાં આવ્યાં હતાં, જેમાં કર્ણાટક રાજ્ય સરકાર પર કમિશન વસૂલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પોસ્ટરો માટે કોંગ્રેસે અભિનેતાની તસ્વીર વાપરી હતી.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટરની તસ્વીર સામે આવી છે, જેમાં જોવા મળે છે કે અભિનેતાનો એક મોટો ફોટો છે અને જોઈ નીચે ‘Are You still numb?’ લખવામાં આવ્યું છે. સાથે પોસ્ટરમાં ભાજપ સરકાર પર આક્ષેપો કરીને અન્ય પણ લખાણ લખવામાં આવ્યાં છે.
I am appalled to see that my face is being used illegally and without my consent for "40% Sarkara" – an @INCIndia campaign that i have nothing to do with.
— Akhil Iyer (@akhiliy) September 23, 2022
I will be taking legal action against this.@RahulGandhi @siddaramaiah @INCKarnataka request you to please look into this pic.twitter.com/y7LZ9wRXW9
જોકે, અભિનેતાએ કહ્યું છે કે તેમની આ તસ્વીર અયોગ્ય રીતે વાપરવામાં આવી છે અને તે માટે તેમની પરવાનગી પણ લેવામાં આવી ન હતી.
અભિનેતાએ ટ્વિટ કરીને કહ્યું, ‘કોંગ્રેસના ‘40 ટકા સરકારા’ અભિયાન માટે મારા ચહેરાનો ગેરકાયદેસર અને કોઈ પણ જાતની પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જાણીને આશ્ચર્યચકિત છું. આ અભિયાન સાથે મારે કંઈ લાગતું-વળગતું નથી. હું આની સામે કાયદાકીય કાર્યવાહી કરવા જઈ રહ્યો છું. સાથે તેમણે કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને સિદ્ધારામૈયા અને કર્ણાટક કોંગ્રેસના હેન્ડલને ટેગ કર્યું હતું.
કોંગ્રેસે પોસ્ટરમાં જે તસ્વીરનો ઉપયોગ કર્યો છે એ અભિનેતાના ફેસબુક પેજ પરથી લેવામાં આવી છે, જે તેમણે જુલાઈ 2014માં અપલોડ કરી હતી. તસ્વીર શંકર આદિશેષ દ્વારા લેવામાં આવી છે. આ જ તસ્વીર તેમના વિકિપીડિયા પેજમાં પણ ઉપયોગમાં લેવામાં આવી છે. જોકે, વિકિપીડિયા પેજ તેમનું પોતાનું હોવાના કારણે અને તેમની જ માહિતી દર્શાવતું હોવાના કારણે અભિનેતાને વાંધો ન હોય એ સ્વાભાવિક વાત છે પરંતુ રાજકીય કેમ્પેઈન માટે તેમની તસ્વીર વાપરવી અને એ પણ મંજૂરી વગર, જેના કારણે અભિનેતાએ વાંધો ઉઠાવ્યો છે.
કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકની બસવરાજ બોમ્માઈ સરકાર સામે 40 ટકા સરકારા અભિયાન લૉન્ચ કર્યું છે અને આ માટે એક વેબસાઈટ પણ લૉન્ચ કરવામાં આવી છે. પાર્ટીએ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે અને લોકોને લૂંટનારી સરકાર ગણાવી છે. આ જ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસે શહેરમાં ‘PayCM’ ટેગલાઈન હેઠળ પોસ્ટરો લગાવ્યાં હતાં, જે મામલે પછીથી ફરિયાદ પણ નોંધાઈ હતી.