વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખર આલોચક અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીને દિલ્હી હાઈકોર્ટે આગામી 6 અઠવાડિયામાં (42 દિવસમાં) તેમના સરકારી નિવાસસ્થાનને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સ્વામીએ દિલ્હી હાઈકોર્ટમાં પોતાનું રાજ્યસભાનું સભ્યપદ જતું રહેવા છતાં આ બંગલો પોતાને ફરીથી આપવામાં આવે એ પ્રકારની અરજી કરી હતી.
સુબ્રમણ્યમ સ્વામીને શહેરી વિકાસ મંત્રાલયે તેમનું રાજ્યસભાના સભ્યપદની અવધી ગત એપ્રિલ માસમાં જ પૂર્ણ થઇ જતાં તેમને સંસદ સભ્ય તરીકે આપવામાં આવેલો બંગલો ખાલી કરવા અંગે નોટીસ મોકલી હતી. આ નોટીસની વિરુદ્ધમાં સ્વામી દિલ્હી હાઈકોર્ટ ગયા હતા.
#Breaking Delhi HC directs former BJP Rajya Sabha MP Subramanian Swamy to hand over possession of his government bungalow to the estate officer within six weeks. #DelhiHighCourt @Swamy39 #Bungalow pic.twitter.com/zAt6vMs4mG
— Bar & Bench (@barandbench) September 14, 2022
કોર્ટમાં દલીલ આપતાં સ્વામીએ કહ્યું હતું કે તેમને Z કેટેગરીની સુરક્ષા મળી છે. આથી તેમના જીવની સુરક્ષાને ધ્યાનમાં લેતાં તેમને તેમનો જ બંગલો ફરીથી આપી દેવામાં આવે. પરંતુ કેન્દ્ર સરકારે સ્વામીના પક્ષનો વિરોધ કરતા કહ્યું કે તેણે અન્ય સંસદ સભ્યો અને મંત્રીઓને પણ બંગલા આપવાના બાકી છે.
જાન્યુઆરી 2016માં સુબ્રમણ્યમ સ્વામીને જીવ પર ભય હોવાના કારણકે કેન્દ્ર સરકારે 5 વર્ષ માટે તેમને દિલ્હીમાં એક બંગલો એલોટ કર્યો હતો. આ સાથે તેમની વ્યક્તિગત સુરક્ષાને પણ વધારે મજબુત બનાવી દીધી હતી.
હવે દિલ્હી હાઈકોર્ટે બુધવારે પોતાના આદેશમાં સ્વામીને 6 અઠવાડિયાની અંદર અંદર જ પોતાના સરકારી બંગલાને સંપત્તિ અધિકારીને પરત કરવાનો આદેશ આપ્યો છે. અત્રે એ નોંધનીય છે કે સુબ્રમણ્યમ સ્વામીને આ સરકારી બંગલો તેમના સંસદ સભ્ય બન્યાં પહેલાં એલોટ કરવામાં આવ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા રિપબ્લિક ટીવીને આપતા સ્વામીએ કહ્યું કે જો તેમની સુરક્ષા અંગે દરેક વ્યક્તિ સંતુષ્ટ થઇ જાય તો તેમને આ બંગલો ખાલી કરવામાં કોઈજ વાંધો નથી. તેમણે કહ્યું કે, “હવે કોર્ટનો આદેશ આવી ગયો છે એટલે તેઓ બંગલો ખાલી કરી દેશે. મેં અદાલતને પણ કહ્યું છે કે જો મારી સુરક્ષાથી તમામને સંતોષ હોય તો હું બંગલો ખાલી કરવા માટે તૈયાર છું.”
સ્વામીએ કહ્યું, “તે સમયે રાજનાથ સિંહ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. એવું નથી કે આ બંગલા માટે મેં સામેથી નિવેદન કર્યું હતું. હું અહીં એટલા માટે રહેવા આવ્યો કારણકે તેમણે કહ્યું હતું કે મારી સુરક્ષા હેતુ આ ઘરને સુરક્ષિત બનાવવાનું છે. મારી પાસે Z કેટેગરીની સુરક્ષા છે જે કોઇપણ નાગરિક માટે સર્વોચ્ચ છે અને એ જ કારણ છે કે મને રહેવા માટે આ બંગલો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હું સંસદ સભ્ય બની ગયો અને આ બંગલાનો હકદાર બની ગયો.”
સાંસદ તરીકે પોતાના કાર્યકાળની સમાપ્તિ અંગે પૂછવામાં આવતાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, “મેં સિક્યોરીટીને પત્ર લખીને પૂછ્યું હતું કે શું જુનો કરાર ચાલુ જ રહેશે? આ દરમ્યાન શહેરી વિકાસ મંત્રાલયને મારાથી થોડી નારાજગી હતી એટલે તેણે મને બંગલો ખાલી કરવા માટે નોટીસો મોકલવાની શરુ કરી દીધી. એવો નેરેટીવ પણ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે હું આ ઘરને છોડવા માટે તૈયાર નથી. આથી જ હું કોર્ટમાં ગયો હતો.”